ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/કિંગ લીયર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કિંગ લીયર : શેક્સપીયરની ચાર મહત્ત્વની ટ્રેજિક નાટ્યકૃતિઓમાંની એક કિંગ લીયરની રચના ૧૬૦૫-૧૬૦૬ના ગાળામાં થઈ હતી. માનવસ્વભાવની દુષ્ટતાની ઉત્કટ માત્રા પ્રગટ કરતા તેમજ વિભાવના અને અભિવ્યક્તિની દૃષ્ટિએ વિશિષ્ટ ગણાયેલા આ નાટકની મૂળકથા બ્રિટનની પ્રાચીન લોકકથામાં પડી છે. શેક્સપીયરે મૂળ સામાન્ય કથાનકને પોતાની આગવી સર્જકપ્રતિભાના બળે એક સમર્થ કરુણાંત નાટ્યકૃતિમાં પલટી નાખ્યું છે. નાટકમાં માનવચિત્તની લીલા અપ્રતિમ કૌશલથી પ્રગટ થઈ છે. અને કૃતિ માનસશાસ્ત્રીય સૂઝનો આનંદદાયક પરિચય કરાવે છે. એ કાળે ચિત્તવૃત્તિનું આવું સૂક્ષ્મ આલેખન વિરલ ગણાય. પ્રાચીન લોકકથાનાં પાત્રો અહીં નૈતિક અને માનસશાસ્ત્રીય અર્થ પ્રકટ કરનારાં જીવંત પાત્રો બની રહ્યાં છે. આ નાટકના પહેલા જ અંકથી નાટ્યરસ, સંઘર્ષ, જિજ્ઞાસા, કાર્યવેગ વગેરેનો આરંભ થઈ જાય છે. ઓથેલોના ત્રીજા અંકમાં તેમ આ નાટકના પહેલા અંકમાં શેક્સપીયરની સર્જકપ્રતિભા ખીલી ઊઠી છે. રાજા લીયર એની દીકરીઓને રાજ્યભાગ વહેંચે છે. ત્યાં જ તેની કરુણતાનું બીજ રોપાઈ જાય છે. એની કરુણતા માટે એનો અત્યંત ઊર્મિલ સ્વભાવ, અધીરાઈ તથા બુદ્ધિ ઉપર આવેશનો પ્રબળ અધિકાર – એ તત્ત્વો ખાસ જવાબદાર ગણાય. શેક્સપીયરે આ નાટકમાં રાજા લીયરની મુખ્ય કથા સાથે ગ્લોસ્ટર અને તેના બે પુત્રોની કથાનો ગૌણ પ્રવાહ ભેળવ્યો છે. એ કથા સિડનીકૃત ‘આર્કેડિયા’ (Arcadia)માંથી તેને મળી છે અને તેનો તેણે કલાત્મક ઉપયોગ કરી લીધો. આ ગૌણકથા મુખ્ય વસ્તુનો પડઘો પાડવા ઉપરાંત તે વિષે નુકતેચીની (comment) પણ કરે છે. આ નાટકમાં શેક્સપીયરે મનુષ્યસ્વભાવની મૂર્ખાઈ અને દુષ્ટતાને સમર્થ રીતે પ્રગટ કર્યાં છે અને સ્વભાવ જ ઘણી વાર મનુષ્યના વિનાશનું કારણ બને છે એની પ્રતીતિ કરાવી છે. મ.પા.