ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/કર્પૂરમંજરી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કર્પૂરમંજરી : સટ્ટક પ્રકારના ઉપરૂપકનું પ્રાચીનતમ ઉદાહરણ આપતું રાજશેખરકૃત આ પ્રાકૃત નાટક ચાર અંકમાં વહેંચાયેલું છે. રાજા ચંડપાલનું કર્પૂરમંજરી પરત્વેનું આકર્ષણ એની રાણીના અનેક વિરોધમૂલક પ્રયત્નો છતાં લગ્નમાં પરિણમે છે, એવી પ્રેમવિષયક કથાને રાજશેખરે નાટ્યરૂપ આપવામાં જેટલી કવિત્વશક્તિ દાખવી છે એટલી નાટ્યશક્તિ નહિ. અલબત્ત, ૧૪૪ જેટલા શ્લોક નાટ્યકારના પ્રાકૃત છંદો પરના પ્રભુત્વના પરિચાયક છે. પરંતુ કાલિદાસના ‘માલવિકાગ્નિમિત્ર’ અને શ્રીહર્ષના ‘રત્નાવલિ’થી પ્રભાવિત હોવા છતાં નાટકકાર કોઈ ચરિત્રચિત્રણ પણ ભાગ્યે જ ઉત્તમ રીતે આપી શક્યો છે. કરામતી દૃશ્યો, ચામુંડા મંદિરે સંતાકૂકડીની રમત વગેરેમાં એની પ્રતિભા જોઈ શકાય છે. એના પછીના કેટલાક લેખકો રાજશેખરને આદર્શ માનીને ચાલ્યા છે એ નોંધપાત્ર છે. નયચંદ્રની ‘રંભામંજરી’(ચૌદમી સદી), રુદ્રદાસની ‘ચંદ્રલેખા’ (સત્તરમી સદી), માર્કણ્ડેયની ‘વિલાસવતી’(સત્તરમી સદી) અને વિશ્વેશ્વરની ‘શૃંગારમંજરી’(અઢારમી સદી) એ રાજશેખરપરંપરાની રચનાઓ છે. ચં.ટો.