ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/કરુણાન્તિકા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કરુણાન્તિકા (Tragedy) : કરુણરસપ્રધાન નાટ્યપ્રકાર. તેને બરાબર સામે છેડે હાસ્યપ્રધાન સુખાન્તિકા છે. પરંતુ આ બે પ્રકારો વચ્ચેનો વિરોધ માત્ર રસપ્રાધાન્યનો નથી પણ જીવન પ્રત્યેના તેના અભિગમ અને તદનુસારની તેની અભિવ્યક્તિનો છે. કરુણ કે હાસ્યનું પ્રાધાન્ય આ ગંભીર કે હળવા અભિગમનું જ રસાનુભવરૂપ પરિણામ છે. ‘ટ્રેજિડિ’નો અભિગમ ગંભીર છે અને તેનો પ્રધાનરસ કરુણ હોય છે, આથી તેને ‘ગંભીરનાટક’ કે ‘કરુણાન્ત’ પણ કહેવામાં આવે છે. પરંતુ એમાંથી એકેયમાં ‘ટ્રેજિડિ’ દ્વારા સંકેતિત વિભાવના યથાર્થરૂપે વ્યક્ત થતી નથી, કારણ કે ‘ગંભીર’માં ‘કરુણ’નો નિર્દેશ સમાવિષ્ટ નથી, તો ‘કરુણાન્ત’થી સૂચવાય છે તેમ ‘ટ્રેજિડિ’નો અંત કરુણ જ હોય એ અનિવાર્ય નથી, એવું તો ગ્રીક ટ્રેજિડિના સમયથી જ ‘ઇફિજીનિયા’ જેવા નાટક દ્વારા સૂચવાઈ ગયું છે. ગુજરાતીમાં ગઈ સદીમાં ‘કરુણારસ’ એવો પણ પ્રયોગ થયો છે પણ તેમાં ‘કરુણ’ અને ‘કરુણા’ વચ્ચેનો ભેદ વિસરાઈ ગયો છે. હિંદીમાં ‘ત્રાસદી’ એવો પ્રયોગ થાય છે. ટ્રેજિડિ સાથેના તેના ઉચ્ચારસામ્યને લીધે તે ભલે પ્રચલિત થયો હોય પણ ‘ત્રાસદી’નો ‘ત્રાસદાયક’ એવો અર્થ ટ્રેજિડિના સંબંધમાં વિચારી જ ન શકાય કારણ કે ટ્રેજિડિ ભલે કરુણપ્રધાન છતાં ‘ત્રાસ’દાયક નહીં, આનંદદાયક છે. વાસ્તવમાં, એ જ એની વિશિષ્ટતા છે અને એમાં જ એનો મહિમા છે. ‘કરુણ’ના રસાનંદરૂપ અનુભવ સાથે ‘ત્રાસદી’નો મેળ અશક્ય છે. ટ્રેજિડિ માટે વપરાતાં કરુણાન્ત અથવા કરુણાન્તિકાને એ અર્થમાં નિર્વાહ્ય ગણી શકાય કે નાટકના કથાવસ્તુનો-ઘટનાનો અંત કરુણ હોય કે ન હોય, પરંતુ તેનો રસાનુભવ તો કરુણપ્રધાન જ હોય છે. એટલે, ભાવનનું અંતિમ પરિણામ કરુણનો અનુભવ હોય છે અને ટ્રેજિડિના ભાવનને અંતે ચિત્ત કરુણરસસભર હોય છે એ અર્થમાં તેને કરુણાન્ત કહેવાનું ચલાવી લઈ શકાય. ટ્રેજિડિ માટે ઉત્તમ શબ્દ ‘ટ્રેજિડિ’ જ છે કારણકે ટ્રેજિડિની વિભાવનામાં કરુણનું પણ કેવળ ‘દયાજનક’ નહીં પણ જે ભવ્ય-ઉદાત્ત સ્વરૂપ અભિપ્રેત છે, જીવનનો જે કરુણ-ગંભીર સમુદાર અને લોકોત્તર દર્શનાનુભવ અપેક્ષિત છે તે સૂચિત થવો મુશ્કેલ છે અને ટ્રેજિડિની વિભાવનામાં અનુસ્યૂત કરુણનું આ સ્વરૂપ જ ટ્રેજિડિનું પ્રાણતત્ત્વ છે. ટ્રેજિડિનું નાટ્યસ્વરૂપ પ્રાચીન ગ્રીસથી આરંભાઈને પ્રચલિત અને પરંપરિત થયું છે. એરિસ્ટોટલે તેની સમકાલીન ગ્રીક નાટ્યપ્રવૃત્તિ(રંગભૂમિ અને નાટ્યકૃતિઓ)ના અવલોકનથી ટ્રેજિડિનાં લક્ષણો તારવવાનો પ્રયત્ન કર્યો છે. પરંતુ તેણે આપેલી ટ્રેજિડિની કહેવાતી ‘વ્યાખ્યા’ને તાત્ત્વિક વ્યાખ્યા ગણવી મુશ્કેલ છે. તેમાં વસ્તુત : વિજ્ઞાનીની રીતે પ્રાપ્ત નમૂનાઓ ઉપરથી તારવેલાં લક્ષણોનું નિરૂપણ છે અને એ રીતે એ ‘વ્યાખ્યા’ નહીં, પણ ‘વર્ણન’ છે. ટ્રેજિડિની તાત્ત્વિક વિભાવનાને વ્યાખ્યાબદ્ધ કરવી અશક્ય છે કારણકે જમાનેજમાને અને દેશેદેશે, ભિન્ન ભિન્ન સર્જકપ્રતિભાઓ દ્વારા એરિસ્ટોટલકથિત લક્ષણોને પરહરીને પણ ઉત્તમ ટ્રેજિડિઓ રચાઈ છે. સ્વરૂપગત વિગતો પરિવતિર્ત લોકસંદર્ભાનુસાર બદલાતી ગઈ છે, પણ તત્ત્વ, જે વૈશ્વિક અને કાલાતીત તથા સંદર્ભનિરપેક્ષ ને સ્થાયી રહ્યું છે. ટ્રેજિડિનાં લક્ષણો અને ઘટકોની ચર્ચાનો વિવેચનાત્મક આરંભ એરિસ્ટોટલે કર્યો છે કારણ કે તેની સામે વિશ્વની આદિ અને ઉત્તમ ગ્રીક ટ્રેજિડિનો સજીવ સંદર્ભ હતો. એરિસ્ટોટલ પછી ટ્રેજિડિના તત્ત્વની, કરુણના રસાનુભવના સ્વરૂપની, ટ્રેજિડિનાં ઘટક તત્ત્વોની તેમજ એરિસ્ટોટલે પ્રતિપાદિત કરેલા ‘અનુકરણ’ (માઈમેસિસ’) વિરેચન’‘(કેથાસિર્સ’) ‘ભય(ટેર’) અને ‘કરુણા (પિટી’), ‘માનવીયક્ષતિ’‘(હેમશિર્યા’) અને ‘સ્થિતિપરિવર્તન’ (પેરિપેટિ) એ બધાનાં અર્થઘટનો, ત્રિવિધ એકતા(થ્રી યુનિટિઝ) વગેરેની કલાવિષયક, તત્ત્વજ્ઞાનદૃષ્ટિથી તેમજ વિકસતા જતા માનસશાસ્ત્રના અને બદલાતા સમાજસંદર્ભના પરિપ્રેક્ષ્યમાં ઘણી ચર્ચા થઈ છે. સાહિત્યક્ષેત્રના પ્રાચીન ગ્રીસથી માંડીને અદ્યતનયુગ પર્યંતના લગભગ બધા જ અગ્રણી વિવેચકો ઉપરાંત શોપનહોવર, નિત્શે, હેગલ, બર્ગસોં, ફ્રોય્ડ, કોસ્લર વગેરે અનેક દાર્શનિકોએ ટ્રેજિડિનાં તત્ત્વ, દર્શન, અનુભવ વગેરેની ચર્ચા કરી છે. અને એ રીતે ટ્રેજિડિનો ખ્યાલ ઊઘડતો ગયો છે. ટ્રેજિડિની આવી વ્યાપક, ઐતિહાસિક અને તાત્ત્વિક ચર્ચા તેના માત્ર રંગભૂમિગત નાટ્યપ્રકાર કરતાં, જીવનનાં અભિગમ અને અભિવ્યક્તિ તરીકે અતલ તાત્ત્વિક ઊંડાણ અને મહત્ત્વની સૂચક છે. આટલી બધી ચર્ચા છતાં ટ્રેજિડિની વાતનાં મંડાણ તો એરિસ્ટોટલથી જ થાય છે તે, તે પ્રારંભક છે એટલા જ માટે નહીં પણ તેણે આપેલી ઘણી વિગતો તેનો ગ્રીક નાટક પૂરતો મર્યાદિત સંદર્ભ બદલાતાં અપ્રસ્તુત બની ગઈ હોવા છતાં તેણે કરેલાં કેટલાંક મૂળભૂત પ્રતિપાદનો અને પરિવતિર્ત વિગતો પાછળની તેની દૃષ્ટિ સર્વકાલીન મહત્ત્વનાં છે. ટ્રેજિડિની વાત કરતાં એરિસ્ટોટલે કરેલી ‘અનુકરણ’ અને વિરેચન’ વગેરેની વાતો માત્ર ટ્રેજિડિ પૂરતી જ નહીં પણ સમગ્ર સર્જનાત્મક પ્રવૃત્તિ માટેના મહત્ત્વના સિદ્ધાન્તો પ્રતિપાદિત કરે છે, તો તેણે કહેલી સ્થળ, સમય અને વસ્તુની એકતા પાછળથી ભલે નિવારાઈ હોય પણ તેમાંની વસ્તુની એકતા તથા સમગ્રતા અને તેનાથી બંધાતા કૃતિના રૂપ (Form)નો સિદ્ધાન્ત કોઈપણ કલાકૃતિનો અપરિહાર્ય સિદ્ધાન્ત ગણાય તેમ છે. ‘કેથાસિર્સ’ની વાત તેણે ભલે સંભવત : પ્લેટોના વિરોધના પ્રત્યુત્તર રૂપે કરી હોય પણ તેનાં ‘સમતોલન’, ‘વિરેચન’/‘નિર્મલન’ એવાં વિવિધ અર્થઘટનો અને તેમાં ભારતીય દૃષ્ટિબિંદુ ઉમેરીએ તો ‘ઊર્ધ્વીકરણ’ વગેરે ‘રસાનુભવ’નાં સ્વરૂપ અને પરિણામવિષયક વ્યાપક અને સૂક્ષ્મ ચર્ચાનો વિષય બની છે અને તેનો સમાજશાસ્ત્રીય – નૈતિક – મનોવૈજ્ઞાનિક – સૌન્દર્યાનુભવલક્ષી એમ વિવિધ પરિમાણોમાં વિસ્તાર થયો છે. કેટલોક સમય, યુરોપની સાંસ્કૃતિક પરંપરાએ અન્ય કળાઓની જેમ ટ્રેજિડિની બાબતમાં પણ, એરિસ્ટોટલે દર્શાવેલાં લક્ષણોને આદેશાત્મક સિદ્ધાન્તો લેખીને, ગ્રીક ટ્રેજિડિને નમૂનારૂપ રાખીને સર્જનો કર્યાં છે. ઈ.સ.ના આરંભકાળના રોમન લેખક સેનેકાનાં ગ્રીક નાટકો પર આધારિત નાટકો, જેની પાછળથી યુરોપીય નાટકો પર ઘણી અસર પડી તે મુખ્યત્વે પાઠ્યનાટકો હતાં. પણ તેના પ્રભાવ હેઠળ વિકસેલી ફ્રેન્ચ પ્રશિષ્ટ ટ્રેજિડિના કોર્નેલ અને રાસીન જેવા સર્જકોથી ફ્રાન્સમાં જે પરંપરા જળવાઈ તેમાં ગ્રીક માળખું ચુસ્તપણે જળવાયું પણ પ્રાણધબકાર પરંપરિત નથી થયો. સેનેકાથી જ પ્રભાવિત હોય તેમ ઇંગ્લૅન્ડમાં માર્લોવ અને પછી શેક્સ્પીયરે જે શકવર્તી ટ્રેજિડિઓ સર્જી તેમાં એરિસ્ટોટલની મૂળભૂત વિભાવના સિવાય ત્રિવિધ એકતા, કોરસ, કથાસંયોજનનું મહત્ત્વ વગેરે બાબતો વેગળી મુકાઈ અને ઘટનાપ્રધાનને બદલે ચરિત્રપ્રધાન નાટકો જ વિકસ્યાં. જર્મનીમાં ગટે અને શિલરે ટ્રેજિડિઓ સર્જી પરંતુ અઢારમી સદીના અંતમાં સમગ્ર યુરોપ ખૂંદી વળેલા ગ્રીકને બદલે શેક્સ્પીયરનો પ્રભાવ ફરી વળ્યો. ધીમે ધીમે આ બધાં નાટકોમાંનું લોકાર્ષક અતિરંજનાત્મક(મેલોડ્રામેટિક) તત્ત્વ વધુ ઊપસી રહેતાં ઓગણીસમી સદીમાં સર્વત્ર સાચી ભવ્યકરુણ ને ઉદાત્ત ટ્રેજિડિને બદલે અતિરંજનાત્મક ટ્રેજિડિઓ વ્યાપક બની. આ દરમ્યાન જર્મન સર્જક લેસિંગ જેવાએ ગ્રીક ટ્રેજિડિના માળખાને રાજાઓ અને મહામાનવોની કથાથી અલગ કરી તેમાં મધ્યમવર્ગીય જીવનનું નિરૂપણ કરવાનો પ્રયત્ન કર્યો. પરંતુ ટ્રેજિડિમાં મર્યાદિત તખ્તાપરક દૃષ્ટિએ જે પ્રકારની અતિમાનવીય પાત્રસૃષ્ટિ અને રંગદર્શી કલ્પનાત્મક અને અ-સામાન્ય જગતનું પ્રત્યક્ષીકરણ અપેક્ષિત ગણાતું હતું તે તેમાં પ્રાપ્ત ન થતાં તે પ્રયત્નોને સફળતા ન મળી. એ દૃષ્ટિએ કેટલાકને મતે ઇબ્સન સ્ટ્રીન્બર્ગની જનસામાન્યનાં કુટુંબજીવનની ઘટનાઓને રજૂ કરતી ટ્રેજિડિ પણ પૂરા ગ્રીક અર્થમાં ટ્રેજિડિ નહીં પણ માત્ર ‘નાટકો’ ગણાય. આ જ દૃષ્ટિએ વર્તમાન સમયમાં પણ ટી. એસ. ઇલિયટનું ‘મર્ડર ઇન ધ કથીડ્રલ’ તેમાં રાજા, આર્ચબિશપ વગેરેનાં પાત્રો હોવાથી સફળ નીવડ્યું જ્યારે ‘ધ ફૅમિલિ રીયૂન્યન’ ગ્રીકકથા પર આધારિત છતાં તેટલું સફળ ન થયું. પરંતુ અર્વાચીનકાળમાં આવતાં રંગભૂમિના બદલાતા સ્વરૂપ સાથે ટ્રેજિડિની રચના પણ બદલાતી જાય છે. વસ્તુની એકતા સિવાય અન્ય એકતાઓ કે કોરસ કે પદ્યાત્મક સંવાદો વગેરે અનિવાર્ય નથી રહેતાં. બદલાયેલી જીવનદૃષ્ટિ અને લોકાભિગમને પરિણામે સામાન્ય માનવી કેન્દ્રમાં આવતો જાય છે. ઘટના મહામાનવો કે માનવવિશેષોની જ નથી રહેતી. ઓ’નીલ પુરાણી ગ્રીકકથાને પોતાની રીતે રજૂ કરે છે તો આર્થર મિલર ‘ડેથ ઓવ અ સેલ્સમન’માં સામાન્ય માનવીને કેન્દ્રમાં રાખે છે. અલબત્ત, તેમ છતાં ઇબ્સન, સ્ટ્રીન્બબર્ગ, મિલરની ટ્રેજિડિઓનો કરુણ માનવચરિત્ર અને માનવમનના વ્યાપને ને વિચિત્રતાઓને એવી રીતે ઉઘાડે છે, માનવજીવન અને સંસ્કાર તથા સંસ્કૃતિને એવી રીતે વ્યક્ત કરે છે કે તેમાં ટ્રેજિડિનું વ્યાપક, ભવ્ય અને ઉદાત્ત તત્ત્વ ગ્રીક ટ્રેજિડિથી જુદી રીતે પણ અનુભવાય છે. એ બધાંમાં, ટ્રેજિડિ ઘટનાપ્રધાન નહીં, ઘટનાના મહત્ત્વ છતાં ચરિત્રપ્રધાન બની રહે છે અને માનવીનાં મન, તેના સંબંધો, તેનાં મૂલ્યો અને સંબંધોની દુનિયા તેનું ક્ષેત્ર બની રહે છે. પરંતુ આ જ પ્રક્રિયા આગળ ચાલતાં એવી સ્થિતિ આવે છે કે જીવન અને ચરિત્ર, ઘટના અને મનોઘટનાની સંકુલતાનું દર્શન ટ્રેજિક અને કોમિક એવા ચોખ્ખા બે અભિગમોમાં જીવનનું આકલન અને નિરૂપણ કરવાનું અશક્ય બનાવે છે. જીવનમાં ટ્રેજિક અને કોમિક તત્ત્વોને સેળભેળ જ નહીં, અવિયોજ્ય રૂપે સંકળાયેલાં જ નહિ, પણ એક રૂપે જોતો સર્જક તેને પૃથક્ કરીને અલગ અલગ નિરૂપવાને બદલે સંકુલ રૂપે જ નિરૂપે છે અને ત્યારે જે નિષ્પન્ન થાય છે તે નથી હોતી ટ્રેજિડિ કે નથી રહેતી કોમેડી – એ ટ્રેજિ-કોમેડી બની જાય છે. અને પછી તો આ ટ્રેજિક છે કે કોમિક છે એવી નિર્ણયાત્મક દૃષ્ટિ પણ છોડીને જે છે તેને તે જેવું છે તેવું જ જોતો સર્જક એ બન્નેની પાર અલિપ્ત થઈ જાય છે. આથી જ કેટલાકનો મત છે કે ટ્રેજિડિનું અવસાન થયું છે અને હવેની સર્જકચેતનાની સંવેદના ટ્રેજિડિ નહીં સર્જે. ભારતીય તત્ત્વદર્શનની દૃષ્ટિએ તો ટ્રેજિડિ શક્ય અને સ્વીકાર્ય જ નથી કારણકે પ્રાચીન ભારતીય સર્જક પૂર્ણવર્તુળને આલેખે છે જેમાં ‘કરુણ’ માત્ર મધ્યમ સ્થળે જ હોઈ શકે છતાં સંસ્કૃત નાટકોમાંનાં ‘ઊરુભંગ’ કે ‘ઉત્તરામચરિત્ર’ જેવી કૃતિઓ કેટલેક અંશે રચનાદૃષ્ટિએ તેમજ મહદંશે કરુણના પ્રાધાન્યને કારણે ટ્રેજિડિની નજીક જાય છે. વર્તમાન ભારતીય ભાષાઓમાં રચાતી દ્વિજેન્દ્રલાલની ‘શાહજહાં’ જેવી કરુણાન્તિકાઓ યુરોપીય કૃતિઓના સ્વરૂપના પ્રભાવ હેઠળ રચાયેલી હોય છે. પણ આપણે ત્યાં પણ હવે ‘શુદ્ધ ટ્રેજિડિ’ને બદલે સંકુલ ભાવાત્મક કૃતિઓ જ સર્જાય છે. આમ, ટ્રેજિડિ હવે ભવ્યકરુણને ઉદાત્ત સ્વરૂપે વ્યક્ત કરનારું પણ હવે પ્રશિષ્ટ સ્વરૂપ જ બની રહે છે. પણ, જગતની ઉત્તમ ટ્રેજિડિઓ સર્જકતાના અસાધારણ ઉન્મેષ તરીકે જગતના સાહિત્યનો મહિમાવંતો અમૂલ્ય વારસો છે. વિ.અ.