ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/ઓવરકોટ
ઓવરકોટ : રશિયન વાર્તાકાર નિકોલાઈ ગોગોલની આ વાર્તાનો વિશ્વના વાર્તાપ્રવાહ પર ભારે પ્રભાવ રહ્યો છે. સામાન્ય કારકુની કરી પેટિયું રળી ખાતો અકાકિયોવિચ એકવાર ભદ્ર સમાજના લોકો વાપરતા તેવો ડગલો ખરીદવા લલચાય છે. પોતાના ગજા બહારની આ વાત હોવાથી તે તનતોડ મહેતન કરી ડગલો ખરીદે છે. આ ડગલાને કારણે હવે સમાજમાં સહુ એને માન આપે છે. પરન્તુ અકાકિયોવિચનો આ આનંદ લાંબો સમય ટકતો નથી કારણકે એકવાર એના સન્માનના મેળાવડામાંથી પાછો ફરતો હોય છે ત્યાં માર્ગમાં જ કોઈ ચોર એની પાસેથી એ ડગલો આંચકી લઈ ચાલ્યો જાય છે. આ વાર્તા દ્વારા ગોગોલે ભદ્ર સમાજ પર વેધક કટાક્ષ કર્યો છે અને પ્રસંગગૂંથણી તથા ચમત્કૃતિયુક્ત અંત દ્વારા ટૂંકી વાર્તાનું નવું રૂપ સિદ્ધ કર્યું છે. આનો પ્રભાવ આપણી ગુજરાતી ટૂંકી વાર્તા પર પણ પરોક્ષ રીતે પડ્યો છે. સમીક્ષક ઇઆન રીડે સાચું જ કહ્યું છે કે આપણે સહુ ગોગોલના ઓવરકોટમાંથી નીકળી આવ્યા છીએ.
ધી.પ.