ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/કાવ્યગુણ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કાવ્યગુણ : સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં ભરતે પહેલીવાર ગુણનું વિસ્તૃત નિરૂપણ કર્યું છે અને ગુણને દોષના વિપર્યય તરીકે મૂક્યા છે પરંતુ ગુણની પરિભાષા પહેલીવાર વામને આપી છે. વામને કાવ્યશોભાના વિધાયક તત્ત્વ તરીકે ગુણને ઓળખાવ્યા છે. ગુણને શબ્દાર્થનો ધર્મ ગણ્યો છે, એનો સંબંધ રીતિ સાથે સ્થાપ્યો છે અને એમ ગુણની મહત્તાનો સ્વીકાર કર્યો છે. અલબત્ત, ધ્વનિપૂર્વવર્તી આચાર્યોનો આ અભિગમ આનંદવર્ધનના ધ્વનિસિદ્ધાન્તની સ્થાપના પછી રસ સાથે સંકલિત થઈ વધુ સૂક્ષ્મ બન્યો છે. ધ્વનિવાદી આચાર્યોએ ગુણને રસાશ્રિત બતાવી એનો સંબંધ રસ સાથે જોડ્યો છે. એમની માન્યતા પ્રમાણે કાવ્યનો આત્મા રસ છે અને ગુણ રસનો ધર્મ છે. જે પ્રકારે મનુષ્યશરીરમાં શૌર્યાદિગુણની સ્થિતિ હોય છે એ જ રીતે કાવ્યમાં રસનો ઉત્કર્ષ કરનાર ધર્મને ગુણ કહેવાય છે. આ પ્રકારે ગુણ પણ અલંકાર અને રીતિની જેમ કાવ્યનો ઉત્કર્ષ કરનાર વિશિષ્ટ તત્ત્વ છે જેનો મૂલત : રસ સાથે સંબંધ છે. ગુણની રસ સાથે અચલ સ્થિતિ છે. જ્યાં રસ નથી ત્યાં ગુણની સ્થિતિ સંભવિત નથી. મૃત્યુ થતાં જેમ મનુષ્યના શૌર્યાદિગુણ નષ્ટ થાય છે તેમ રસના અભાવમાં ગુણની સ્થિતિ અસંભવ છે. બીજી રીતે કહીએ તો રસ અંગી છે; ગુણ અંગ છે. આ રીતે આનંદવર્ધને ગુણનો સંબંધ રસથી સ્થાપિત કરી એને ચિત્તવૃત્તિરૂપ માન્યા છે. રસાનુભૂતિની પ્રક્રિયામાં ચિત્તની ત્રણ અવસ્થા દ્રુતિ, દીપ્તિ અને વ્યાપ્તિના આધાર પર ત્રણ ગુણોની સ્થાપના કરવામાં આવી છે. માધુર્યને દ્રુતિ સાથે, ઓજને દીપ્તિ સાથે અને પ્રસાદને વ્યાપ્તિ સાથે સંકલિત કર્યા છે. મમ્મટે પણ વામનકૃત દસ શબ્દગુણ અને દસ અર્થગુણનું ખંડન કરી એને ત્રણ ગુણોની અંતર્ગત સમાવી લીધા છે. ગુણ સંદર્ભે સંસ્કૃત આચાર્યોના પાંચ વર્ગ પડે છે. પહેલા વર્ગમાં ભરત, દંડી, વામન, વાગ્ભટ, જયદેવ વગેરે આવે છે અને તેઓ ગુણને શબ્દાર્થનો ધર્મ ગણે છે. વામને શ્લેષ, પ્રસાદ, સમતા, સમાધિ, માધુર્ય, ઓજ, પદ સુકુમારતા, અર્થવ્યક્તિ, ઉદારતા અને કાંતિ – એ નામના દસ શબ્દગુણ અને એ જ નામના દશ અર્થગુણ ગણાવ્યા છે. બીજા વર્ગમાં આનંદવર્ધન, મમ્મટ, હેમચંદ્ર, વિદ્યાધર, વિશ્વનાથ, જગન્નાથ વગેરે દસગુણનો માધુર્ય, ઓજ અને પ્રસાદમાં અંતર્ભાવ કરે છે. ત્રીજા વર્ગમાં માત્ર કુંતક છે. એ સુકુમાર, વિચિત્ર અને મધ્યમ એવા ત્રણ માર્ગ અંતર્ગત ગુણનિરૂપણ કરે છે. વળી, સાધારણ ગુણોમાં ઔચિત્ય અને સૌભાગ્ય તથા વિશેષ ગુણોમાં માધુર્ય, પ્રસાદ લાવણ્ય, આભિજાત્યનો ઉલ્લેખ કરે છે. ચોથા વર્ગમાં ભોજ અને વિશ્વનાથ છે, એમાં ભોજે ગુણના ૨૪ ભેદ બતાવ્યા છે અને પ્રત્યેકનું બાહ્ય, અભ્યંતર અને વિશેષ રૂપ ચર્ચ્યું છે તેમજ ૭૨ પ્રકાર દર્શાવ્યા છે. ભરતના દસ ગુણ ઉપરાંત ભોજે એના પ્રમુખ ૨૪ ભેદોમાં ઉદાત્તતા, ઔજિર્ત્ય, પ્રેય, સુશબ્દતા, સૌક્ષ્મ્ય, ગાંભીર્ય, વિસ્તાર, સંક્ષેપ, સંમિતતા, ભાવિકતા, ગતિ, રીતિ, ઉક્તિ અને પ્રૌઢિનો ઉલ્લેખ કર્યો છે. પાંચમાં વર્ગમાં હેમચન્દ્ર અને જયદેવે કોઈ અજ્ઞાત આચાર્યનો ઉલ્લેખ કર્યો છે એનું સ્થાન છે જેણે પાંચ કે છ ગુણોનું વર્ણન કર્યું છે એમાં પાંચ ગુણ ઓજ, પ્રસાદ, મધુરિમા, સામ્ય તથા ઔદાર્ય છે અને છ ગુણમાં ન્યાસ, નિર્વાહ, પ્રૌઢિ, ઔચિતી શાસ્ત્રાન્તરહસ્યોક્તિ અને સંગ્રહ છે. આમ એકબાજુ શબ્દાર્થના ધર્મથી રસના ધર્મ સુધી ગુણનો વિકાસ જોઈ શકાય છે, તો બીજીબાજુ ભોજમાં એની સંખ્યાનો ૭૨ સુધી વિસ્તાર જોઈ શકાય છે. છતાં એકંદરે આનંદવર્ધન અને મમ્મટ દ્વારા એ સર્વનો ત્રણ ગુણમાં કરેલો સમાવેશ માન્ય ગણાયો છે. ચં.ટો.