ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ગ/ગંગાલહરી

From Ekatra Wiki
Jump to navigation Jump to search



ગંગાલહરી : સંસ્કૃત સ્તોત્રસાહિત્યમાં વિશિષ્ટ સ્થાન ધરાવતું પંડિત જગન્નાથરચિત ભક્તિકાવ્ય. જગન્નાથના ગંગા પ્રત્યેના ભક્તિભાવને લીધે એમાં અપ્રતિમ કાવ્યત્વ અને માધુર્ય ઊતર્યાં છે. ‘ગંગાલહરી’નું બીજું નામ ‘પીયૂષલહરી’ છે. તેમાં શિખરિણી છંદમાં બાવન શ્લોકો છે. પહેલા શ્લોકથી કવિ ગંગાનું સ્તવન શરૂ કરે છે અને પછી ભક્તિપૂર્ણ હૃદયથી ગંગા સમક્ષ આત્મનિવેદન કરે છે. અંતે ત્રેપનમા શ્લોકમાં આ સ્તોત્રના મહિમાનું ગાન છે. જગન્નાથની વૈદર્ભી શૈલીની પ્રાસાદિકતા, સરલતા, મધુરતા આ લહરીકાવ્યમાં ચરમસીમાએ પહોંચી છે. શાંતરસ અહીં મુખ્ય છે. ગૌ.પ.