ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ગ/ગુજરાતી ઉપશિષ્ટ

From Ekatra Wiki
Jump to navigation Jump to search



ગુજરાતી ઉપશિષ્ટ : ઉપશિષ્ટ બધી જ ભાષામાં હોય છે, એ તળપદી ભાષાનો જ એક પ્રકાર છે; પણ એ ગ્રામ્ય છે. એ માન્ય શિક્ષિત ભાષાના ક્ષેત્રની બહાર છે. એ અત્યધિક અનૌપચારિક વ્યવહારમાં પ્રયુક્ત ભાષા છે. જેમકે પરીક્ષામાં નાપાસ થવા માટે કે સારો દેખાવ ન કરવા માટે ‘તેણે ઉકાળ્યું’ કહીએ છીએ. ન કહેવાનું કહેવાઈ જતાં ‘તેણે બાફ્યું’ જેવા પ્રયોગો થાય છે. આવા ઉપશિષ્ટ શબ્દો પછી શિષ્ટ તરીકે ચાલુ થાય છે. જનતાના, લોકોના નીચલા થરોમાં પ્રચલિત શબ્દ પછી સામાન્ય વપરાશમાં રૂઢ થઈ ગયા હોય છે. માન્યભાષાના શબ્દભંડોળમાં જે રીતે નવા શબ્દો ઉમેરાય છે એ જ રીતે ઉપશિષ્ટ શબ્દો પણ ઉદ્ભવે છે. રોજિંદી ભાષામાં ફેરફાર કરીને કે નવી રીતે યોજીને શબ્દો કે વાક્યો તૈયાર થાય છે. અને પછી પ્રસિદ્ધ થાય છે. જે શબ્દો ભાષામાં હોય જ છે એનાં સંયોજનોથી આવા પ્રયોગો ઉદ્ભવે છે. જેમકે ચોકઠું બેસાડવું, છાપેલું કાટલું, હજામપટ્ટી, ઘાઘરાપલટણ, પાવલીછાપ, હેડંબાછાપ વગેરે. એમાં રૂઢિપ્રયોગો અને શબ્દોનાં સંક્ષિપ્ત રૂપો પણ ઉપયોગમાં લેવાય છે. જેમકે સોપારી લેવી, ગડગડિયું આપવું, ચમચા હોવું, છૂ છૂ ભાંગી નાંખવું, ટાબોટા પાડવા, તંગડી ઊંચી હોવી, લાકડામાં જવું, લાકડે માકડું વળગાડવું જેવા રૂઢિપ્રયોગો જાણીતા છે. તો, શબ્દોનાં સંક્ષિપ્ત રૂપોમાં પીધરો, ડોઝરું, પેટુ વગેરે છે. ડેટું, વાંઢો, ડાચું, ટાંટિયો, ખાસડું, મામો, કોઠી, વાઘરી જેવા શબ્દોના લાક્ષણિક પ્રયોગો થાય છે. નિષિદ્ધ શબ્દોમાંથી પણ ઘણા ઉપશિષ્ટમાં પ્રયોજાય છે, તો અન્ય ભાષા પાસેથી પણ ઉપશિષ્ટ શબ્દો લેવાય છે. મજાકની બોલચાલની ભાષામાં વિશેષનામો ઘડી કાઢવાનું વલણ પણ ઉપશિષ્ટને ઉદ્ભાવે છે જેમકે પંતુજી, ચશ્મીસ, ઠિંગુજી, ફૂલણજી, બેટમજી, ઠણ ઠણ ગોપાલ, અંધુસ, લંબુસ વગેરે. સંપૂર્ણ રીતે ખાવાપીવાની ઘેલછામાંથી અને નાદાનીમાંથી જન્મતા ઉપશિષ્ટ શબ્દોની વ્યુત્પત્તિ કે અર્થઘટન મુશ્કેલ બને છે. પણ માન્ય શિષ્ટ ભાષાથી ફંટાયેલા કે પરિવતિર્ત થયેલા શબ્દપ્રયોગોનાં મૂળ વિશે અનુમાન કરી શકાય છે. ખાનગી ભાષાની જેમજ ઉપશિષ્ટ ભાષાને બૌદ્ધિક નિયમોથી સમજી શકાય નહીં. ઇ.ના.