ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/ઋતુકાવ્ય

From Ekatra Foundation
Jump to navigation Jump to search


ઋતુકાવ્ય : સંસ્કૃત સાહિત્યમાં મહાકાવ્ય કે અન્ય પ્રકારોમાં આવતા પ્રાસંગિક ઋતુવર્ણનથી અલગ એવો ‘ઋતુકાવ્ય’નો સ્વતંત્ર પ્રકાર છે. જેમાં પ્રકૃતિનું સૌન્દર્યવર્ણન ધ્યાન ખેંચે છે. ઋતુઓનો વિશિષ્ટ પરિવેશ અને ઇન્દ્રિયસંવેદ્ય નિસર્ગવર્ણનો માનવભાવોના ઉદ્દીપન માટે કે એના પરિપોષ માટે સહાયક તરીકે અહીં કાર્યરત હોય છે. ગુજરાતી મધ્યકાલીન સાહિત્યમાં વસંતપ્રધાન ફાગુઓ અને ઋતુચક્ર આલેખતાં બારમાસી કાવ્યો આ પ્રકારનાં ઋતુકાવ્યો છે. ચં.ટો.