ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/કલા અને સાહિત્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કલા અને સાહિત્ય : ભારતીય કલાદર્શનમાં સ્થાયીભાવોના રૂપાન્તર દ્વારા જે સૌન્દર્યાનુસંધાન થાય છે, રસાનુભૂતિ થાય છે એ ન તો સ્વ-ગત છે, ન તો પરગત છે. સાધારણીકરણનો વ્યાપાર વ્યક્તિગત સંકીર્ણતામાંથી અનુભવને ઊંચકીને તટસ્થ અને સાર્વભૌમિક ભૂમિકાએ મૂકી આપે છે, અને એને અ-લૌકિક બનાવે છે. આમ વ્યવહારના અનુભવથી કલાના અનુભવને સ્પષ્ટપણે જુદો પાડવામાં આવ્યો છે. એટલું જ નહિ પણ બ્રહ્માનંદ સહોદર આનંદ એ જ કેવળ કલાનું લક્ષ્ય હોવાથી એને નૈતિકતા કે ઉપયોગિતા સાથે સાંકળવાનો પ્રયત્ન થયો નથી. અને ઇચ્છ્યો છે તો પણ કાન્તાસંમિત ઉપદેશ ઇચ્છ્યો છે. રવીન્દ્રનાથે ભારતીય દર્શનને અનુસરીને જ કલાની વ્યાખ્યા આપતાં કહ્યું છે કે મનુષ્યની સઘળી જરૂરિયાતો પૂરી પડે પછી શેષ રહેતી શક્તિ એ કલા છે. ઉચ્છિષ્ટ એ કલા છે. આનંદશંકર ધ્રુવે આ વ્યાખ્યાને આગળ વધારતાં સ્પષ્ટ કર્યું કે શેષ રહેતું સઘળું કલા નથી. ઉત્ એટલે ઊંચું. ઊંચું શિષ્ટ તે કલા છે. એમણે આ વાત સમજાવતાં કાલ્વિનનું વિધાન ટાંક્યું છે : ‘કેટલીક ચીજો આપણે કરવી પડે છે કારણકે એ આપણી જરૂરિયાત છે. કેટલીક ચીજો આપણે કરવી જોઈએ કારણકે એ આપણી ફરજો છે. કેટલીક આપણને ગમે તો કરીએ એ આપણી ક્રીડા છે.’ કલાના સ્વરૂપને શિલરે પણ મનુષ્યના લીલામય (play) સ્વરૂપ તરીકે ઓળખાવ્યું છે. આમે ય કલાવિચારણામાં જર્મન ફિલસૂફોનું પ્રદાન મહત્ત્વનું રહ્યું છે. કાન્ટે બહારના કોઈ લક્ષ્ય વગરનો, ઉપયોગિતા અને નૈતિકતાથી નિરપેક્ષ શુદ્ધ સૌન્દર્યનિષ્ઠ અનુભવ પુરસ્કાર્યો છે. ગ્યોથે કલાને એક જીવંત સંઘટના રૂપે જોઈ છે, તો શેલિંગે કલાની વિશિષ્ટતામાં સાર્વત્રિકનો અપૂર્વ આવિષ્કાર ગણ્યો છે. એડગર એલન પો અને ઓસ્કાર વાઈલ્ડ જેવા લેખકોએ પણ કલા ખાતર કલાનો સિદ્ધાન્ત પ્રમાણિત કરવા પ્રયત્ન કર્યો છે. ટૂંકમાં, એક વિચારણા કલાને સંપૂર્ણ સ્વાયત્ત ગણે છે. કલાને સૌન્દર્યનિષ્ઠ ધોરણોથી ઇતર એવાં ધોરણોથી ન મૂલવી શકાય એવું માને છે. તો, એવી પણ વિચારણાઓ છે જે કલાને કલાસંદર્ભમાં નહિ પણ જીવનસંદર્ભમાં મૂલવવાનો પ્રયત્ન કરે છે. પ્લેટોના, જીવનને લક્ષ્ય કરી પ્રયોજાયેલા નીતિ અને સત્યના માપદંડોને એરિસ્ટોટલે કલાના નિજી મૂલ્યમાં પરિવતિર્ત કર્યા, છતાં કલા પરત્વેના નીતિવાદી અને સૌન્દર્યવાદી અભિગમો અંગેનો વિવાદ તે પછી પણ સદીઓ સુધી સતત ચાલુ રહ્યો છે. એકંદરે તોપણ કલાઓ અંતર્ગત મોટેભાગે ‘ઉપયોગી’ કલાઓ નહીં પણ લલિતકલાઓનો જ સમાવેશ થયો છે. હેગલે લલિતકલાઓને ‘આંખની’ કલાઓ અને ‘કાનની’ કલાઓ એમ બે વર્ગમાં વહેંચી છે. સ્થાપત્ય, મૂર્તિવિધાન અને ચિત્રનો પહેલા વર્ગમાં અને સંગીત તેમજ કવિતાનો બીજા વર્ગમાં સમાવેશ કર્યો છે. ઉપરાંત હેગલ, કલાઓ પોતપોતાના પ્રયોજન સિદ્ધ કરવા માટે ભૌતિક પદાર્થો ઉપર વધારે કે ઓછો આધાર રાખતી હોય તે અનુસાર તેમને ક્રમવાર ગોઠવી સ્થાપત્યને નીચામાં નીચું અને કવિતાને ઊંચામાં ઊંચું સ્થાન આપે છે. સાહિત્યનું માધ્મય ભાષા હોવાથી અને ભાષા સૌથી વધુ અર્થપૂર્ણ માધ્યમ હોવાથી સાહિત્યને પ્રથમ ક્રમ અપાયો છે ખરો પણ દરેક કલાની સ્વાયત્તતા, એની વિશિષ્ટતા અને મર્યાદાને જોતાં આ પ્રકારનું હેગલનું વર્ગીકરણ અત્યંત ગેરમાર્ગે દોરનારું છે. લેસિંગે ‘લાઓકૂન’ના શિલ્પની ચર્ચા કરતાં ‘આંખની’ કલાઓ અને ‘કાનની’ કલાઓ કઈ રીતે પોતાના માધ્યમની વિશિષ્ટતાને અનુસરીને પોતાની મર્યાદાઓ અતિક્રમી જાય છે એની વિશદ ઓળખ આપી છે અને કલાઓની તરતમતાને રદિયો આપ્યો છે. અલબત્ત, ક્રોચે એના અંતર્ગત કલાવાદના સિદ્ધાન્ત દ્વારા માધ્યમને માત્ર કલાકારની સ્મૃતિને સહાયક સાધન ગણે છે એટલું કલાઓમાં માધ્યમ નિષ્ક્રિય નથી હોતું. તેથી જ શોપનહોવર, પ્રત્યેક કલા પોતાની ચરમ અવસ્થામાં સંગીત બની જાય છે એમ કહે ત્યારે કલાઓના માધ્યમ દ્વારા સિદ્ધ થતા શુદ્ધ સૌન્દર્યના સર્વસામાન્ય લક્ષ્યને જ એ તાકે છે. એ રીતે જોઈએ તો શિલ્પની સાકારતા ચિત્રમાં નથી અને ચિત્રની રંગવિશિષ્ટતા કે દૃશ્યવિશિષ્ટતા શિલ્પમાં નથી. તો, શિલ્પ અને ચિત્રમાં નૃત્યની ગતિમયતા કે સંગીતનું શ્રુતિમાધુર્ય નથી. સાહિત્યમાં તો શિલ્પ અને ચિત્રની મૂર્તતા, નૃત્યની ગતિમયતા, સંગીતના જેવો સીધો સંસ્પર્શ – આ બધાનો અભાવ છે. છતાં આ બધી કલાઓ પોતામાં જે ખૂટે છે તેને, અભાવને, પરોક્ષ રીતે અનુસરીને અતિક્રમી જાય છે. આમ, કલા અનેક છે, છતાં કલાઓ પરસ્પર સંબદ્ધ છે. અને એમનું પ્રત્યેકનું લક્ષ્ય સૌન્દર્યાનુસન્ધાનનું જ છે. શિલ્પને મૂક કાવ્ય કહેવામાં આવે, કાવ્યને મુખરચિત્ર કહેવામાં આવે કે સ્થાપત્યને થીજેલું સંગીત કહેવામાં આવે ત્યારે કલાઓની પરસ્પરની સંબદ્ધતા જેમ સ્પષ્ટ છે, તેમ પ્રતીકવાદી કવિતા વાગ્નરના સંગીતને કે દેગા જેવો ચિત્રકાર પ્રતીકવાદી કવિતાને અનુસરવા પ્રેરાય એમાં કલાઓની નિજી અભિવ્યક્તિની વિશિષ્ટતાઓનાં ઇંગિત સ્પષ્ટ છે. ચં.ટો.