ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ગ/ગુજરાતી કોશસાહિત્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search



ગુજરાતી કોશસાહિત્ય : ગુજરાતીમાં કોશનો આરંભ થયો ડો. ડ્રમન્ડ નામના એક પાદરી દ્વારા ૧૮૦૮માં ૪૬૩ ગુજરાતી શબ્દોની અંગ્રેજી સમજૂતી આપતા ‘ગ્લોસરી’ પુસ્તકથી. ગુજરાતી ટાઇપ એમાં પહેલવહેલા વપરાયા. ભારતમાં વેપાર અર્થે આવેલા અંગ્રેજોને ગુજરાતી શીખવામાં ઉપયોગી બને એવા ઉદ્દેશથી આ પુસ્તકમાં ગુજરાતી વેપારની, વેપારી નીતિરીતિની અને વેપારી મથકોની સમજૂતી ઉપર વિશેષ ભાર મુકાયેલો જોવા મળે છે. આ કોશમાં કોઈક શબ્દની સમજૂતી બે લીટીમાં છે. તો, કોઈક શબ્દની સમજૂતી બે-અઢી પાનાંમાં પણ છે. સાથે ગુજરાતી-અંગ્રેજી-મરાઠી વ્યાકરણ પણ આપવામાં આવ્યું છે. અંગ્રેજો આ દેશની સ્થાનિક ભાષાઓથી વાકેફ થાય એમાં સહાય રૂપે મુંબઈમાં ૧૮૩૫માં (સને ૧૮૦૦માં તૈયાર થયેલ ‘ઇંગ્લિશ-પર્શિયન વોકેબ્યુલરી’ના તરજુમા રૂપે) ‘વોકેબ્યુલરી ઇંગ્લિશ એન્ડ ગુજરાતી’ પ્રસિદ્ધ થઈ. દસથી પંદર વર્ષમાં એની ચાર આવૃત્તિઓ થઈ. ૧૮૪૧માં અને ૧૮૫૧માં બે નાના પ્રયત્નોની વચ્ચે નોંધપાત્ર પ્રયત્ન જોવા મળે છે ખંભાતના મિરઝા મહોમદ કાસિમનો જેમણે ૧૮૪૬માં મુંબઈ ખાતેથી, ‘ડિક્શનરી ઓફ ગુજરાતી એન્ડ ઇંગ્લિશ’ પ્રસિદ્ધ કરી છે. આ કોશમાં અનેક સ્થળે મરાઠી, હિન્દુસ્તાની, ઝન્દ, તર્કિશ, પોર્ટુગીઝ, ફ્રેન્ચ, ગ્રીક, હિબ્રુ, અરબી અને ફારસી પર્યાય પણ નોંધવામાં આવેલ છે. વળી, વ્યુત્પત્તિના પાયારૂપ કહી શકાય એવો સંસ્કૃત સાથેનો સંબંધ પણ બતાવાયેલો જોવા મળે છે. આમાં ૧૫,૦૦૦ શબ્દો સંઘરાયેલા છે. ૧૮૫૪માં એક ‘ઇંગ્લિશ-ગુજરાતી ડિક્શનરી’ (મુંબઈથી) અને ૧૮૫૫માં ‘એ ગ્લોસરી ઓફ ધી એડ્મિનિસ્ટ્રેટિવ વર્ડ્ઝ’(લંડનથી) પ્રસિદ્ધ થયેલ છે, જેમાં ખાસ્સા પ્રમાણમાં ગુજરાતી પર્યાય જોવા મળે છે. ૧૮૫૭માં મુંબઈથી નાનાભાઈ રુસ્તમજી રાણીનાની ૫૦,૦૦૦ શબ્દોની વિવિધ ખંડોમાં ગોઠવાયેલી ‘ડિક્શનરી ઓફ ઇંગ્લિશ એન્ડ ગુજરાતી’ બહાર પડી છે. એ પછી ૧૮૬૧માં કરસનદાસ મૂળજીની ‘ગુજરાતી-ઇંગ્લિશ ડિક્શનરી’ બહાર પડી છે આ પછી નાનાભાઈ રાણીનાના કોશમાંથી ૨૦,૦૦૦ શબ્દો ચૂંટીને અરદેસર મૂસ અને રાણીનાએ નાનો કોશ પ્રસિદ્ધ કર્યો છે. પણ એ પછી નોંધપાત્ર પ્રયત્નરૂપ નર્મદાશંકર લાલશંકરનો ‘નર્મકોશ’નો પહેલો ખંડ પ્રસિદ્ધ થયો છે ૧૮૬૧માં અને છેલ્લો ખંડ ૧૮૭૩માં. આમાં ૨૫,૦૦૦ શબ્દ, પર્યાયો સાથે અને પર્યાય ન હોય ત્યાં સમજૂતી સાથે સંઘરવામાં આવ્યા છે. આ કોશમાં જે વિષયવૈવિધ્ય, માહિતીની વૈજ્ઞાનિક ચોકસાઈ અને વ્યવસ્થિત રજૂઆત છે એ જોતાં ઉચિત રીતે જ આને ‘આદિકોશ’નું સ્થાન મળ્યું છે. હવે કોશક્ષેત્રે જાણે દિશા ખૂલી ગઈ. ૧૮૭૭માં મોન્ટ ગોમેરીની ‘ઇંગ્લિશ-ગુજરાતી ડિક્શનરી’ બહાર આવે છે. જેમાં અંબાલાલ સાકરલાલ દેસાઈ અને મણિધરપ્રસાદનો સાથ લેવાયો છે. ૧૮૮૫માં કાશીદાસ બ્રિજભૂષણદાસ અને એમના ભાઈ બાલકૃષ્ણદાસનો ‘એ ડિક્શનરી ઓફ ગુજરાતી એન્ડ ગુજરાતી ઇંગ્લિશ’ હજારથી વધુ પાનાંનો કોશ પ્રસિદ્ધ થયો છે. એમાં સૌરાષ્ટ્રના શબ્દો પહેલીવાર દાખલ થયેલા દેખાય છે. વિઠ્ઠલદાસ ગોવર્ધનદાસ વ્યાસ અને શંકરભાઈ ગલાભાઈ પટેલ તરફથી બે ભાગમાં ૧૮૯૪માં ‘સ્ટાન્ડર્ડ ઇંગ્લિશ – ગુજરાતી ડિક્શનરી’ બહાર આવી છે. એની પૃષ્ઠસંખ્યા ૧૬૮૮ની છે. કોશ પ્રમાણભૂતતાની દૃષ્ટિએ નોંધપાત્ર છે. ૧૮૯૫માં વિઠ્ઠલ રાજારામ દલાલનો ‘શબ્દાર્થસિંધુ’(ગુજરાતી–ગુજરાતી) મુંબઈમાં પ્રસિદ્ધ થયો છે અને મલ્હાર ભિકાજી બેલસરેની ‘ઇટિમોલોજીકલ ગુજરાતી ઇંગ્લિશ ડિક્શનરી’ અમદાવાદથી પ્રસિદ્ધ થઈ છે. આ બંને કોશો અવશ્ય ગણનાપાત્ર પ્રયત્નરૂપ છે. ૧૮૯૮માં ભગુ એફ. કારભારી(અમદાવાદ)ની ‘સ્ટુડન્ટ્સ ગુજરાતી – ઇંગ્લિશ ડિક્શનરી’ અને ‘સ્ટુડન્ટ્સ ઇંગ્લિશ – ગુજરાતી ડિક્શનરી’ બહાર આવી. દરમ્યાન એ જ વર્ષમાં ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયટી’ દ્વારા ભોગીલાલ ભીખાભાઈ ગાંધી પાસે તૈયાર કરાવેલો ‘રૂઢિપ્રયોગકોશ’ પ્રસિદ્ધ થયો. ૧૮૦૦માં દલપતરામે આવા જ પ્રયત્નરૂપ ‘કથનસપ્તશતી’ દ્વારા કહેવતસંગ્રહ આપ્યો હતો. સોસાયટીએ પણ ૧૮૫૧માં મગનલાલ વખતચંદ પાસે ‘કથનાવળી એટલે કહેવતોનો સંગ્રહ’ તો અગાઉ તૈયાર કરાવ્યો હતો જ. ૧૮૮૯માં ડી. ડી. દલાલે કહેવત સાથે અંગ્રેજી અર્થ, અને શક્ય બન્યું ત્યાં અંગ્રેજી કહેવત આપીને ‘ગુજરાતી પ્રોવર્બ્ઝ વિથ ધેર ઇંગ્લિશ ઇક્વિવેલેન્ટ્સ’ સંગ્રહ પ્રકાશિત કર્યો હતો. ૧૮૯૨માં કરમઅલી રહીમ નાનજીઆણીએ ‘કચ્છી સુકેણી’માં કચ્છી ત્રણસો કહેવતો સંઘરીને પ્રસિદ્ધ કરી હતી. ૧૮૯૩માં દામુભાઈ ડાહ્યાભાઈ મહેતાએ ‘ગુજરાતી કહેવતો’માં નવેક હજાર કહેવતો રજૂ કરી હતી. ૧૮૯૮માં ભગુ એફ. કારભારીએ ‘ગુજરાતી પ્રોવર્બ્ઝ વિથ ધેર ઇંગ્લિશ ઇક્વિવેલેન્ટ્સ’ સંગ્રહ પ્રસિદ્ધ કર્યો. ૧૯૦૩માં જમશેદજી નસરવાનજી પીતીતે પાંચસો પાંચસો પાનાંના બે ગ્રન્થમાં ‘કહેવતમાળા’ બાર હજારથી વધુ કહેવતો અર્થ અને અંગ્રેજી, ફ્રેન્ચ, જર્મન જેવી સમાનાર્થી કહેવત સાથે પ્રસિદ્ધ કરી. એ પછી આ જ દિશામાં થયેલો નોંધપાત્ર પ્રયાસ ૧૯૧૧માં પ્રસિદ્ધ થયેલ આશારામ દલીચંદ શાહના ‘ગુજરાતી કહેવતસંગ્રહ’નો છે. આવા વધુ નોંધવા જેવા પ્રયાસો આ રહ્યા : ‘કચ્છી કહેવતો’(દુલેરાય કારાણી), ‘કહેવત કથાનકો’ (સ્વામી પ્રણવતીર્થ), ‘કહેવત કથાનકો’ (શારદાપ્રસાદ વર્મા), ‘બારહાથનું ચીભડું’(જયભિખ્ખુ), ‘આપણી કહેવતો’(અનસૂયા ત્રિવેદી), ‘કહેવતો’(શાંતિલાલ ઠાકર), ‘બૃહદ કહેવતકથાસાગર’ (અરવિંદ નર્મદાશંકર શાસ્ત્રી) અને ‘રૂઢિપ્રયોગ અને કહેવતસંગ્રહ’ (ભાષાનિયામક, ગુજરાતરાજ્ય-૧૯૯૨). ૧૮૯૯માં એક જુદી દિશાથી વ્યુત્પત્તિક્ષેત્રમાં સુરતના જયકૃષ્ણદાસ ગંગાદાસ ભક્તનો ‘શુદ્ધ શબ્દપ્રદર્શન’ પ્રવેશતો દેખાય છે. એમના પછી નરસિંહરાવ દિવેટિયા જેવા ભાષાશાસ્ત્રીઓએ વ્યુત્પત્તિ અંગે છૂટક પ્રયત્નો કર્યા પણ એવો બીજો વ્યુત્પત્તિસંગ્રહ તો છેક ૧૯૯૪માં હરિવલ્લભ ચૂ. ભાયાણી પાસેથી માંડ મળ્યો અને તે પણ (૧૯૬૩માં ‘શબ્દકથા’ અને ૧૯૭૫માં ‘વ્યુત્પત્તિવિચાર’ બાદ). ‘ગુજરાતી ભાષાનો લઘુ વ્યુત્પત્તિકોશ’ નામક ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ૧૯૯૪માં પ્રસિદ્ધ થયેલ ‘લઘુ’ સંગ્રહ. ૧૯૦૦ના વર્ષમાં સવાઈલાલ છોટાલાલ વોરાએ ‘શબ્દાર્થ ચિંતામણિ’ નામથી ૧૭,૦૦૦ શબ્દનો સંસ્કૃત – ગુજરાતી કોશ પ્રસિદ્ધ કર્યો. ૧૯૨૯-૩૦માં ગિરિજાશંકર મયાશંકર મહેતાએ ‘સંસ્કૃત-ગુજરાતી કોશ’ બે મોટા ગ્રંથોમાં પ્રસિદ્ધ કર્યો. ૧૯૩૨માં દક્ષિણામૂર્તિ પ્રકાશન-મંદિર દ્વારા ગણેશ સદાશિવ તળવલકર પાસે તૈયાર કરાવેલો સંસ્કૃત-ગુજરાતી લઘુ કોશ પ્રસિદ્ધ થયો. આવા ‘સંસ્કૃત-ગુજરાતી’ અન્ય કોશો પ્રસિદ્ધ થયા તે અહીં જ એકસાથે જોઈએ : ‘ધી સ્ટુડન્ટ્સ ન્યુ સંસ્કૃત ડિક્શનરી’ (જી. વી. દેવસ્થલીની ૧૯૩૬માં પ્રસિદ્ધ થયેલી આ ડિક્શનરીમાં સંસ્કૃતના ગુજરાતી પર્યાયની સાથે એના મરાઠી અને અંગ્રેજી પર્યાય પણ અપાયા છે.), ‘નર્મદ સંસ્કૃત ગુજરાતી શબ્દકોશ’ (નર્મદાશંકર જ. રાવલ, ૧૯૬૦), ‘સંસ્કૃત ગુજરાતી વિનીતકોશ’ (ગૂજરાત વિદ્યાપીઠે ગોપાળદાસ જીવાભાઈ પટેલની સહાયથી ૧૯૬૨માં આ કોશ પ્રસિદ્ધ કર્યો છે) અને ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તકમંડળનો ‘સંસ્કૃત ગુજરાતી શબ્દકોશ’(૧૯૮૬) તથા મહર્ષિ વેદવિજ્ઞાન અકાદમીનો ‘સંસ્કૃત ગુજરાતી-કોલેજ શબ્દકોશ’(૧૯૮૬). ઉદાહરણો નોંધીને પ્રથમ વાર નડિયાદના લલ્લુભાઈ ગોકળદાસ પટેલે ૧૯૦૯માં ‘ગુજરાતી, ગુજરાતીકોશ’ આપ્યો, જેમણે એ પહેલાં ‘પોકેટ ગુજરાતી-ઇંગ્લિશ ડિક્શનરી’ અને ‘સ્ટાર ઇંગ્લિશ ગુજરાતી ડિક્શનરી’ આપી હતી. એ પછી ગુજરાત વર્નાક્યુલર સોસાયટીએ મણિલાલ છબારામ ભટ્ટ પાસે ‘ગુજરાતી કોશ’ તૈયાર કરાવીને ૧૯૧૨થી ખંડો પ્રસિદ્ધ કરવા માંડ્યા જે ૧૯૨૩માં પૂરા થયા. ૪૫,૦૦૦ શબ્દસંખ્યા ધરાવતા આ ગ્રન્થમાં થિયેડોર હોપે પોતાની વાચનમાળાની શબ્દાવલી પણ મોકલી આપી હતી. આનો આધાર લઈને બુકસેલર જીવનલાલ અમરશી મહેતાએ ‘ગુજરાતી શબ્દાર્થ ચિંતામણિ’ ૧૯૨૫માં બહાર પાડ્યો. એ વર્ષે ગુજરાતી અંગ્રેજી શબ્દકોશ ‘ધી મોડર્ન ગુજરાતી ઇંગ્લિશ ડિક્શનરી’ નામથી આપ્યો. ભાનુસુખરામે નાનામોટા શબ્દકોશોની કામગીરી કરેલી અને એવો એક ૧૫૪૧ દેશ્યશબ્દોનો ‘દેશ્ય શબ્દકોશ’ (ગુજરાતી અર્થ સાથે) ૧૯૬૫માં ગૂજરાત વિદ્યાપીઠ મારફતે પ્રસિદ્ધ પણ કરાવ્યો હતો. લલ્લુભાઈ પટેલની જેમ ભાનુસુખરામ અને ભરતરામના આ ગુજરાતી-અંગ્રેજી કોશમાં મોટી સંખ્યામાં ગુજરાતી સાહિત્યમાંથી જે તે શબ્દ તેમાં વપરાયાનાં ઉદાહરણ અપાયાં છે. ૧૯૨૬માં ગુજરાત વર્નાક્યુલર સોસાયટીનો ‘ગુજરાતીફારસી-અરબી શબ્દકોશ’ પ્રસિદ્ધ થયો. એના સંપાદક હતા અમીરમિયાં હમદુમિયાં ફારુકી. એના અનુસન્ધાનમાં પાછળથી છોટુભાઈ ર. નાયક દ્વારા ‘ફારસી શબ્દોનો સાર્થ વ્યુત્પત્તિકોશ ભાગ-૧-૨(૧૯૭૨) પ્રસિદ્ધ થયેલ છે. ૧૯૨૧માં માત્ર વહીવટી શબ્દો ધરાવતું છતાં અનેક રીતે નોંધપાત્ર ‘શ્રી સયાજી શાસન શબ્દકલ્પતરુ’ પ્રસિદ્ધ થયું. વડોદરારાજ્યના કાયદાઓમાં વપરાયેલા શબ્દો જ એમાં સ્વીકારાયા હોવા છતાં ગુજરાતી, અંગ્રેજી, મરાઠી, સંસ્કૃત, ઉર્દૂ, ફારસી, હિન્દી અને બંગાળી એ આઠ ભાષાઓના એમાં પર્યાયો મૂકવામાં આવ્યા છે. સયાજીરાવ ગાયકવાડની સમગ્ર ભારતની એક રાષ્ટ્રભાષા માટેની ખેવના આ નવસો પાનાંના બૃહદ કોશ પાછળ પ્રેરકબળ બની હતી. દરમ્યાન અત્યાર સુધીની જોડણીની અરાજકતા ટાળી એકરૂપતા દ્વારા સરળતા ઊભી કરવાની મહાત્મા ગાંધીજીની માગણી હેઠળ એક સમિતિ દ્વારા નિયમો કરાવીને મગનભાઈ પ્ર. દેસાઈના માર્ગદર્શન હેઠળનો ‘જોડણીકોશ’ ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા ૧૯૨૯માં પ્રસિદ્ધ થયો. ૧૯૩૧ની બીજી આવૃત્તિથી અર્થો ઉમેરી એને ‘સાર્થ ગૂજરાતી જોડણીકોશ’ બનાવવામાં આવ્યો. એની પાંચમી આવૃત્તિ ૬૮,૪૬૭ની શબ્દસંખ્યા બતાવે છે. આ કોશના શબ્દોમાં મુકાયેલી જોડણી અનુસાર હવેનાં પાઠ્યપુસ્તકો રચાવાં જોઈએ એવી એને કેળવણીખાતાની માન્યતા મળી; અને ધીમે ધીમે ગુજરાતી સાહિત્ય પરિષદ, યુનિવર્સિટીઓ, વર્તમાનપત્રો, સામયિકો અને ગુજરાતી પ્રકાશકોએ પણ ‘સાર્થ જોડણીકોશ’ની જોડણીને જ અગ્રિમતા આપીને ગાંધીજીની ‘હવે પછી કોઈને સ્વેચ્છાએ જોડણી કરવાનો અધિકાર નથી’ એવી ઇચ્છાને બહાલી આપી. ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા ૧૯૪૦માં ખિસ્સામાં રહી શકે કે પાટલી ઉપર હાજર રાખી શકાય એવો માત્ર જોડણી જોવી હોય તો ઉપયોગી થાય એવો ‘ખિસ્સાકોશ’ પ્રસિદ્ધ કરવામાં આવ્યો. એમાં તેર-ચૌદ હજાર શબ્દો સમાયા છે. ૧૯૫૯માં ‘સાર્થ જોડણીકોશ’ની શાળાપયોગી આવૃત્તિરૂપે ‘વિનીત જોડણીકોશ’ પ્રસિદ્ધ કરવામાં આવ્યો તેમાં લગભગ ૪૦,૦૦૦ શબ્દો અપાયા છે ને સારો આદર પામ્યો છે. કેશવરામ કા. શાસ્ત્રી એક સક્ષમ કોશકાર તરીકે બહાર આવ્યા છે. તેમના દ્વારા આટલા કોશ પ્રસિદ્ધ થયા છે : ‘પદ્યાત્મક ગુજરાતી પર્યાયકોશ’(૧૯૨૨), ‘ગુજરાતી ભાષાનો લઘુકોશ’ (૧૯૫૦), ‘ગુજરાતી ભાષાનો અનુપ્રાસકોશ’(૧૯૫૧), ગુજરાતી ભાષાનો પાયાનો કોશ’(૧૯૫૬), ‘અમરકોશ’ (મૂળ સંસ્કૃતકોશનો આધાર, લઈ એનો કરેલો ગુજરાતી પર્યાયોવાળો અનુવાદ, ૧૯૭૫), ‘બૃહદ્ ગુજરાતીકોશ’ ખંડ : ૧ (૧૯૭૬), ‘બૃહદ્ ગુજરાતીકોશ ખંડ : ર’(૧૯૮૧) અને ‘વનૌષધિકોશ’ (દસ ભાષાઓમાં, ૧૯૮૧). આમાંનો ‘બૃહદ્ ગુજરાતીકોશ ખંડ ૧-૨’ યુનિવર્સિટી ગ્રન્થનિર્માણ બોર્ડ દ્વારા પ્રકાશિત થયેલો ૭૫થી ૮૦ હજાર શબ્દસંખ્યા ધરાવતો, કોશશાસ્ત્રની પ્રણાલિ મુજબ શબ્દ, ઉચ્ચારણ, વ્યાકરણી ઓળખ, વ્યુત્પત્તિ અને ક્રમિક વિકસિત અર્થ એ સર્વ અંગોવાળો ગણનાપાત્ર પ્રદાનવાળો શબ્દકોશ છે. ‘સાર્થ જોડણીકોશ’ પછી તૈયાર થયેલા આ કોશમાં કેટલાક શબ્દોની નવેસર વ્યુત્પત્તિ અને ઘણા વધુ શબ્દાર્થ જોવા મળે છે. ‘ભગવદ્ગોમંડળ શબ્દકોશ’(ભાગ ૧થી ૯), ગુજરાતી ભાષાને ગોંડળનરેશ ભગવતસિંહજી મારફત મળેલું મહામૂલું નજરાણું છે. ૯૦૦૦ પાનાંમાં ૯ ભાગમાં થઈને શબ્દો અને અર્થનિશ્ચય અંગે સાહિત્યિક ઉદ્ધરણો તેમજ ઘણીબધી માહિતીથી આ કોશ સમૃદ્ધ છે. ગ્રંથોની યોજનાના ભાગ રૂપે મહારાજાની જાતમહેનતે એકત્રિત કરાયેલા ૨૦,૦૦૦ શબ્દોથી તેનો પ્રારંભ ૧૯૨૮માં થયો અને તેનો પહેલો ભાગ ૧૯૪૪માં પ્રસિદ્ધ થયો તથા નવમો ભાગ ૧૯૫૫માં પ્રગટ થયો. ગોંડળનરેશ સાથે વિદ્યાધિકારી ચંદુભાઈ પટેલ અને અન્ય ૨૫થી ૩૦ ભાષાવિદોની આકરી મહેનતનું આ ફળ છે. આ કોશ શબ્દના શક્ય તેટલા બધા જ પ્રકારના પ્રયોગો તથા તેને અવલંબીને થતા રૂઢપ્રયોગો અને અર્થદ્યોતક ઘણી માહિતી ધરાવતો ગુજરાતી ભાષાનો મહામૂલો ગ્રન્થમણિ છે. આ વિશાળ કોશના આચમનરૂપ ૧૯૫૪માં વિદ્યાર્થીભોગ્ય ‘ભગવદ્ગોમંડલ શબ્દ રત્નાંજલિ’ પ્રસિદ્ધ કરવામાં આવી હતી જેમાં ગણ્યાગાંઠ્યા શબ્દની ૧, રચના ચમત્કૃતિ ૨, વ્યુત્પત્તિ વૈવિધ્ય ૩, અર્થગાંભીર્ય ૪, વિગત વિપુલતા ૫, પ્રયોગ પ્રમાણભૂતતા એ પાંચ અંગ રજૂ થયાં હતાં. દરમ્યાન નાનામોટા કેટલાક શબ્દકોશ કે એને અનુષંગી પ્રકાશન થતાં જ રહ્યાં છે. ૧૯૩૭માં (સંસ્કૃત અમરકોશ પ્રકારની ગુજરાતી રચના) ‘શબ્દાર્થમાલા’ હરિશંકર દલછાભાઈ ત્રિવેદી ‘સ્નેહાંકિત’ દ્વારા પ્રસિદ્ધ થઈ છે. કુલ ૩૨૬ શબ્દોના કાવ્યમય પર્યાય એમાં મુકાયા છે. અન્ય કોશો છે : ‘ધી ન્યુ સ્ટાન્ડર્ડ ઇંગ્લીશ – ગુજરાતી ડિક્શનરી’ (બી. સી. દેસાઈ, ૧૯૦૬), ‘ઇગ્લિશ ગુજરાતીકોશ’ (સોમચંદ્ર કેશવલાલ વૈદ્ય, ૧૯૨૬), ‘ધી પ્રેસિડન્સી ઇંગ્લિશ ગુજરાતી ડિક્શનરી’ (કેશવલાલ ભગવાનદાસ નાણાવટી, ૧૯૩૪) ગુજરાત સાહિત્યમંદિરની ‘સ્કોલર્સ’ – પ્યુપિલ્સ – લીટલ પોકેટ ઇંગ્લિશ-ગુજરાતી ડિક્શનરીઓ’(૧૯૩૬), ‘ધી મોડર્ન કમ્બાઇન્ડ ડિક્શનરી’ (શાંતિલાલ ઓઝા, ૧૯૪૦), ‘મિનિ ડિક્શનરી’ (અનડા પ્રકાશન, ૧૯૭૦), એલ. આર. ગાલાની (ડિક્શનરીઓ જેવી કે, ‘ક્રીમ ડિક્શનરી’, ‘મોડૅલ ડિક્શનરી’, ‘ડાયનેમિક ડિક્શનરી’, ‘ડેસ્ક કંબાઇન્ડ ડિક્શનરી’, ‘ડિક્શનરી ડાયજેસ્ટ’, ‘ડિલાઈટ ડિક્શનરી’, ‘ડિસન્ટ ડિક્શનરી’, ‘કન્સાઈઝ ડિક્શનરી’, ‘એડ્વાન્સ્ડ્ ડિક્શનરી’, ‘પોપ્યુલર કમ્બાઈન્ડ ડિક્શનરી’, ‘યુનિવર્સલ કમ્બાઇન્ડ ડિક્શનરી’, ‘સુપ્રિમ કમ્બાઈન્ડ ડિક્શનરી’ અને ‘વિશાલ શબ્દકોશ’ (ગુજરાતી-ગુજરાતી-અંગ્રેજી) તેમજ ‘યુનિવર્સલ ઇંગ્લિશ – ગુજરાતી ડિક્શનરી’ (પાંડુરંગ ગણેશ દેશપાંડે અને ભારતી દેશપાંડે, ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ, ત્રીજી આવૃત્તિ, ૧૯૯૩) અને ગુજરાતી – અંગ્રેજી કોશ’ (પાં. ગ. દેશપાંડે) (યુનિવર્સિટી ગ્રન્થનિર્માણ બોર્ડ, ૧૯૭૪) ઉપરાંતમાં ‘નાનો કોશ’ (ઉપેન્દ્ર ભટ્ટ અને રતિલાલ નાયક, ૧૯૫૬), ‘(મારો શબ્દકોશ’ ધીરજલાલ ગજ્જર, ૧૯૬૫), ‘શાળોપયોગી ગુજરાતી શબ્દકોશ’ (જ્યોતિ પ્રકાશન, ૧૯૬૭), ‘ત્રિભાષી વહીવટી શબ્દકોશ’ (ભાષાનિયામક કચેરી, ૧૯૮૮), ‘ત્રિભાષાકોશ’ (આચાર્ય અને નાયક ૧૯૯૪), ‘બહુરંગી બાળકોશ’ (નાયક અને દવે, ૧૯૯૫), ‘ઓક્સફર્ડ અંગ્રેજી ગુજરાતી ચિત્રકોશ’ (પર્નવેલ અને દેશપાંડે, ૧૯૭૭). ૧૯૯૪માં ભાષાનિયામકની કચેરી, ગુજરાતરાજ્ય તરફથી ‘વ્યવહારોપયોગી ગુજરાતી – ગુજરાતી શબ્દકોશ’ પ્રસિદ્ધ થયો છે જે ૫૦,૦૦૦ શબ્દસંખ્યા ધરાવતો વ્યવહાર, વહીવટ અને નવા પ્રવેશેલા અંગ્રેજી શબ્દો માટે જોડણી અને અર્થ નિશ્ચિત કરી આપતો અદ્યતન પ્રયાસ છે. ૧૯૯૫માં જયંત કોઠારી દ્વારા ‘મધ્યકાલીન ગુજરાતી શબ્દકોશ’ પ્રગટ થયો છે જેમાં ૨,૦૦૦ જેટલા મધ્યકાલીન કૃતિઓના શબ્દાર્થ, જે તે શબ્દ કઈ કૃતિમાં વપરાયેલ છે તેની નોંધ સાથે અપાયેલ છે. શબ્દકોશમાં પ્રયોગરૂપ પ્રકાશનો પણ થતાં રહ્યાં છે, એમાં એક છે ૧૯૯૩માં મફતલાલ ભાવસાર દ્વારા પ્રકાશિત થયેલ ‘પાયાનો પર્યાયકોશ’. ગુજરાતી ભાષાના આ પ્રથમ પર્યાયકોશના પહેલા વિભાગમાં પાયાના શબ્દો પર્યાયો સાથે અને બીજા વિભાગમાં પ્રતિસંદર્ભક્રમ અપાયો છે. પહેલા વિભાગના શબ્દોને પ્રવિષ્ટિ રૂપે અકારાદિક્રમે ગોઠવ્યા છે, અને એમના પર્યાયોને પણ અકારાદિક્રમે ગોઠવીને મૂક્યા છે. બીજા વિભાગમાં પહેલા વિભાગમાં સમાવેશ પામેલા પર્યાયોને અકારાદિક્રમે એવી રીતે ગોઠવ્યા છે કે જેથી ઉપયોગકર્તાને જરૂરી શબ્દોના પર્યાયો તરત મળી રહે અને વધારામાં તે ૨૦,૦૦૦થી વધારે શબ્દોના અર્થો પણ સહેલાઈથી જાણી શકે. થિસોરસ પ્રકારનો પ્રથમ ગુજરાતી પ્રયોગ જે ગુજરાત સાહિત્ય અકાદમીએ ઈશ્વરલાલ ર. દવેના સહકારથી ૧૯૯૪માં ‘ગુજરાતી ભાષાનો શબ્દાર્થકોશ થિસોરસ’ નામથી પ્રસિદ્ધ કરેલ છે. ઉપયોગકર્તાની જાણમાં કોઈ શબ્દ હોય, પરંતુ અર્થ ન હોય ત્યારે આ શબ્દકોશ દ્વારા તેનો અર્થ તેને મળી રહે એવી આની રચના છે. તે જ રીતે ઉપયોગકર્તાના મનમાં કોઈ નિશ્ચિત વિભાવ હોય, અર્થ હોય, પણ તે માટેનો શબ્દપ્રયોગ ન હોય તો આ થિસોરસના સિદ્ધાન્તનો આશ્રય લેવાયો છે અને કુલ ૩૦ આલોક (એટલેકે વિભાગ)માં ૧૦૦૯ વિભાવનાઓ સમાવિષ્ટ કરી છે. શબ્દાર્થ ઉપરાંત પરિભાષા પણ કોશ માટે એક જરૂરી ક્ષેત્ર રહ્યંુ છે તેથી તે દિશામાં પણ વિવિધ સંસ્થાઓ તેમજ વ્યક્તિઓ દ્વારા મોટી સંખ્યામાં પુસ્તક-પુસ્તિકા પ્રસિદ્ધ થયાં છે. ૧૮૮૮માં ત્રિભુવનદાસ ગજ્જર દ્વારા ૮૦ જેટલાં પુસ્તકોમાં વૈજ્ઞાનિક પરિભાષા વિષયક વૈજ્ઞાનિક શબ્દકોશ એ લગભગ જૂનામાં જૂનો વ્યવસ્થિત પ્રયાસ છે. વડોદરાના રાજવી સયાજીરાવ ગાયકવાડની પ્રેરણાથી આ જ અરસામાં ‘સયાજી વૈજ્ઞાનિક શબ્દસંગ્રહ’ પ્રસિદ્ધ થઈ શક્યો છે. ગુજરાત સંશોધનમંડળ અને ફાર્બસ ગુજરાતી સભાના સંયુક્ત સાહસથી પોપટલાલ ગોવિંદલાલ શાહ દ્વારા ‘વૈજ્ઞાનિક શબ્દસંગ્રહ’ ૧૯૩૭માં પ્રસિદ્ધ થયેલો છે. ગૂજરાત વિદ્યાપીઠ અને ગુજરાત યુનિવર્સિટીએ વિવિધ વિષય લઈ બોધભાષા ગુજરાતીનો જે તે વિષયના ભાષાન્તરમાં વ્યવસ્થિત ઉપયોગ થાય તે માટે પારિભાષિક પુસ્તિકાઓ પ્રગટ કરી છે. ગૂજરાત વિદ્યાપીઠે ‘ગણિતકી પરિભાષા’ (હરિહર પ્રા. ભટ્ટ, ૧૯૨૧), ‘અર્થશાસ્ત્રની પરિભાષા’ (વિઠ્ઠલદાસ મ. કોઠારી, ૧૯૪૮) ‘વિજ્ઞાનની પરિભાષા (૧૯૪૫) તેમજ ‘સાહિત્યની પરિભાષા (ઉપેન્દ્ર ર. ભટ્ટ, ૧૯૬૭) તો ગુજરાત યુનિવર્સિટીએ ૧૯૫૫થી નિષ્ણાતોની સમિતિ રચીને ૧૯ જેટલા વિષયોની ‘પરિભાષા પુસ્તિકાઓ’ પ્રસિદ્ધ કરી છે. જો કે અગાઉ ગુજરાત વર્નાક્યુલર સોસાયટી તરફથી ૧૯૩૦માં વિશ્વનાથ મગનલાલ ભટ્ટ દ્વારા તૈયાર કરાયેલો ‘પારિભાષિકકોશ’ પ્રસિદ્ધ થયો હતો (જે પાછળથી રઘુવીર ચૌધરી દ્વારા શુદ્ધિવૃદ્ધિ પામી ફરી પ્રકાશિત પણ થયો છે.). ૧૯૨૬માં રચાયેલ એક આવા કોશનો હેતુ જ એના નામમાં આવી જાય છે : ‘ગુજરાતી ભાષામાં ઇંગ્રેજી શબ્દોનો ધસારો’. ૧૯૩૬માં જી.વી. દેવસ્થલી દ્વારા ‘ધી સ્ટુડન્ટ્સ ન્યુ સંસ્કૃત ડિક્શનરી’ પ્રસિદ્ધ થયેલ તેમાં ગુજરાતી સાથે અંગ્રેજી અને મરાઠી પરિભાષા મૂકવામાં આવેલી. ૧૯૩૫માં ગુજરાત વર્નાક્યુલર સોસાયટી તરફથી હરિલાલ રંગીલદાસ માંકડ પાસે તૈયાર કરાવેલી ‘વહાણની પરિભાષા’ પ્રસિદ્ધ કરાયેલી છે. યુનિવર્સિટી ગ્રન્થનિર્માણબોર્ડ તરફથી ૧૯૭૯માં નરહરિ કે. ભટ્ટના સંપાદન દ્વારા (માનવવિદ્યાઓ અને સમાજવિદ્યાઓના પારિભાષિક શબ્દોનો, અંગ્રેજી ગુજરાતી) ‘વિનયન શબ્દકોશ’ અને ૧૯૮૮માં વિજ્ઞાન વિદ્યાશાખાના શબ્દોનો અંગ્રેજી ગુજરાતી ‘વિજ્ઞાન શબ્દકોશ’ પ્રસિદ્ધ થયા છે. કલવચવાલા જેવાનો સહકાર લઈ ગુજરાત સરકારે પણ ૧૯૬૨માં ‘વૈજ્ઞાનિક પ્રાવૈધિક પારિભાષિક શબ્દસંગ્રહ’ તૈયાર કર્યો છે. ગુજરાતરાજ્ય કાયદા પરિભાષા કમિશન તરફથી ૧૯૬૫માં ‘કાયદાના પારિભાષિક શબ્દોનો કોશ’ (અંગ્રેજીગુજરાતી-હિન્દીમાં) પ્રસિદ્ધ કરાયો છે. ૧૯૯૪માં રમેશ કોઠારી દ્વારા ‘ગણિતની પરિભાષા’ પણ પ્રસિદ્ધ થઈ છે. ‘વિજ્ઞાન અને યંત્રવિદ્યાકોશ : ૧થી ૧૭’ પણ પ્રગટ થયો છે. ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી ‘આધુનિક સાહિત્યસંજ્ઞાકોશ’ (ચન્દ્રકાન્ત ટોપીવાળા, પરેશ નાયક અને હર્ષવદન ત્રિવેદી, ૧૯૮૬) તથા ‘વિશિષ્ટ સાહિત્યસંજ્ઞાકોશ’ (ચન્દ્રકાન્ત ટોપીવાળા, ૧૯૮૮) પણ પ્રસિદ્ધ કરાયેલ છે. અન્ય ભાષામાંથી ગુજરાતી શબ્દાર્થ કે તે તે ભાષાનાં શબ્દાર્થવાળાં પ્રકાશનો જોઈએ તો નીચેનાં પ્રકાશનો થયાં છે : ‘ગુજરાતી-હિન્દીકોશ’ (ગૂજરાત વિદ્યાપીઠ, ૧૯૬૧), ‘હિન્દીગુજરાતીકોશ’ (ગૂજરાત વિદ્યાપીઠ, ૧૯૩૯), ‘નન્હા કોશ’, (રતિલાલ નાયક અને અંબાલાલ પટેલ, ૧૯૬૧), ‘રાહબર’ (ઉર્દૂ-ગુજરાતી કોશ, આર. આર. શેઠની કંપની), ‘ઉર્દૂ-ગુજરાતી કોશ’ (ઉર્દૂ સાહિત્ય અકાદમી, ગુ.રા., ૧૯૯૪) પ્રકીર્ણકોશ : મરાઠી ભાષાના પૌરાણિક કથાકોશ ઉપરથી ડાહ્યાભાઈ દેરાસરીએ રચેલો ‘પૌરાણિક કથાકોશ’ (ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, ૧૯૨૭) પૌરાણિક પાત્રો વિશેની વીગતપૂર્ણ માહિતી આપે છે. સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલયે સ્વામી આત્માનંદગિરિ પાસે તૈયાર કરાવેલો ‘વેદાન્ત શબ્દકોશ’ ૬૩૨ શબ્દોની સમજૂતી સાથે (૧૯૬૪) પ્રસિદ્ધ થયો છે. વૈદિકકોશમાં મહર્ષિવેદવિજ્ઞાન અકાદમી હજુ પચાસ હજાર શબ્દસંખ્યા સુધી જ આગળ વધી છે. કોશ હજુ નિર્માણકક્ષાએ છે. જેઠાલાલ ત્રિવેદી અને મંગલાગૌરી ત્રિવેદી સંપાદિત, ‘લોકસાહિત્ય શબ્દકોશ’ (૧૯૭૮) પણ પ્રગટ થયો છે. એમાં લોકસાહિત્યના શબ્દોના અર્થ એ શબ્દ ક્યાં વપરાયેલ છે એના મૂળ ઉલ્લેખ સાથે આપવામાં આવેલ છે. જેઠાલાલ ત્રિવેદી અને મંગળાગૌરી ત્રિવેદી કૃત ‘સંત સાહિત્યશબ્દકોશ’ (૧૯૮૫) સંતસાહિત્યમાંના અઘરા શબ્દોના અર્થ, મૂળ એ શબ્દ કઈ કૃતિમાં છે તેના ઉલ્લેખ સાથે નોંધે છે. ‘વ્યાપારી શબ્દકોશ’ (૧૯૫૦), ‘મધ્યકાલીન ગુજરાતી કથાકોશ’ (હરિવલ્લભ ભાયાણી, ૧૯૯૩), ‘ગુજરાતી સાહિત્યકાર પરિચયકોશ’ (રતિલાલ નાયક, ૧૯૮૮) ‘સંસ્કૃત લેખકોનો પરિચયકોશ’ – (ગૌતમ પટેલ, ૧૯૯૪), ‘ગુજરાતી લોકસાહિત્યમાં કથાગીતો’ (હસુ યાજ્ઞિક) ‘લોકગીતોમાં રામચરિત અને પાંડવકથા’ (હસુ યાજ્ઞિક), ‘ગુજરાતી ટૂંકીવાર્તાકોશ’ (ચંદ્રકાન્ત ટોપીવાલા અને રમેશ ર. દવે, ગુજરાતી સાહિત્ય પરિષદ, ૧૯૯૦), ‘ગુજરાતી સાહિત્યસૂચિ : મધ્યકાલીન’ (પ્રકાશ વેગડ), ‘ગુજરાતી મહાનિબંધ સંદર્ભસૂચિ : ૧૮૫૭થી ૧૯૯૧’ (પ્રકાશ વેગડ), ‘પ્રસન્નિકા વિક્રમકોશ’ (બંસીધર શુક્લ, ૧૯૯૪), વિવિધ વાસણો વિશે માહિતી આપતી ‘પાત્ર શબ્દાવલિ’ (ઇન્દ્રશંકર રાવલ, ૧૯૯૧), ‘યોગકોશ’(૧૯૭૭), ‘લોકગીતસૂચિ’ (કિરીટ શુક્લ, ગુજરાત સાહિત્ય અકાદમી), ‘પદસૂચિ’ (નિરંજના વોરા, ગુ.સા. અકાદમી), ‘દેશીસૂચિ’ (નિરંજના વોરા. ગુ.સા. અકાદમી), ‘ભજનસૂચિ’ (નિરંજના વોરા. ગુ.સા. અકાદમી), ‘ગામ-નામોની યાદી’ (હરિવલ્લભ ભાયાણી, ગુ.સા. અકાદમી), ભાષાનિયામકની કચેરી, ગુજરાત રાજ્યના વીસ ખાતાકીય ‘લઘુકોશ’ (૧૯૮૦થી ૧૯૯૩), ભાષાનિયામકની કચેરીના અઢાર વિષયવાર ‘શબ્દસંચય’ (૧૯૮૯થી ૧૯૯૫), ‘સ્થલનામયાદી’ (ભાષાનિયામકની કચેરી, ૧૯૯૩), ‘બાઇબલનો શબ્દકોશ’ (રેવ. જયાનંદ આઈ. ચૌહાન, ૧૯૯૦), ‘જૂની મૂડી’ (સ્વામી આનંદ, ૧૯૮૦), ‘ભૌગોલિકકોશ’ (ગુજરાત વિદ્યાસભા), ‘લઘુલિપિશબ્દકોશ’ (ગુજરાત સરકારની ૧૯૯૫ દરમ્યાનની યોજના). વિશ્વકોશ(ઇન્સાઈક્લપીડિયા)ક્ષેત્રે થયેલી કેટલીક કામગીરી પણ નોંધવી જોઈએ. ૧૮૯૧માં માણેકજી એદલજી વાચ્છા અને અરદેસર ફરામજી સેલાને ચાર ગ્રન્થમાં રચવા ધારેલા ‘સર્વવિદ્યાકોશ’નો બહાર પડેલો એક ગ્રન્થ અને ૧૮૯૯માં રત્નજી આર. શેઠના દ્વારા પ્રગટ થયેલા ‘જ્ઞાનચક્ર’ના નવ ભાગ પ્રારંભિક પ્રયત્નો સાથે સંભારવા જેવા છે. એ જ રીતે સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા વિવિધ વિષયોમાં બહાર પડેલા ‘જ્ઞાનગંગોત્રી’ના ત્રીસ ગ્રંથો પણ કોશરૂપે સુલભ છે. પૂજ્ય મોટા સ્મારકનિધિ દ્વારા ચરોતર એજ્યુકેશન સોસાયટી મોહનભાઈ શં. પટેલ અને રમેશ કોઠારી દ્વારા બાળકો માટે એક સર્વજ્ઞાનસંગ્રહ આપવાના હેતુથી ૧૯૭૨માં ‘બાલભારતી : ૧થી ૮ ભાગ’ પ્રસિદ્ધ થયેલ છે. એ કદ અને સ્વરૂપની દૃષ્ટિએ નાનો છે. પણ એ પછી ૧૯૯૪માં લેખક-કલાકાર રજની વ્યાસનો બાળકોને સવિશેષ ઉપયોગી થાય એવો ‘વિશ્વજ્ઞાનકોશ’ પ્રસિદ્ધ થયો છે. ગુજરાતી ભાષામાં સર્વપ્રથમ સચિત્ર જ્ઞાનકોશનો એનો દાવો યથાર્થ ઠરે એવી માહિતી અને એવાં બહુરંગી ચિત્રો એમાં અપાયાં છે. અઢાર વિષયવાર વિભાગ પાડી હજારેક તસવીરોચિત્રો સહિતનું ૪૨૦ પાનાંનું આ ઉપયોગી પ્રકાશન છે. છેલ્લે લઈએ ધીરુભાઈ ઠાકરના પ્રમુખ સંપાદન હેઠળ આરંભાયેલ ‘ગુજરાતી વિશ્વકોશ’. પચીસ દળદાર ખંડોની યોજનામાંના ૨૫ ખંડ પ્રકાશિત થઈ પણ ચૂક્યા છે. શ્રીધર વ્યંકટેશ કેતકર દ્વારા મરાઠીમાં આવો ‘જ્ઞાનકોશ’ પ્રસિદ્ધ થયો હતો અને એનો ગુજરાતી અનુવાદ થાય એ માટે જ્યોતીન્દ્ર દવેના પ્રમુખ સંપાદન હેઠળ ૧૯૨૯માં એક ભાગ પ્રસિદ્ધ પણ થયો હતો પણ એ પછી એની કામગીરી અટકી ગઈ હતી. અહીં તો ધીરુભાઈ ઠાકરે વિવિધ વિષયના નિષ્ણાતોનો સાથ મેળવી એક ભગીરથ સાહસને સારી રીતે અમલમાં મૂકી બતાવ્યું છે. ગુજરાતી સાહિત્ય પરિષદે ૧૨૫૦થી ૧૮૫૦નાં મધ્યકાલીન ગુજરાતી કર્તા-કૃતિની માહિતી આવરી લેતો જયંત કોઠારી, ચંદ્રકાન્ત શેઠ, જયંત ગાડીત સંપાદિત પહેલો ભાગ ‘ગુજરાતી સાહિત્યકોશ’ (મધ્યકાળ), ૧૯૮૯માં અને ૧૮૫૦થી ૧૯૫૦ના અર્વાચીન ગુજરાતી સાહિત્યનાં કર્તા, ગ્રંથો, કૃતિઓ અને પાત્રો વિશેની વીગતપૂર્ણ માહિતી આવરી લેતો ચન્દ્રકાન્ત ટોપીવાળા, રમણ સોની, રમેશ ર. દવે સંપાદિત બીજો ભાગ ‘ગુજરાતી સાહિત્યકોશ’ (અર્વાચીનકાળ) ૧૯૯૦માં ગુજરાતી ભાષા અને સાહિત્યનો ઉદ્ભવ અને વિકાસનો ઇતિહાસ સાહિત્યિક વાદો, સાંસ્કૃતિક સંદર્ભો જેવી પ્રકીર્ણ માહિતીને આવરી લેતો ચન્દ્રકાન્ત ટોપીવાળા અને રમેશ ર. દવે સંપાદિત ત્રીજો ભાગ ‘ગુજરાતી સાહિત્યકોશ’ (પ્રકીર્ણ) ૧૯૯૬માં પ્રસિદ્ધ કર્યો છે. રમણ સોનીએ ‘સમયદર્શી સાહિત્યસંદર્ભ કોશ’ ભાગ ૧થી ૪ (૨૦૧૨, ૨૦૧૨, ૨૦૧૩, ૨૦૧૭) આપ્યો છે. જેમાં ભાગ-૧ ‘કર્તાકોશ’ ભાગ-૨, ‘કૃતિ સંદર્ભ-૧’ ભાગ-૩ ‘સૂચિસંદર્ભ’ ભાગ-૪ ‘કૃતિસંદર્ભ-૨’નો સમાવેશ થાય છે. આ સંદર્ભકોશ અર્વાચીન ગુજરાતી સાહિત્યનાં લેખકો અને કૃતિઓનું કાલાનુક્રમે નિરૂપણ કરતો કોશ છે. ગ્રંથ-૧ કર્તાસંદર્ભમાં જન્મવર્ષ ૧૭૮૪થી જન્મવર્ષ ૧૯૮૩ સુધીના ૨૦૦ વર્ષના સમયગાળાના, ૩૦૦૦ લેખકોની વિગતોને દાયકાવાર વર્ગીકરણની પદ્ધતિએ મૂકેલી છે. ગ્રંથ-૨ કૃતિસંદર્ભમાં ઈ. ૧૮૦૮ આસપાસથી ઈ. ૨૦૦૦ સુધીની ૨૫૦૦૦ ઉપરાંત કૃતિઓ(ગ્રંથ)ને ૨૧ સ્વરૂપ વિભાગોમાં વર્ગીકૃત કરીને, એ પ્રત્યેક વિભાગની કૃતિઓને દાયકાવાર વર્ગીકરણની પદ્ધતિએ મૂકેલી છે. ગ્રંથ-૩ ‘સૂચિસંદર્ભ’માં ગ્રંથ-૨ની બધી કૃતિઓને અકારાદિક્રમે મૂકેલી છે. ગ્રંથ-૪ કૃતિસંદર્ભઃ૨માં ઇ. ૨૦૦૧થી ૨૦૧૩ સુધીની ૫,૫૦૦ ઉપરાંત કૃતિઓ (ગ્રંથો)ને ૨૧ સ્વરૂપ-વિભાગોમાં વર્ગીકૃત કરીને, એ પ્રત્યેક વિભાગની કૃતિઓ (ગ્રંથો)ને વર્ષવાર વર્ગીકરણ પદ્ધતિએ મૂકેલી છે. ટીના દોશીએ ‘ભારતીય મહિલા વિશ્વકોશ’ (૨૦૧૫) આપ્યો છે. જેમાં વેદથી મહાભારત સુધીની સ્ત્રીઓની સ્થિતિનો ઉલ્લેખ જોવા મળે છે. ર.ના., કી.શા.