ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/કલ્પન

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કલ્પન (Image) : કલ્પન અને કલ્પનશ્રેણી બંનેની અર્થચ્છાયામાં થોડો ફેર છે. કલ્પન કે પ્રતિરૂપની વ્યાખ્યા કરનારા વિવેચકો કાવ્યની (વ્યાપક અર્થમાં સાહિત્યની) અભિવ્યક્તિમાં ઐન્દ્રિયિક ગુણોથી મૂર્ત, સઘન અને સ્પર્શક્ષમ એવા નાનામાં નાના ઘટકને લક્ષે છે : સુરેખ, સુનિશ્ચિત અને એકાગ્ર અભિવ્યક્તિથી એવું ઘટક ચોટદાર હોય છે. આથી ભિન્ન કલ્પનશ્રેણી સંજ્ઞા કંઈક સંદિગ્ધ રીતે અને શિથિલપણે અભિવ્યક્તિની અંતર્ગત પડેલી ઉપમારૂપકાદિ સાદૃશ્યમૂલક અલંકારોની કે ઉપમાગર્ભ શબ્દાવલિની વિસ્તૃત અને પ્રમાણમાં બહિર્લક્ષી તરેહ સૂચવે છે. કેટલીકવાર કોઈએક કવિની છૂટક કાવ્યકૃતિમાં કે કૃતિસમૂહમાં સર્વસામાન્ય અભિવ્યક્તિના ઐન્દ્રિયિક ગુણોથી સમૃદ્ધ પોતનો નિર્દેશ કરવા તે પ્રયોજાય છે. સાહિત્યના સિદ્ધાન્તવિચારમાં અલંકાર અને કલ્પનની વિભાવના કંઈક જુદી રીતે વિકસેલી છે. કલ્પનનું નિર્માણ અલંકારચનાના યોગ વિનાય સંભવી શકે છે. જોકે સંકુલ કલ્પન લગભગ ઉપમા કે રૂપકનો આંશિક વ્યાપાર સમાવી લે છે. કલ્પનનિર્માણમાં ઘનીભૂત અને એકાગ્રરૂપ હંમેશાં અભિપ્રેત છે. જોકે એકથી વધુ કલ્પનોના સંયોજનમાં સધાતી સંકુલતા તેના રૂપને કંઈક ધૂંધળાશ અર્પે છે. કલ્પનની વ્યાખ્યા-વિચારણા મુખ્યત્વે ત્રણ દૃષ્ટિબિંદુઓથી થઈ છે : ૧, ભાવકના ચિત્તમાં કલ્પનનો પ્રભાવ ૨, કલ્પનના બંધારણમાં જોડાતા ઉપમારૂપકાદિ અલંકારોની પ્રક્રિયા અને ૩, સંકુલ કલ્પનમાં વ્યંજિત થતો પ્રતીકાત્મક અર્થ. ભિન્નભિન્ન ભૂમિકાએથી વિકસતી રહેલી કલ્પનની વ્યાખ્યા-વિચારણાઓ લક્ષમાં લેતાં કલ્પનનો ખ્યાલ કંઈક શિથિલ અને ધૂંધળો પ્રતીત થાય છે. કેટલાક અભ્યાસીઓ કલ્પનની વ્યાખ્યા વ્યાપક ભૂમિકાએથી કરે છે : ‘ભૌતિક પ્રત્યક્ષીકરણથી નિર્માણ થતા સંવેદનનું પ્રમાતાના ચિત્તમાં થતું પુનર્નિર્માણ – એ છે કલ્પન.’ કલ્પનના સ્વરૂપ વિશેનો આ પ્રાથમિક અને સાદોસીધો ખ્યાલ છે. ભૌતિક પ્રત્યક્ષીકરણમાં આવતાં પદાર્થ, વ્યક્તિ, દૃશ્ય કે ક્રિયાનું એ માનસિક પ્રતિરૂપ છે. આ સિવાય સ્મરણ, ભ્રાંતિ, સ્વપ્ન કે દિવાસ્વપ્નના દૃશ્યમાં વત્તીઓછી તાદૃશ્યતાથી કલ્પનો પ્રત્યક્ષ થાય છે. આ પ્રકારનાં કલ્પનો વિશેષત : ચક્ષુગ્રાહ્ય હોય છે એટલે કલ્પન સ્વરૂપત : દૃશ્યાત્મક જ હોય છે એવો મત પ્રચલિત થયો છે. જોકે કલ્પનમાં દૃશ્યાત્મકતા ઉપરાંત ભિન્ન ભિન્ન મૂર્ત સ્પર્શક્ષમ સંવેદનાઓ સમાવિષ્ટ છે એમ પ્રતિપાદિત કરનાર બીજું મોટું જૂથ છે. કેટલાક અભ્યાસીઓ સાહિત્યની વાઙ્મય સત્તાને આધાર તરીકે સ્વીકારે છે. કલ્પનને તેઓ ભાષાનિબદ્ધ એકમ તરીકે લઈને તેની ચર્ચા કરે છે. વિશ્વજીવનના અનુભવોને કવિ સર્જકકલ્પનાના યોગે અપૂર્વરૂપ અર્પે છે, અપૂર્વ રહસ્ય અર્પે છે. બાહ્ય વિશ્વના પદાર્થો, વ્યક્તિઓ આદિ સર્જકકલ્પનાના યોગે નવો ભાવસંદર્ભ અને નવો અર્થસંસ્કાર પ્રાપ્ત કરે છે. એટલે તેની ભાષામાં નિબદ્ધ કલ્પન એક સજીવ અને ગતિશીલ તત્ત્વ બની રહે છે. એવા કલ્પનને પ્રતીકાત્મક અર્થોનો વિશેષ સંદર્ભ પ્રાપ્ત થાય છે. આ જૂથના જાણીતા કવિ અભ્યાસી સી. ડી. લેવિસના મતે ‘કલ્પન એ શબ્દોથી નિર્માણ થયેલું ચિત્ર છે.’ અર્થાત્ કાવ્યમાં નિબદ્ધ કલ્પન એ બાહ્ય પદાર્થોના ભૌતિક પ્રત્યક્ષીકરણથી ભિન્ન સ્તરનું સંકુલ પ્રત્યક્ષીકરણ છે. વિચાર, લાગણી અને કલ્પનાના સંયોગે તેને વિશેષ પરિમાણો પ્રાપ્ત થાય છે. અભિવ્યક્તિમાં ગૂંથાયેલાં કલ્પનો અને પ્રતીકો સાથે ગતિશીલ સંબંધ પ્રાપ્ત થતાં, કલ્પનનું પ્રત્યેક એકમ અન્ય એકમો સાથેના સંકુલ સંબંધોનો સજીવ ભાગ બને છે. સી. ડી. લેવિસ દરેક કલ્પનમાં કોઈક રીતે રૂપકાત્મક વ્યાપાર સંભવે છે – એવો મત પ્રગટ કરે છે. કલ્પનના સ્વરૂપબોધમાં તેની ઐન્દ્રિયિક ગુણસમૃદ્ધિના સ્થાન વિશે અભ્યાસીઓમાં દૃષ્ટિભેદો રહ્યા છે. કેટલાક ઐન્દ્રિયિક ગુણસમૃદ્ધિને જ કલ્પનનું વ્યાવર્તક લક્ષણ માને છે. બીજા એને અનિવાર્ય ગણતા નથી. કલ્પનવાદના મુખ્ય પ્રણેતા એઝરા પાઉન્ડે કલ્પનની વ્યાખ્યા આ રીતે આપી છે : ‘ક્ષણના સૂચ્યાગ્ર બિંદુએ બૌદ્ધિક વિચારતત્ત્વ અને લાગણીના સંકુલનો યુગપદ્ વિસ્ફોટ તે કલ્પન.’ કલ્પનનું વર્ગીકરણ સામાન્ય રીતે ઐન્દ્રિયિક સંવેદનાઓની વિભિન્ન કોટીઓને આધારે થાય છે. દૃશ્યકલ્પન (Visual image), શ્રુતિકલ્પન (Auditory image), ગંધનું કલ્પન (Olfactory image) સ્વાદ કે અન્નરસનું કલ્પન (Gustatory image), સ્પર્શબોધનું કલ્પન (Tactile image), ઉષ્ણતાબોધનું કલ્પન (Thermal image), વિસ્તારબોધનું કલ્પન (Expansive image), દેહાવબોધનું કલ્પન (Organic image), શક્તિભાનનું કલ્પન (Kinesthetic image) વગેરે. કાવ્યસાહિત્યમાં કેટલાએક સંદર્ભે આ પૈકી કોઈ એક જ ઐન્દ્રિયિક બોધ રજૂ કરતાં સાદાં સુરેખ કલ્પનો ય મળે છે અને એમાં ઘણુંખરું અભિધાના સ્તરેથી નિરૂપણ થયું હોય છે. પણ બીજા ઘણાએક સંદર્ભે, વિશેષત : આધુનિક પ્રતીકવાદી કાવ્યધારામાં એકથી વધુ ઐન્દ્રિયિક સંચેતના ગૂંથી લેતાં સંકુલ કલ્પનો જોવા મળે છે. એવા સંદર્ભોમાં ઉપમા કે રૂપકનો વ્યાપાર ઓછાવત્તા સ્ફુટ રૂપમાં પ્રવર્તતો હોય છે. કવિની કાવ્યરચનાઓમાં ઊપસતી મુખ્યગૌણ કલ્પનોની તરેહ તેના વિશિષ્ટ સંવેદનતંત્રનો નિર્દેશ કરે છે. એથી કાવ્યનો આગવો ભાવરણકો (tone) બંધાય છે અને ત્યાં કવિના બદલાતા સર્જકવલણનો અણસાર મળે છે. કલ્પન અલબત્ત, કવિનું અંતિમ સાધ્ય નથી. તેની અનુભૂતિને પર્યાપ્તપણે રૂપ આપવામાં સક્રિય અને ગતિશીલ બનતું સાધનતત્ત્વ છે. સહૃદય ભાવકે પણ કૃતિના ભાવનમાં એનું એ રીતે જ મહત્ત્વ લેખવવું રહે. પ્ર.પ.