ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/કાવ્યપ્રકાશ
કાવ્યપ્રકાશ : આશરે ૧૦૫૦થી ૧૧૦૦ દરમ્યાન રચાયેલો મમ્મટકૃત સંસ્કૃત અલંકારશાસ્ત્રનો ગ્રન્થ. દસ ઉલ્લાસમાં વહેંચાયેલા આ ગ્રન્થમાં કારિકા, વૃત્તિ અને દૃષ્ટાંત એ પદ્ધતિએ વિષયનિરૂપણ થયું છે. કારિકા અને વૃત્તિ મમ્મટે જ લખ્યાં છે અને દૃષ્ટાંતો અન્ય કવિઓનાં આપ્યાં છે. એમાં કુલ ૧૪૩ કારિકાઓ અને ૬૨૦ શ્લોક છે. ગ્રન્થના પહેલા ઉલ્લાસમાં કાવ્યહેતુ, કાવ્યપ્રયોજન, કાવ્યલક્ષણ તથા કાવ્યભેદની; બીજામાં શબ્દશક્તિ; ત્રીજામાં વ્યંજના અને તેના પ્રભેદોની; ચોથામાં ધ્વનિ અને રસની; પાંચમામાં ગુણીભૂતવ્યંગ્યની; છઠ્ઠામાં અધમ યા ચિત્રકાવ્ય ને તેના પ્રભેદોની; સાતમામાં કાવ્યદોષની; આઠમામાં કાવ્યગુણની; નવમામાં શબ્દાલંકારો અને દસમામાં અર્થાંલંકારોની ચર્ચા છે. મમ્મટે પોતાના ગ્રન્થમાં કોઈ નવા કાવ્યસિદ્ધાન્તનું પ્રતિપાદન નથી કર્યું, પરંતુ પોતાના સમય સુધી થયેલી નાટક સિવાયની અન્ય સમગ્ર કાવ્યવિચારણાને પહેલી વખત ખૂબ વ્યવસ્થિત, ગંભીર ને મિતાક્ષરી શૈલીમાં મૂકી આપી છે. જોકે પુરોગામીઓની વિચારણાને એમણે માત્ર સંકલિત નથી કરી, પુનર્વ્યવસ્થિત પણ કરી છે. તેઓ પોતે ધ્વનિવાદના પુરસ્કર્તા છે એટલે પોતાના સમય સુધી પ્રચલિત ધ્વનિવિરોધી મતોનું જોરદાર ખંડન કર્યું છે. ગુણની વિચારણા કરતી વખતે વામનાદિના દસ ગુણને માધુર્ય, ઓજસ્ અને પ્રસાદ એ ત્રણ ગુણમાં સમાવી ગુણોને રસની સાથે સાંકળ્યા. અલંકારોને કાવ્યના શોભાકરધર્મો માની તેમને કાવ્યમાં અનિત્ય ગણ્યા. શબ્દ અને અર્થના અલંકારોનું ભેદક તત્ત્વ એમણે પહેલી વખત સ્પષ્ટ કરી અર્થના અલંકારોમાં વિનોક્તિ, સમ, સામાન્ય અને અતદ્ગુણ એ ચારને નવા ઉમેર્યા. ‘કાવ્યપ્રકાશ’ સમગ્ર ભારતમાં કાવ્યવિચારણાનો એટલો લોકપ્રિય ગ્રન્થ બન્યો કે તેના પર ૭૫ જેટલી ટીકાઓ અત્યાર સુધી લખાઈ છે, જેમાં માણિક્યચંદ્રકૃત ‘સંકેત’ ટીકા સૌથી પ્રાચીન છે. મમ્મટ કાશ્મીરના બ્રાહ્મણ હતા અને વાગ્દેવતાવતાર તરીકે એમને ઓળખવવામાં આવ્યા છે. એ સિવાય તેમના જીવન વિશે કોઈ શ્રદ્ધેય માહિતી મળતી નથી. જ.ગા.