ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/કવિસમય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કવિસમય (Poetic Convention) : કવિઓમાં પરંપરાગત રૂપથી પ્રચલિત માન્યતાઓ અને વાતો અંગે ‘કવિસમય’ જેવી સંજ્ઞા પહેલીવાર રાજશેખરે પ્રયોજી છે અને પોતાના અલંકારગ્રન્થ ‘કાવ્યમીમાંસા’ના ૧૪થી ૧૬ અધ્યાયમાં એની વ્યાખ્યા આપી એનું વિસ્તારપૂર્વક વર્ણન કર્યું છે તેમજ બૃહદ્ ક્ષેત્રમાં એની શાસ્ત્રીય રૂપે સ્થાપના કરી છે. ભામહ, દંડી અને વામને અશાસ્ત્રીય અને અલૌકિક વસ્તુઓનાં વર્ણનોને દોષ તરીકે વર્ણવેલાં પણ રાજશેખર એને ‘કવિસમય’ સંજ્ઞા હેઠળ આવરી લે છે. અલબત્ત, આ પ્રકારો દોષપ્રકારો કરતાં તદ્દન જુદા છે. વળી, વામને ‘કાવ્યાલંકારસૂત્ર’માં વ્યાકરણ, છંદ અને લિંગ અંગે ભૂલ ન થાય તે માટે ચોક્કસ પ્રકારના નિયમો અનુસરવા કવિને જે સૂચના આપી છે એને માટે ‘કાવ્યસમય’ સંજ્ઞા પ્રયોજી છે. આ સંજ્ઞાથી રાજશેખરની સંજ્ઞાને કશુંક જુદું અભિપ્રેત છે. રાજશેખર વ્યાખ્યા આપે છે કે અશાસ્ત્રીય અને અલૌકિક, કેવળ પરંપરાપ્રચલિત અર્થનું કવિઓ જે ઉપનિબંધન કરે છે તે કવિસમય છે. મગર નદીમાં હોય પણ કવિપરંપરા એનું વર્ણન સમુદ્રમાં કરે કે કોયલ ગ્રીષ્મઋતુમાં જ બોલે છે છતાં કવિપરંપરા એનું કૂજન વસંતઋતુમાં પણ વર્ણવે, તો એ કવિસમયનાં ઉદાહરણો છે. હંસનો નીરક્ષીરવિવેક, ચકવા ચકવીનો રાત્રિવિયોગ, ચકોરની ચંદ્રમાઆસક્તિ વગેરે પણ કવિસમયનાં ઉદાહરણ છે. રાજશેખર ઉમેરે છે કે પ્રાચીન વિદ્વાનોએ વેદોનું અધ્યયન અને શાસ્ત્રોનું પરામર્શન કરીને તથા દેશાંતર અને દ્વીપાંતરોનું પરિભ્રમણ કરીને જે વસ્તુઓને જોઈ, સાંભળી કે સમજી હોય તે વસ્તુઓ દેશકાળને કારણે વિપરીત થઈ હોય છતાં એનું અવિકૃતરૂપમાં વર્ણન કરવું એ કવિસમય છે. સાથે સાથે રાજશેખરે કેટલીક વાતો ધૂર્તોએ પરસ્પર સ્પર્ધા કે સ્વાર્થ માટે પ્રસિદ્ધ કરી હોય એના તરફ પણ નિર્દેશ કર્યો છે. રાજશેખર કવિસમયને ત્રણ વર્ગમાં વિભક્ત કરે છે : સ્વર્ગ્ય, પાતાલીય અને ભૌમ. સ્વર્ગ સાથે સંલગ્ન ચંદ્ર, કામદેવ, શિવ, નારાયણ વગેરે વિષયોને આવરતો ‘સ્વર્ગ્ય’ કવિસમય છે, તો નાગ, સર્પ, દાનવ, દૈત્ય વગેરે વિષયોને આવરતો ‘પાતાલીય’ કવિસમય છે જ્યારે ભૌમ કવિસમય પૃથ્વી સાથે સંબદ્ધ છે. વળી, સ્વર્ગ્ય અને પાતાલીય કરતાં ભૌમ કવિસમય પ્રધાનપણે પ્રવર્તે છે એમ પણ નોંધ્યું છે. રાજશેખરે ‘ભૌમ’ કવિસમયના જાતિરૂપ, દ્રવ્યરૂપ, ગુણરૂપ અને ક્રિયારૂપ એમ ચાર પ્રકાર આપ્યા છે. અને એ પ્રત્યેકના પાછા પેટાપ્રકાર સૂચવ્યા છે. રાજશેખર પછી કવિસમયનાં નિરૂપણ થયાં તે રાજશેખર આધારિત છે, એમાં હેમચન્દ્ર, વાગ્ભટ, અક્ષરચન્દ્ર, કેશવમિશ્રનાં નિરૂપણો નોંધપાત્ર છે. Right