ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/કવિલોક

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કવિલોક : રાજેન્દ્ર શાહ, જસુભાઈ શાહ અને સુરેશ દલાલના સંપાદનમાં અને જયંત પારેખ, પ્રિયકાન્ત મણિયાર તથા ધીરુ પરીખના સહયોગથી ૧૯૫૬માં મુંબઈથી પ્રકાશિત ગુજરાતી કવિતાનું ઋતુપત્ર-દ્વૈમાસિક. ૧૯૭૦માં રાજેન્દ્ર શાહ અને બચુભાઈ રાવતના સંપાદનમાં નવા રૂપરંગે અમદાવાદમાં પુનર્જન્મ પામ્યા પછી ૧૯૭૭થી એપ્રિલ ૨૦૨૧ સુધી ધીરુ પરીખ સંપાદક તરીકે કાર્યરત રહ્યાં. હાલમાં આ સામયિકના સંપાદક તરીકે પ્રફુલ રાવલ કાર્યરત છે. ગુજરાતી ભાષાના નવોદિત કવિઓની કવિતાના પ્રકાશન ઉપરાંત કાવ્યપરિશીલન, કાવ્યસંગ્રહ-સમીક્ષા, કાવ્યસિદ્ધાન્તચર્ચા, નોબેલ પુરસ્કૃત સાહિત્યકારોના પરિચય તથા કવિપરિચયશ્રેણી જેવી વૈવિધ્યપૂર્ણ સામગ્રીથી કવિલોકના અંકોએ સાતમા, આઠમા, નવમા અને દસમા દાયકાની ગુજરાતી કવિતાને મંચ પૂરો પાડ્યો છે. રજતજયંતી વર્ષની ઉજવણી નિમિત્તે જગતનાં પ્રમુખ મહાકાવ્યોનાં આંશિક અનુવાદ અને સમીક્ષા આપતો ‘મહાકાવ્ય વિશેષાંક’(૧૯૮૨), ‘કુમારસંભવ’ વગેરે સંસ્કૃત મહાકાવ્યોની વિવેચના કરતો ‘પંચમહાકાવ્ય વિશેષાંક’(૧૯૮૩), ગદ્યકાવ્યના સ્વરૂપ-વિકાસની ચર્ચા ઉપરાંત ગુજરાતીની ભગિની ભાષાઓનાં જ નહીં, વિશ્વની પ્રમુખ ભાષાઓનાં ગદ્યકાવ્યોની સમીક્ષા કરતો ‘ગદ્યકાવ્ય વિશેષાંક’(૧૯૮૪) તેમજ ‘ટી. એસ. એલિયટ વિશેષાંક’(૧૯૮૮) એ કવિલોકનું ગુજરાતી સાહિત્યને વિશેષ પ્રદાન છે. તંત્રી ધીરુભાઈ પરીખે કવિતાનાં વિવિધ પાસાંઓને કેન્દ્રમાં રાખીને નોંધપાત્ર લેખો લખ્યા છે. ૨૦૨૧થી એના તંત્રી પ્રફુલ્લ રાવલ અને સહતંત્રી રાજેન્દ્ર પટેલ છે. ર.ર.દ.