ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ગ/ગઝલ

From Ekatra Wiki
Jump to navigation Jump to search



ગઝલ અને ગઝલનું છંદશાસ્ત્ર : ગઝલ મૂળે અરબી ભાષાનો પરંતુ ફારસી ભાષામાં પોષાયેલો રંગદર્શી કાવ્યપ્રકાર છે. અરબી શબ્દ ‘ગઝલ’ના વિવિધ અર્થો અનુસાર આ કાવ્યપ્રકારમાં મુખ્યત્વે યુવાન પ્રિયતમા સાથેની પ્રેમગોષ્ઠિનું નિરૂપણ થતું હશે એવું તારણ નીકળે છે. વૈષ્ણવ સંપ્રદાયમાં ઈશ્વરની વલ્લભરૂપ ભક્તિ થાય છે અને તેના વિરહ-મિલનની અનુભૂતિને કાવ્યાત્મક અભિવ્યક્તિ અપાઈ છે. એનાથી તદ્દન વિપરીત રીતે સૂફી સંપ્રદાયમાં ઈશ્વરની માશૂકા/પ્રિયતમા રૂપે ભક્તિ થાય છે અને તેના વિરહના દર્દની મસ્તી મુખ્યત્વે ગઝલમાં ગવાઈ છે. વિષયનિરૂપણની દૃષ્ટિએ ગઝલના બે પ્રકાર છે : પ્રિયતમાના વિરહ-મિલનનાં દર્દ-ખુશી-મસ્તીને નિરૂપતી ઈશ્કે મિજાજી ગઝલ અને ઈશ્વરીય સાન્નિધ્યની ઝંખના અને મિલનપળનું ચરમ સૌભાગ્ય નિરૂપતી ઈશ્કે હકીકી ગઝલ. ગઝલમાં સામાન્યત : બે પંક્તિ-ચરણની એક એવી પંદરથી સત્તર કડીઓ હોય છે. આ કડીને શેર અથવા બેત કહે છે. શેરની પંક્તિઓને મિસ્રઅ/મિસ્રા/મિસરા કહે છે. તેમાંની પ્રથમ પંક્તિને મિસ્રઅ-એ-અવ્વલ અથવા ઉલા મિસ્રા કહે છે જ્યારે તેની બીજી પંક્તિને સાની મિસ્રા કહે છે. ગઝલના પ્રથમ શેરને મત્લઅ/મત્લાનો શેર કહે છે. મત્લાના આ શેરના ઉલા અને સાની બંને મિસ્રામાં રદીફ અને કાફિયાનું નિર્વહણ જરૂરી મનાયું છે. ગઝલમાં મત્લાના એકાધિક શેર પણ હોય છે. આ સ્થિતિમાં પ્રથમ સ્થાનના મત્લાના શેરને ઉલા મત્લા અને પછીના ક્રમે આવતા મત્લાના અન્ય શેરોને સાની મત્લા કહે છે. ગઝલના મત્લા પછીના અને મક્તા પૂર્વેના અર્થાત્ વચ્ચેના શેરોને દાવા-દલીલના શેર કહે છે. આ શેરોની લાક્ષણિકતા એ છે કે તેના સાની મિસ્રામાં જ રદીફ-કાફિયાનું નિર્વહણ થતું હોય છે. ગઝલના અંતિમ શેરને મક્તઅ/મક્તાનો શેર કહે છે. મક્તાના શેરમાં બહુધા ગઝલકાર પોતાનું નામ-તખલ્લુસ ગૂંથે છે. રદીફ અને કાફિયા એ ગઝલમાં રચાતી વિશિષ્ટ પ્રાસયોજના છે. મિસ્રામાંના અપરિવર્તનશીલ અંત્યાનુપ્રાસને રદીફ કહે છે. અરબી ભાષામાં કાફિયાનો અર્થ અનુપ્રાસ થાય છે અને ગઝલમાં કાફિયાનું મહત્ત્વ ઉપાંત્ય પ્રાસ રૂપે જ છે. કાફિયાની પાછળ આવતી રદીફનો અર્થ ‘પાછળ આવનાર’, ‘અનુસરનાર’ એવો થાય છે અને હકીકતમાં પણ રદીફ ગઝલમાં કાફિયાની પાછળ જ આવે છે. એક શેરનું દૃષ્ટાંત લઈને રદીફ અને કાફિયાનાં સ્થાન અને લાક્ષણિકતા સમજીએ : ‘ક્ષણોને તોડવા બેસું તો વરસોનાં વરસ લાગે બુકાની છોડવા બેસું તો વરસોનાં વરસ લાગે. ઉપર્યુક્ત મત્લાના શેરમાં તેના ઉલા અને સાની બન્ને મિસ્રામાં ‘બેસું તો વરસોનાં વરસ લાગે’ એટલો પંક્તિખંડ અપરિવર્તનશીલ છે તેમજ મિસ્રામાં તેનું સ્થાન અંતે છે. આથી તે રદીફ છે, જ્યારે ‘તોડવા’ અને ‘છોડવા’માં ત અને છના પરિવર્તન પછી પણ ‘ઓડવા’ જેવો સ્વરનાદ પ્રાસ રૂપે અપરિવર્તનશીલ છે, જે પણ કાફિયાની એક લાક્ષણિકતા મનાઈ છે. કેટલીક ગઝલોમાં રદીફ અને કાફિયા અલગ ન રહેતાં મિશ્રરૂપે યોજાય છે. આવી રદીફ-કાફિયા ધરાવતી રચનાને હમરદીફ હમકાફિયા ગઝલ કહે છે : ‘કાપ કરવત કાપ મારા આંગળાની છાપને, હું કબૂલું છું ગુલાબો ચૂંટવાના પાપને. આ શેરમાંના છાપને અને પાપને રદીફ છે અને છાપ તથા પાપ કાફિયા છે પરંતુ તે એક જ શબ્દ રૂપે સંયુક્ત રીતે પ્રયોજાયેલાં છે તેથી હમરદીફ હમકાફિયા બને છે. ગઝલમાં અન્ય કાવ્યપ્રકારની માફક, આરંભથી અંત લગી સળંગસૂત્ર એક જ ભાવનું નિરૂપણ અનિવાર્ય ગણાયું નથી. ગઝલનો શેર ભાવ-વિષયના નિરૂપણ સંદર્ભે સ્વાયત્ત અને સ્વયંસંપૂર્ણ એકમ છે. અલબત્ત, ભાવવિશ્વનું સળંગસૂત્ર નિરૂપણ થયું હોય એવી ગઝલો પણ મળે છે. એવી રચનાઓને મુસલસલ ગઝલ કહે છે. મનોજ ખંડેરિયાકૃત ‘પીંછું’, ‘રસ્તા વસંતના’ અને ‘વાવ’માં મુસલસલ ગઝલનાં નોંધપાત્ર દૃષ્ટાંતો છે. નઝમ અને કસીદા પણ એક જ વિષયનું સળગંસૂત્ર નિરૂપણ કરતી કાવ્યરચનાઓ છે. આ ઉપરાંત કતઅ, રુબાઈ અને મુસદ્દસ પણ ગઝલ ગોત્રની રચનાઓ છે. મુશાયરાના આરંભ પૂર્વે તેમજ પછી પણ ગઝલ લોકો સમક્ષ રજૂ થતી લોકપ્રિય કવિતા રૂપે પ્રચલિત હતી. બહુધા તે મુશાયરામાં સ્વતંત્ર કૃતિ તરીકે રજૂ થતી પરંતુ ક્વચિત્ અગાઉથી આપેલા મિસ્ર-એ-તરહ અર્થાત્ પાદપૂર્તિની અપાયેલ પંક્તિઆધારિત રચના રૂપે પણ રજૂ થતી. પાદપૂર્તિઆધારિત મુશાયરા ‘તરહી મુશાયરા’ કહેવાતા. મુશાયરામાં ગઝલ બે પદ્ધતિએ રજૂ થતી. ગઝલરજૂઆતની ગાનપદ્ધતિને ‘તરન્નુમ’ કહે છે જ્યારે તેની પાઠપદ્ધતિને ‘તગઝ્ઝલ’ કહે છે. વિવેચનની સાનુકૂળતા માટે ગઝલનું વર્ણ્યવિષયાનુસારી વર્ગીકરણ થયું છે. જેમાં આત્મલક્ષી, ભક્તિપ્રધાન, પ્રેમપ્રધાન મદિરાલક્ષી, સિયાસી અને વ્યંગપ્રધાન જેવા ગઝલ-પ્રકારોનો સમાવેશ થાય છે. એક જ ગઝલકારની ગઝલોના સંગ્રહને દીવાન કહે છે. દીવાનની એક બહુ ઓછી પળાતી પરંતુ ગઝલકારની સિદ્ધહસ્તતાનું પ્રત્યક્ષ પ્રમાણ સૂચવતી વિશેષતા એ છે કે દીવાનમાં વર્ણમાળાના પ્રત્યેક વર્ણથી આરંભાતી એવી ઓછામાં ઓછી એક-એક ગઝલ તો હોવી જ જોઈએ. ગુજરાતી ગઝલના વિકાસના તબક્કામાં ગઝલના સ્વરૂપબંધારણમાં કેટલાક ફેરફાર કરીને ‘તસ્બી’ તથા ‘ક્ષણિકા’ નામની ગઝલ-ગોત્રીય રચનાઓનું ચિનુ મોદી દ્વારા પ્રચલન થયું છે. ‘તસ્બી’માં ગઝલના સ્વરૂપમાં થયેલાં બંધારણને લગતાં પરિવર્તનો નીચે મુજબ છે : ૧, ગઝલના મત્લાના શેરના સાની મિસ્રાનો ગઝલકારનાં નામ/તખલ્લુસનો પ્રયોગ ૨, એ સાની મિસ્રાનો, મક્તાના શેરના સાની મિસ્રા રૂપે પુન :પ્રયોગ ૩, મક્તાના શેરની આગળના શેરના સાની મિસ્રાના મક્તાના શેરના ઉલા મિસ્રા તરીકે પુન :પ્રયોગ. ગઝલનું ભાવવિશ્વ તેમ જ સ્વરૂપ ધરાવતી ‘ક્ષણિકા’માં સામાન્યત : ચાર શેર હોય છે. પણ તેની ગઝલથી અલગ પડતી વિશેષતા એ છે કે તેમાં મત્લાના શેરનાં રદીફ-કાફિયા મક્તાના શેરમાં પુનરાવર્તન પામે છે. તગઝ્ઝલ એટલે ગઝલની ગઝલીઅત, તેનો મૂળ રંગ. કેટલાક વિવેચકોએ આ ગઝલીઅતને ગઝલના મિજાજ તરીકે પણ ઓળખાવી છે અને તેને ગઝલનો પ્રાણ ગણેલો છે. ગઝલમાં આ તગઝ્ઝલ એટલેકે તેનો મિજાજ, તેની તાસીર, પ્રકૃતિખાસિયત ત્યારે જ સર્જાય છે જ્યારે તેમાં જઝ્બા-એ-મસર્રત (આનંદોમિર્), જઝ્બાએ-ખુદરફ્તગી(હૃદય વિચલન), જઝ્બાએ-રિક્કત(આર્દ્રતા), જઝ્બા-એ-સોદોગુદાઝ(વેદના), જઝ્બાએ-ઇ સિતગરાક(ઉદ્ભ્રાન્તિ), જઝ્બા-એ-ઇસ્તિખાશ(રોમાંચ) અને જઝ્બા-એ-હાલ(સમાધિઅવસ્થા) જેવાં કાવ્યોપકારક તત્ત્વો અને કવિચિત્ત-સ્થિતિનો સમાન્તર અને સુભગ સમન્વય સર્જાયો હોય. આ વાતને જરા જુદી રીતે મૂકીએ તો કહી શકાય કે ગઝલનો રંગ, હુસ્ન-એ-ખયાલ(વિચારગત સૌન્દર્ય), ઇન્તેખાબએ-અલ્ફાઝ(શબ્દચયન), તરન્નુમ-એ-અલ્ફાઝ(શબ્દનાદગત સૌન્દર્ય), મફહૂમ કી તાસીર(વિષયવસ્તુજન્ય પ્રભાવ) અને અંદાજ-એ-બયાં(નિરૂપણરીતિ) જેવાં કાવ્યોપકારક તત્ત્વોના સમુચિત પ્રયોગથી ઘૂંટાય છે. ગઝલના મિજાજને વ્યાખ્યાયિત કરવાના પ્રયાસ રૂપે કહેવાયું છે કે તે સર્જકની સિસૃક્ષાપરક ચિત્તસ્થિતિનો નાજુક પણ કૃતિસમગ્રમાંથી સ્વયંભૂ પ્રગટ થતો વિશિષ્ટ અણસાર છે જે કૃતિના આસ્વાદનની ક્ષણોમાં ભાવકચિત્તમાં સુષુપ્ત પડેલી ચેતનાને ઝંકૃત કરીને ભાવકને કાવ્યગત અલૌકિક અનુભૂતિ કરાવે છે. ગઝલના છંદને બહેર/વજન કહે છે તથા તેના છંદશાસ્ત્રને ‘ઇલ્મ-એ-અરૂઝ’ કહે છે. તેની રચના ઈરાનના ખલિલ અહમદ ઈન બસરી (૭૩૧-૭૮૭)એ કરી હોવાનું મનાય છે. અરૂઝની રચના અંગેની પ્રચલિત લોકોક્તિ અનુસાર, મક્કા શરીફના પ્રવાસ દરમ્યાન બસરી, કપડાં ધોકાવતા ધોબીના ફઅ્લ... ફઅ્લ... ફઅ્લ... જેવા અવાજથી પ્રભાવિત થયા અને એમણે એ શબ્દના ઉચ્ચારણમાં લાગતા સમયનું માપ નક્કી કરીને તેની શાસ્ત્રીય નોંધ કરી. આમ અરબી ભાષાની કવિતાના પિંગળનો જન્મ થયો. આ ઘટના મક્કા-શરીફમાં બની તેથી, મક્કા-શરીફ માટે પ્રયોજાતો પર્યાયવાચી શબ્દ ‘અરૂઝ’ આ પિંગળશાસ્ત્ર સાથે જોડાયો. ‘ફઉલ’ એ, ઈલ્મ-એ-અરૂઝ’નો રુકન અર્થાત્ મૂળસ્તંભ છે. એ આદ્યગણનાં વિવિધ સંયોજનોથી આઠ/દસ ગણો રચાયા છે. એ ગણસમૂહને રુકનનું બહુવચનીય રૂપ અર્થાત્ અર્કાન કહે છે. આ આઠ/દસ અર્કાન અને તેનાં લગાત્મક રૂપો આ મુજબ છે : ફઊલુન્ (લગાગા), ફાઈલુન્ (ગાલગા), મુસ્ત ફ્ઇલુન્ (ગાગાલગા), મફાઇલુન્ (લગાગાગા), ફાઈલાતુન્ (ગાલગાગા), મુતફાઈલુન્ (લલગાલગા), મુફાઅલતુન્ (લગાલલગા), મફ્ઊલાતુ (ગાગાગાલ), છેલ્લા અર્કાન મફ્ઊલાતુ(ગાગાગાલ)ના સ્વતંત્ર ઉપયોગથી કોઈ છંદ બનતો નથી પરંતુ આ અર્કાન વિવિધ ગણોના સંયોજનમાં ઉપયોગી બને છે. ઉપર્યુક્ત આઠ ગણોના વિવિધ સંયોજનોથી નીપજતા પેટાગણોને ‘ફુરઆત’ કહે છે અને પેટાગણોની એ રચનાપ્રક્રિયાને ‘જિહાફ’ કહે છે. ‘ફઊલુન્’ અર્કાનમાંથી જિહાફ કરતાં, ફાઉલ, ફઉલ્, ફઅલ્, ફાલુન્, ફઅ્, ફાઅ્, ફઉલાન અને ફઅ્લાન જેવા ફુરઆત અર્થાત્ પેટાગણો બને છે. આ પેટાગણો મૂળ ગણ ન હોઈને તેમજ મૂળ ગણોનાં વિવિધ સંયોજનોથી બનતા હોઈ તેને વિકારજન્ય વિકૃત ગણો પણ કહે છે. ગઝલના બહેર અર્થાત્ છંદો ગુજરાતી ભાષાના જાતિછંદોની માફક આવૃત્તસંધિ છંદો છે. અર્કાન અને ફુરઆત એ ગઝલના છંદોના બે બુનિયાદી એકમો છે. એ એકમોનાં નાનાવિધ આવર્તનો અને સંયોજનોથી ગઝલના વિવિધ છંદો નીપજે છે. ગઝલના મુખ્ય છંદો ૧૯ છે. એ છંદોને તેમાં પ્રયોજાતી ગણસંખ્યાના આધારે એકશાબ્દી, ત્રિશાબ્દી અને ચારશાબ્દી એવા વર્ગોમાં વર્ગીકૃત કર્યા છે. મૂળ આઠ અર્કાન પૈકી પ્રથમ સાત અર્કાનનાં યથાતથ ચાર ચાર આવર્તનોથી સિદ્ધ થતાં છંદોને, તેમાં મૂળ રૂપે એક જ અર્કાન પુનરાવૃત્ત રૂપે પ્રયોજાતો હોઈને એકશાબ્દી છંદ કહે છે. આવા એકશાબ્દી છંદો સાત (૭) છે. અને તેનું સ્વરૂપ-બંધારણ આ પ્રમાણે છે (ગઝલ કાવ્યપ્રકારની છંદચર્ચા માટે તેના લઘુતમ એકમ તરીકે મિસ્રા નહીં પરંતુ ઉલા અને સાની એમ બે મિસ્રાથી બનતા સંપૂર્ણ શેરનો આધાર લેવાય તે જરૂરી છે) : છંદનામ ગણ લગાત્મકરૂપ સંધિ આવર્તનસંખ્યા (૧) મુતકારિબ ફઊલુન્ લગાગા પંચકલ આઠ ફઊલુન્ ફઊલુન્ ફઊલુન્ ફઊલુન્ ફઊલુન્ ફઊલુન્ ફઊલુન્ ફઊલુન્ (૨) મુતદારિક ફાઈલુન્ ગાલગા પંચકલ આઠ ફાઈલુન્ ફાઈલુન્ ફાઈલુન્ ફાઈલુન્ ફાઈલુન્ ફાઈલુન્ ફાઈલુન્ ફાઈલુન્ (૩) રજઝ મુસ્તફ્ઇલુન ગાગાલગા સપ્તકલ આઠ મુસ્તફ્ઈલુન્ મુસ્તફ્ઈલુન્ મુસ્તફ્ઈલુન્ મુસ્તફ્ઈલુન્ મુસ્તફ્ઈલુન્ મુસ્તફ્ઈલુન્ મુસ્તફ્ઈલુન્ મુસ્તફ્ઈલુન્ (૪) હઝજ મફાઈલુન્ લગાગાગા સપ્તકલ આઠ મફાઈલુન્ મફાઈલુન્ મફાઈલુન્ મફાઈલુન્ મફાઈલુન્ મફાઈલુન્ મફાઈલુન્ મફાઈલુન્ (૫) રમલ ફાઈલાતુન્ ગાલગાગા સપ્તકલ આઠ ફાઈલાતુન્ ફાઈલાતુન્ ફાઈલાતુન્ ફાઈલાતુન્ ફાઈલાતુન્ ફાઈલાતુન્ ફાઈલાતુન્ ફાઈલાતુન્ (૬) કામિલ મુતફાઈલુન્ લલગાલગા સપ્તકલ આઠ મુતફાઈલુન્ મુતફાઈલુન્ મુતફાઈલુન્ મુતફાઈલુન્ મુતફાઈલુન્ મુતફાઈલુન્ મુતફાઈલુન્ મુતફાઈલુન્ (૭) વાફિર મુફાઅલતુન્ લગાલલગા સપ્તકલ આઠ મુફાઅલતુન્ મુફાઅલતુન્ મુફાઅલતુન્ મુફાઅલતુન્ મુફાઅલતુન્ મુફાઅલતુન્ મુફાઅલતુન્ મુફાઅલતુન્ છંદરચનાની આ પ્રક્રિયાને સદૃષ્ટાંત સમજીએ : મુતકારિબ એ મૂળ અર્કાન ‘ફઊલુન્’ની લગાત્મક પંચકલ સંધિ લગાગા (૧+૨+૨=૫)નાં યથાતથ ચાર આવર્તનોથી રચાતો એકશાબ્દી છંદ છે. આ વ્યાખ્યા અનુસાર તેમાં ‘ફઊલુન્’ અર્થાત્ ‘લગાગા’નાં(એક મિસ્રામાં ચાર મુજબ બે મિસ્રામાં મળીને) આઠ આવર્તનો અપેક્ષિત છે. અહીં આપેલો દૃષ્ટાંતરૂપ શેર જુઓ, તેના પ્રત્યેક મિસ્રામાં ‘લગાગા’નાં ચાર આવર્તનો છે અને એમ બે મિસ્રા મળીને થતા શેરમાં કુલ આઠ આવર્તનો છે : નહીં આ MU>શના આ શનાથી જુદો છે લગા ગા લગા ગા લગાગા લગા ગા = ૪ ખુદાનો ન બંદો ખુદાથી જુદો છે લગાગા લ ગાગા લગાગા લગા ગા = ૪ = ૮ ઉપર્યુક્ત સાત એકશાબ્દી છંદોના મૂળ અર્કાનમાં જિહાફ કરતાં, તેના વિકારી અર્થાત્ પેટાગણોનાં વિવિધ સંયોજનોથી અન્ય ૧૭૩ છંદો નીપજે છે. કુલ ઓગણીશ મૂળ છંદો પૈકી ઉપર્યુક્ત સાત એકશાબ્દી છંદો ઉપરાંત બાર દ્વિશાબ્દી, એટલેકે અલગ અલગ બે મૂળ ગણોના સંયોજનોથી રચાતા છંદો છે. આ દ્વિશાબ્દી છંદોમાં પણ ચાર ગણો અને છ ગણો ધરાવતા એવા બે અલગ છંદપ્રકારો છે. દ્વિશાબ્દી છંદોમાં અલગ અલગ અર્કાનનાં કુલ આઠ આવર્તનો થતાં હોઈ આ વર્ગના છંદોને ‘મુસમ્મન’ એટલેકે ‘અષ્ટસંખ્યાત્મક’ છંદો પણ કહે છે. આ મુસમ્મન/અષ્ટ સંખ્યાત્મક છંદો સાત છે : છંદનામ ગણ લગાત્મકરૂપ સંધિ આવર્તનસંખ્યા (૧) તવીલ ફઊલુન્ લગાગા પંચકલ ચાર મફાઈલુન્ લગાગાગા સપ્તકલ ચાર=આઠ ફઊલુન્ મફાઈલુન્ ફઊલુન્ મફાઈલુન્ ફઊલુન્ મફાઈલુન્ ફઊલુન્ મફાઈલુન્ (૨) મદીદ ફાઈલાતુન્ ગાલગાગા સપ્તકલ ચાર ફાઈલુન્ ગાલગા પંચકલ ચાર=આઠ ફાઈલાતુન્ ફાઈલુન્ ફાઈલાતુન્ ફાઈલુન્ ફાઈલાતુન્ ફાઈલુન્ ફાઈલાતુન્ ફાઈલુન્ (૩) બસીત મુસ્તફઈલુન ગાગાલગા સપ્તકલ ચાર ફાઈલુન ગાલગા પંચકલ ચાર=આઠ મુસ્તફઈલુન્ ફાઈલુન્ મુસ્તફઈલુન્ ફાઈલુન્ મુસ્તફઈલુન્ ફાઈલુન્ મુસ્તફઈલુન્ ફાઈલુન્ (૪) મુઝારિઅ્ મફાઈલુન્ લગાગાગા સપ્તકલ ચાર ફાઈલાતુન્ ગાલગાગા સપ્તકલ ચાર=આઠ મફાઈલુન્ ફાઈલાતુન્ મફાઈલુન્ ફાઈલાતુન્ મફાઈલુન્ ફાઈલાતુન્ મફાઈલુન્ ફાઈલાતુન્ (૫) મુક્તઝબ મફ્ઉલાતુ ગાગાગાલ સપ્તકલ ચાર મુસફ્ઈલુન ગાગાલગા સપ્તકલ ચાર=આઠ મફ્ઉલાતુ મુસફ્ઈલુન્ મફ્ઉલાતુ મુસફ્ઈલુન્ મફ્ઉલાતુ મુસફ્ઈલુન્ મફ્ઉલાતુ મુસફ્ઈલુન્ (૬) મુજ્તસ્ મુસ્તફ્ઈલુન્ ગાગાલગા સપ્તકલ ચાર ફાઈલાતુન્ ગાલગાગા સપ્તકલ ચાર=આઠ મુસ્તફ્ઈલુન્ ફાઈલાતુન્ મુસ્તફ્ઈલુન્ ફાઈલાતુન્ મુસ્તફ્ઈલુન્ ફાઈલાતુન્ મુસ્તફ્ઈલુન્ ફાઈલાતુન્ (૭) મુન્સરિહ્ મુસ્તફ્ઈલુન ગાગાલગા સપ્તકલ ચાર મફ્ઉલાતુ ગાગાગાલ સપ્તકલ ચાર = આઠ મુસ્તફ્ઈલુન્ મફ્ઉલાતુ મુસ્તફ્ઈલુન્ મફ્ઉલાતુ મુસ્તફ્ઈલુન્ મફ્ઉલાતુ મુસ્તફ્ઈલુન્ મફ્ઉલાતુ દ્વિશાબ્દી છંદોનો બીજો પ્રકાર છ ગણો ધરાવતા છંદોનો છે. આ છંદોમાં મૂળ બે ગણો પૈકી એક ગણનાં ચાર આવર્તનો થાય છે. જ્યારે બીજા ગણનાં બે આવર્તનો થાય છે. ‘સરીઅ્’ નામના છંદનું બંધારણ જુઓ :

મુસ્તફ્ઈલુન્ મુસ્તફ્ઈલુન્ મફ્ઉલાતુ મુસ્તફ્ઈલુન્ મુસ્તફ્ઈલુન્ મફ્ઉલાતુ આ છંદમાં ‘મુસ્તફ્ઈલુન્’ ગણનાં ચાર આવર્તનો થયાં છે, તો ‘મફ્ઉલાતુ’ ગણનાં બે આવર્તનો થયાં છે અને એમ કુલ છ ગણો પ્રયોજાયા છે. આ ગણસંખ્યાને ધ્યાનમાં લઈને આ વર્ગના છંદોને ષડ્સંખ્યાત્મક છંદો તેમજ મુસદ્સ પણ કહે છે. આવા પાંચ છંદો છે : છંદનામ ગણ લગાત્મકરૂપ સંધિ આવર્તનસંખ્યા (૧) સરીઅ્ મુસ્તફ્ઈલુન્ ગાગાલગા સપ્તકલ ચાર મુફઉલાતુ ગાગાગાલ સપ્તકલ બે=છ મુસ્તફ્ઈલુન્ મુસ્તફ્ઈલુન્ મફ્ઉલાતુ મુસ્તફ્ઈલુન્ મુસ્તફ્ઈલુન્ મફ્ઉલાતુ (૨) જદીદ ફાઇલાતુન્ ગાલગાગા સપ્તકલ ચાર મુસ્તફ્ઈલુન્ ગાગાલગા સપ્તકલ બે=છ ફાઈલાતુન્ ફાઈલાતુન્ મુસ્તફ્ઈલુન્ ફાઈલાતુન્ ફાઈલાતુન્ મુસ્તફ્ઈલુન્ (૩) કરીબ્ મફાઈલુન્ લગાગાગા સપ્તકલ ચાર ફાઈલાતુન્ ગાલગાગા સપ્તકલ બે=છ મફાઈલુન્ મફાઈલુન્ ફાઈલાતુન્ મફાઈલુન્ મફાઈલુન્ ફાઈલાતુન્ (૪) ખફીક્ ફાઈલાતુન્ ગાલગાગા સપ્તકલ ચાર મુસ્તફ્ઈલુન્ ગાગાલગા સપ્તકલ બે=છ ફાઈલાતુન્ ફાઈલાતુન્ મુસ્તફ્ઈલુન્ ફાઈલાતુન્ ફાઈલાતુન્ મુસ્તફ્ઈલુન્ (૫) મુશાકિલ મફાઈલુન્ લગાગાગા સપ્તકલ ચાર ફાઈલાતુન્ ગાલગાગા સપ્તકલ બે=છ મફાઈલુન્ મફાઈલુન્ ફાઈલાતુન્ મફાઈલુન્ મફાઈલુન્ ફાઈલાતુન્ ઉપર્યુક્ત છંદોની નિયત માત્રામાં પિંગલના નિયમોને અધીન રહીને વધઘટ કરીને તેના પેટાછંદો બનાવી શકાય છે. માત્રામાં વધઘટ કરવાની આ પ્રક્રિયાને આગળ જોયું એ મુજબ ‘જિહાફ’ કહે છે જેને આપણે વિકાર કહી શકીએ. મૂળ છંદોમાં ‘જિહાફ’ કરવાથી નીપજતા ૧૬૬ પેટાછંદો આ મુજબ છે : તવીલ – ૧૦ મુક્તઝેબ – ૦૬ જદીદ – ૦૨ મદદી – ૧૧ મુજ્તસ્ – ૧૬ કરીબ – ૦૬ બસીત – ૧૬ મુન્સરિહ્ – ૨૫ ખફીક્ – ૨૦ મઝારિઅ્ – ૨૮ સરીઅ્ – ૨૨ મુશાકિલ – ૦૪ ર.ર.દ.