ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ગ/ગુજરાતી પત્રસાહિત્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search



ગુજરાતી પત્રસાહિત્ય : આધુનિક સંચારવ્યવસ્થાનાં અત્યંત ત્વરિત ઇલેક્ટ્રોનિક માધ્યમો વચ્ચે પત્રલેખનનું માધ્યમ કાલગ્રસ્ત થશે તો પણ એનું મહત્ત્વ ઓછું થવાનું નથી. પત્રોની અપરોક્ષતા, વિચાર નહીં પણ વિચારતા ચિત્તની એમાં રજૂ થતી સદ્ય પ્રતિક્રિયાઓ, લેખિતનું નહિ પણ એમાં લેખનનું ઊપસતું પોત – આ સર્વ લેખકની પત્ર-પ્રતિભાને છતી કરે છે. લેખકની સાહિત્યિક વૃત્તિઓનાં વિવેચન કે એની જીવનકથા માટે એ આધારસ્રોત બને છે પણ સાથે સાથે પત્રલેખનનું એક પોતીકું સૌન્દર્ય પણ છે. ગુજરાતી સાહિત્યના અર્વાચીનકાળને નર્મદના અન્ય સાહિત્યપુરુષાર્થોમાં તેમ એના પત્રસાહિત્યમાં પણ ઊઘડતો જોઈ શકાય છે. વિશ્વનાથ ભદૃ દ્વારા ‘નર્મદનું મન્દિર’ (ગદ્યવિભાગ, ૧૯૩૭)માં સંચિત નર્મદના ૧૪ પત્રો પરથી ઘડાતા આવતા ગુજરાતી ગદ્યની પહેલી છબી મળે છે. નંદશંકરને ‘હું તમારા શહેરમાં એક ક્યારેક્ટર છઉં’ જેવા પત્રમાં જીવંત ઉદ્ગાર પાઠવતો નર્મદ અન્ય પત્રોમાં હિન્દી ભાષાને નેશનલ ભાષા રાખવાથી માંડી સ્ત્રીસ્વાતંત્ર્ય સુધીની ચર્ચા બોલચાલની છટાઓ સાથે કરતો જોવાય છે. ‘કાન્તમાલા’(૧૯૨૪)માં અને ‘પ્રસ્થાન’ વગેરે સામયિકોમાં પ્રકાશિત ‘કાન્ત’ના પત્રો પણ અત્યંત મૂલ્યવાન ગણાયા છે. એમાં એમના બાહ્યજીવનની ક્રમિક ઘટનાઓનો તો ખ્યાલ આવે છે પણ એ ઉપરાંત એમના ભાવવિશ્વની પણ ઝાંખી થાય છે. ખાસ તો એમની ઉગ્ર ધર્મશોધ અને એમનો ધર્મસંઘર્ષ અનેક પ્રકારની અભિવ્યક્તિઓમાં ઢળ્યો છે. મુનિકુમાર ભટ્ટ દ્વારા સંપાદિત ‘કલાપીના ૧૪૪ પત્રો’ (૧૯૨૫) અને જોરાવરસિંહજી સુરસિંહજી ગોહિલ દ્વારા સંપાદિત ‘કલાપીની પત્રધારા’(૧૯૩૧)માં કલાપીએ સાહિત્યિક મિત્રોને, સ્નેહીઓને અને પરિવારજનોને લખેલા પત્રો સંગ્રહિત કરવામાં આવ્યા છે. એમાં કલાપીનું ઊર્મિઘેલું વ્યક્તિત્વ પારદર્શક રીતે પ્રગટ થયું છે. એમનાં તીવ્ર મનોમંથનોને ઝીલતી ભાષામાં જીવંતતાનો સ્પર્શ છે. આ પછી ગાંધીજીના પત્રો ધ્યાન ખેંચે છે. આશ્રમની બહેનોને, પ્રેમાબેન કંટકને, ગંગાસ્વરૂપ ગંગાબહેનને, છગનલાલ જોશીને, નારણદાસ ગાંધીને, પ્રભાવતીબહેનને વગેરેને ગાંધીજી દ્વારા લખાયેલા અસંખ્ય પત્રોમાં સીધી અભિવ્યક્તિની સરલ છટાઓ સહિત ગદ્યની મિતાક્ષરી સમૃદ્ધિ જોઈ શકાય છે. કાકા કાલેલકરના ત્રણ પત્રસંચયો છે : ‘શ્રી નેત્રમણિભાઈને’(૧૯૪૭); ‘ચિ. ચંદનને’(૧૯૫૮) અને ‘વિદ્યાર્થિનીને પત્રો’(૧૯૬૪). પહેલામાં બે મિત્રો વચ્ચેના લાગણીસંબંધો છે, તો બીજામાં કૌટુંબિકજીવનની માર્મિક રેખાઓ અને નારીધર્મને લગતા મુદ્દાઓ છે. મહાદેવભાઈ દેસાઈ અને નરહરિ પરીખના ‘તારુણ્યમાં પ્રવેશતી કન્યાને પત્રો’(૧૯૩૭)માં તારુણ્યમાં પ્રવેશતી કન્યાની મૂંઝવણોને માર્ગદર્શન અપાયું છે. ‘કુલપતિના પત્રો’ રૂપે કનૈયાલાલ મુનશીનું પત્રલેખન પણ અહીં સંભારી લેવું જોઈએ. ‘કીર્તિદાને કમળના પત્રો’(૧૯૨૪) દ્વારા બટુભાઈ ઉમરવાડિયાએ ગુજરાતી સાહિત્યનો પરિચય કરાવ્યો છે. અંબાલાલ પુરાણીના ‘બંધુ પુરાણીના પત્રો’(૧૯૩૯) અને ‘પથિકનાં પુષ્પો’(૧૯૪૦)માં અરવિંદ તત્ત્વવિચાર સાથે વિવિધ વિષયોની ચર્ચા છે. ‘લિ. સ્નેહાધીન ઝવેરચંદ’(૧૯૪૮)માં સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણીના જુદી જુદી વ્યક્તિઓ પાસે સચવાયેલા અને મળેલા ૨૫૦ પત્રોમાંથી ૧૭૬ પત્રોની પસંદગી થઈ છે. રહી ગયેલા, કુટુંબીજનો અને અતિનિકટના સાથીઓ ઉપરના, અન્ય પત્રોને સમાવી એક બૃહદ પત્રસંચય આ પછી ‘લિ. હું આવું છું’ માં રજૂ થયો છે આ બંને પુસ્તકોમાં પ્રસ્તુત મેઘાણીના પત્રજીવનમાંથી એમની અંતરછબિ ઊપસતી જોવાય છે. એમાં આવતાં છૂટાંછવાયાં આત્મચિત્રો આકર્ષક છે. સાહિત્યકાર કિશનસિંહ ચાવડાના ‘હિમાલયની પત્રયાત્રા’(૧૯૬૪)માં પ્રવાસ અને પત્રનું સમન્વિતરૂપ છે. એમાં ખરેખર તો આંતરયાત્રા અને પોતાના સ્વરૂપને પામવાની મથામણ રજૂ થઈ છે. સ્વામી આનંદ અને મકરંદ દવે વચ્ચે ચાલેલા વીસ વર્ષના પત્રવ્યવહારને ‘સ્વામી અને સાંઈ’(૧૯૯૩)માં હિમાંશી શેલતે સંપાદિત કરીને મૂક્યો છે. અહીં બંનેના ‘ઉઘાડા દિલનો દસ્તાવેજ’ છે અને બંને તળપદી સમૃદ્ધિ સાથે વાચકને ‘બાદશાહીપણું’ ધરે છે. દર્શકના પત્રોને ‘ચેતોવિસ્તારની યાત્રા’ (૧૯૮૭) અને ‘પત્રતીર્થ’ (૧૯૯૦)માં મૃદુલાબેન પ્ર. મહેતાએ પસંદગી કરી મૂક્યા છે. અંગતતા અને આત્મીયતાનો સૂર તેમજ પ્રકૃતિથી માંડીને અધ્યાત્મ, રાજકારણથી માંડીને સાહિત્ય સુધીના વિષયો ધ્યાન ખેંચે છે. અહીં હીરાબેન પાઠકનો ‘પરલોકે પત્ર’ (૧૯૭૦)માં કાવ્યો રૂપે પ્રગટેલો હૃદયદ્રવ અને રાજેન્દ્ર શુક્લનો ‘જત જણાવવાનું તને’ ગઝલ રૂપે પ્રગટેલો પત્રખુમાર વિસારે પાડવા જેવો નથી. ચં.ટો.