ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ગ/ગુજરાતી દ્વિરુક્ત પ્રયોગો
ગુજરાતી દ્વિરુક્ત પ્રયોગો : ભાષાસંરચનાની દૃષ્ટિએ જેનું મહત્ત્વ હોય તેવા શબ્દ કે પદની દ્વિરુક્તિ વિશેષ ધ્યાન ખેંચે છે. આ શબ્દ કે પદની દ્વિરુક્તિ પ્રસંગાનુસાર પૂર્ણતા-અપૂર્ણતા, નિરંતરતા – અતિશયતા, વર્ગબોધકતા – વ્યાવર્તકતા, પૃથકતા, વિવરણાત્મકતા, આવર્તકતા વગેરે અર્થ દર્શાવે છે. શબ્દસિદ્ધિની દૃષ્ટિએ દ્વિરુક્તિ એ સમાસરચનાનો જ એક પ્રકાર ગણાય છે. પરંતુ સંરચનાની એની આગવી વિશિષ્ટતાને લીધે એનો અલગથી વિચાર કરવામાં આવે છે. ભાષામાં વ્યાકરણિક કોટિમાં અહીં દર્શાવેલા પ્રકારના શબ્દોના દ્વિરુક્ત પ્રયોગો મળે છે. ૧, ક્રિયાવિશેષણાત્મક કૃદંતોમાં ક્રિયાનો સહવ્યાપાર (ચાલતાં ચાલતાં ગીત ગાતી હતી), ક્રિયાની પૂર્વાપરક્રમિકતા (દોડતાં દોડતાં પડી ગયો), બે યોજકો સાથે ક્રિયાનો સહવ્યાવાર (મારા દેખતાં દેખતાં તે ડૂબી ગયો), ક્રિયાની અવધિ (એ પાન વેચતાં વેચતાં બુઢ્ઢો થઈ ગયો), ક્રિયાનું સાતત્ય (એ ઊભા ઊભા થાકી ગયો), ક્રિયાનું આવર્તન (એ ગીત સાંભળી સાંભળીને કંટાળી ગઈ) વગેરે નોંધપાત્ર છે. ૨, ક્રિયાવિશેષણના દ્વિરુક્ત પ્રયોગોમાં રીતિવાચક (ધીમે ધીમે કુસુમરજ લઈ...), સ્થળવાચક (જ્યાં જ્યાં નજર મારી ઠરે), કાળવાચક (જ્યારે જ્યારે મને મૃણાલ યાદ આવે છે), દિશાવાચક (મારી આગળ આગળ ન ચાલ), સાહચર્યવાચક (તે મારી સાથે સાથે આવી), રવાનુકારી (રમેશે ધડાધડ બારીઓ બંધ કરી) વગેરે મુખ્ય છે. ૩, વિશેષણના દ્વિરુક્ત પ્રયોગોમાં અધિકતા દર્શાવતા કદવાચક (ઊંચાં ઊંચાં મકાન), રંગવાચક (લાલલાલ ગાલ), ગુણવાચક (સારાં સારાં કામ), સ્વાદવાચક (ખાટાં ખાટાં ફળ) છે. વિરોધદર્શક (મને તો ગંદાં ગંદાં કપડાં પહેરાવે છે અને ભાઈને સારાં સારાં) અને તીવ્રતાની ઘટતી માત્રા દર્શાવનાર પ્રયોગો (એની આંખો જરા પીળી પીળી લાગે છે) પણ છે. ઉપરાંત સંખ્યાવાચક વિશેષણોમાં પ્રત્યેકતાનો અર્થ દર્શાવનાર (બધાંને ત્રણ ત્રણ બિસ્કીટ આપી), અપૂર્ણ સંખ્યાવાચકો અને ક્રમવાચકો છે. ૪, સંજ્ઞાના દ્વિરુક્ત પ્રયોગોમાં વિતરણવાચક (દુકાને દુકાને ભાવનાં પાટિયાં છે), ભારવાચક (રમતરમતમાં મને ખીલી વાગી) વ્યાવર્તકતા કે વર્ગબોધકતાના વાચક (છોકરીઓ છોકરીઓ લંગડી રમે છે), વિચ્છિન્ન સમયવાચક (કલાકે કલાકે દવા ખાવાની છે) વગેરે વિશેષ કારગત બને છે. ૫, સર્વનામના દ્વિરુક્ત પ્રયોગોમાં પુરુષવાચક (તમે તમે કરીને મારો જીવ ન ખા), સ્વવાચક (પોતપોતાનું કામ), સાપેક્ષતાવાચક (જે જે તે તે), અનિશ્ચિતતાદર્શક (કોઈ કોઈ), પ્રશ્નાર્થવાચક (કોણ કોણ), વિતરણવાચક (દરેકે દરેકને પૂછી જોયું) વગેરે ભેદ કરી શકાય. આ ઉપરાંત સાદા તેમજ વૃત્તિવાચક સહાયકારીની સાથે મુખ્ય ક્રિયાના દ્વિરુક્ત પ્રયોગો પણ જોવા મળે છે : આવો આવો; બેસો બેસો. દ્વિરુક્ત શબ્દોની વચ્ચે કોઈ ને કોઈ અંશ સંયોજક તરીકે વચ્ચે રાખીને પણ પ્રયોગ થાય છે : એકનું એક કામ; મનમાં ને મનમાં. બાળકોની ભાષામાં પણ દ્વિરુક્તિથી સધાયેલા અનેક શબ્દ મળે છે : ભૂભૂ ઘરઘર, છી છી. પશુપ્રાણીઓના અવાજ દર્શાવતા શબ્દ પણ દ્વિરુક્ત છે : કાકા, બેંબેં હૂપહૂપ. સાહિત્યમાં, ખાસ કરીને લોકકથા-લોકગીતોમાં દ્વિરુક્તપ્રયોગો છૂટથી થતા હોય છે. ઊ.દે.