ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ખ/ખોજા સંપ્રદાય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ખોજા સંપ્રદાય અને સાહિત્ય : તળ ગુજરાતની પરંપરિત જ્ઞાતિઓનું મોટાપાયે ધર્માંતરણ થયાની ઐતિહાસિક દસ્તાવેજી વિગતો પણ સાંપડે છે. એ મુજબ લોહાણામાંથી ખોજા, કણબી પટેલમાંથી મુમના, ક્ષત્રિયમાંથી મોલેસલામ, બ્રાહ્મણમાંથી વોરા અને ભરવાડમાંથી મતવા જેવું નવું મુસ્લિમ જ્ઞાતિ-જૂથ અસ્તિત્વમાં આવેલું. આ પ્રજાનું ધર્માન્તરણ બહુધા ઉપદેશકો, પીર, સૈયદો સૂફી ઓલિયાઓ દ્વારા થયેલું. નૂરસતાગર એ ખોજાજ્ઞાતિના આરંભના પીર ગણાય છે. તેઓ પીર સતગુરુનૂર તરીકે પણ ઓળખાય છે. પોતે પૂતળાપ્રતિમાઓ નચાવેલી, આકાશમાંથી મોજડી ઉતરાવેલી વગેરે પરચાઓનું બયાન આપતું ગિનાન ‘પીરસતગુરુનુરના પૂતળા’ ખૂબ જ પ્રખ્યાત છે. નૂરસતાગર વિષયે અન્ય અનેક પીરે પણ રચનાઓ રચી છે. નૂરસતાગર પછી પીર શમ્સ કે જેઓ શમ્સુદીન પીર તરીકે ખૂબ જ જાણીતા છે. તેમણે ગરબીઓ સાંભળીને એ પ્રકારની હિન્દુ દશાવતારની કથામાં ઇસ્લામને ગૂંથી લઈને નકલંકી અવતાર સુધીની ૨૮ ગરબીઓ રચેલી. આમ તેઓ તળગુજરાતના આ સાહિત્યસ્વરૂપમાં ઇસ્લામ અને હિન્દુ માન્યતાઓનો સમન્વય વિષય-સામગ્રી તરીકે ગૂંથી લઈને રચેલી રચનાઓથી ખૂબ જ પ્રખ્યાત થયેલા. એમણે ‘બ્રહ્મપ્રકાશ’ નામનો આધ્યાત્મિક અનુભવોનો ગ્રન્થ પણ રચેલો. ગોપીચંદના કથાનકને આધારે રાજા ગોવરચંદ અને તેની બહેનની કથાને આલેખતો ૩૯૦ જેટલી કડીઓનો ગ્રન્થ પણ મહત્ત્વનો છે. હંસ-હંસલીની વાર્તાનો ગ્રન્થ પણ પ્રચલિત છે. તેમની ગિનાન રચનાઓમાં હિન્દુ કથાનકને ગૂંથી લઈને સત્યનું આચરણ, શીલનો મહિમા વગેરે તેઓ અભિવ્યક્ત કરે છે. પીર શમ્સે પૃથ્વીની ઉત્પત્તિની કથાને આલેખતી રચનાઓ પણ કરી છે. પીર શમ્સ પછી પીર સદરુદીન પણ મહત્ત્વના ઉપદેશક છે. એમણે પહેલવહેલું ખોજાનું જમાતખાનું સિંધના કોટડી ગામે આરંભેલું. હિન્દુઓના ધર્મગ્રન્થોનો વિગતે અભ્યાસ કરેલો. કુરાન અને તેનો મર્મ હિન્દુધર્મ સાથે સમાન રૂપે સાંકળીને તેમણે અનેક રચનાઓ કરી. એમાં ‘આરાધ’ ‘ગાવંગી’ ‘દશ અવતાર’ ‘અથરવેદ’ અને ‘ખટદરશન’ મુખ્ય છે. તેમનું અવસાન ૧૪૬૦માં થયાની માહિતી મળે છે. પીર સદરુદીનના પુત્ર પીર હસનકબીરુદીન પણ મહત્ત્વના ખોજા સંતકવિ છે. ખૂબ નાની વયે પિતાશ્રીની સાથે મુસાફરી કરેલી. ઘણાંબધાં કષ્ટો સહન કરીને હૃદયની ઊંડી ઝંખના એમણે પોતાની વાણી દ્વારા વહાવેલી. તેમણે પોતે આકડાના છોડમાંથી નીકળતા સફેદ તાતણામાંથી પાંચ સો વાર લાંબો અત્યંત મુલાયમ એવો એક તાકો ગૂંથેલો એમાં પાંચ સો પંક્તિનો ‘અનંતનો અખાડો’ નામની રચના કરીને લખી હતી. આ ઉપરાંત તેમની ‘બ્રહ્મ ગાવત્રી’ ‘હસનાપુરીની વેલ’ પણ મહત્ત્વની રચના છે. ‘સતગુરુનૂરના વિવાહ’ નામની ચરિત્રમૂલક રચના પણ તેમણે રચી છે. ‘પીર હસનકબીરદીન અને કાનીયા જોગીનો સંવાદ’ નામની રચના પણ મહત્ત્વની છે. એમનું અવસાન ૧૪૭૦માં થયાના ઐતિહાસિક પુરાવાઓ પ્રાપ્ત થાય છે. પીર સદરુદીનના બીજા પુત્ર તાજદીન પીર અને પીર હસનકબીરના પુત્ર ઇમામ શાહ પણ મહત્ત્વના ખોજાસંત છે. એમનું અવસાન ૧૫૩૩માં થયેલું. આ બંને ખોજા કવિઓએ પણ ગિનાન સ્વરૂપની જ રચનાઓ કરી છે. ઇમામ શાહ ગિનાનમાં જે કંઈ ગાય છે તે ભાવ તત્કાલીન ગુજરાતી રાજસ્થાની સંતસાહિત્યની સમીપ સ્થાન પામે એ પ્રકારનો છે. બહુધા દીર્ઘરૂપની ગદ્યપદ્ય રચનાઓ, ઉપરાંત ગિનાન સ્વરૂપની પદ-ભજન જેવી રચનાઓ, પ્રભાતિયાં અને ગરબીઓ જેવાં ગુજરાતીમાં પ્રચલિત સ્વરૂપોને જ ખોજા સંતોએ સ્વીકાર્યાં છે, તેમ નથી એમાંની વિષય સામગ્રીમાં પણ હિંદુતત્ત્વ–સત્ત્વ છે. એ અરબી લિપિમાં હોય છે. એના માટે ખોજકી ભાષા એવો શબ્દ પણ પ્રચલિત છે. મધ્યકાળના આ ખોજાકવિઓનું સાહિત્ય મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનું એક મહત્ત્વનું પ્રકરણ છે. બ.જા.