ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/ઓથેલો

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ઓથેલો : શેક્સ્પીયરની શ્રેષ્ઠ ચાર ટ્રેજિડિમાં ‘ઓથેલો’નું આગવું સ્થાન છે. ૧૬૦૩-૧૬૦૪ના અરસામાં રચાયેલી આ કૃતિમાં શેકસ્પીયરે ગૃહજીવનનો પ્રશ્ન ધ્યાનમાં લીધો છે. પ્રેમલગ્નથી જોડાયેલાં ઓથેલો અને ડેઝડિમોનાના સુખી સંસારમાં શઠ ઇયાગો આગ ચાંપે છે. ઓથેલોના ચિત્તમાં એની પત્ની ડેઝડિમોનાના ચારિત્ર્ય વિશે શંકાનું વિષ રેડી એ સુખી દામ્પત્યને બરબાદ કરી નાખે છે. ઓથેલોના નૈતિક વિશ્વને ખંડિત કરી મૂકે છે. નાટકનું કથાબીજ ટૂંકમાં આટલું જ છે પરંતુ નાટ્યકારની કલા ઇયાગોના પાત્રસર્જનમાં વિશેષ ઝળકી ઊઠે છે. ઇયાગો કદાચ વિશ્વનું શ્રેષ્ઠ ખલપાત્ર છે. ડેઝડિમોના જગતની દુષ્ટતાથી સાવ અજાણ છે. ઇયાગોની પ્રપંચજાળમાં તે સહેજે ફસાય છે. વિધાતા પણ જાણે કે ઇયાગોની દુષ્ટતાને અનુકૂળ બને છે. આ કૃતિ વાંચતાં દુઃખદ ભાન થાય છે કે જગતમાં દુષ્ટ તત્ત્વો શક્તિશાળી છે. ડેઝડિમોનાના ચારિત્ર્ય વિશે શંકામાં તરફડતો અને પ્રેમ તથા નિરાશા વચ્ચે ઝોલાં ખાતો ઓથેલો અંતે આસુરી બળ સામે પરાજિત થાય છે. એની શ્રદ્ધા હારી જાય છે. આમ ઓથેલો ટ્રેજિડિનો વીરનાયક બની રહે છે. નાટકને અંતે ઇયાગો ઉઘાડો પડે છે. એને કલ્પના પણ ન હોય તે તરફથી – એની પત્ની એમેલિયા તરફથી જ એનો ભાંડો ફૂટે છે, પણ સુખી દામ્પત્યની ટ્રેજેડી તો તે પહેલાં જ સરજાઈ ચૂકી છે. અલબત્ત, ઇયાગોને કાવ્યન્યાય મળે છે. મ.પા.