ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ગ/ગુજરાતી પ્રકાશનપ્રવૃત્તિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search



ગુજરાતી પ્રકાશનપ્રવૃત્તિ: ૧૬૭૦માં ઇસ્ટ ઇન્ડિયા કંપનીના એજન્ટ ભીમજી પારેખે બ્રિટિશ સરકારને ગુજરાતી બીબાં પાડવાની તેમજ મુદ્રણકળાની જાણકારી ધરાવતા માણસને ભારત મોકલવાની વિનંતી કરી હતી પરંતુ એમનો એ પ્રયત્ન સફળ થયો ન હતો. આ દરમ્યાન શિલાછાપ મુદ્રણકળાથી પુસ્તકો છપાતાં રહ્યાં. છેક ૧૭૯૭માં મુંબઈથી પ્રગટ થતા અંગ્રેજી વર્તમાનપત્ર ‘બોમ્બે કુરિયર’માં છપાયેલી ગુજરાતી જાહેરખબર રૂપે સૌપ્રથમ ગુજરાતી બીબાંના છાપકામનો આરંભ થયો હતો. ૧૮૧૨માં ફરદુનજી સ્વતંત્ર ગુજરાતી મુદ્રણાલય સ્થાપે છે અને પ્રથમ ગુજરાતી ‘હિન્દુ પંચાંગ’ છાપે છે. આ ઉપરાંત તે કેટલાંક પારસી પુસ્તકોના ગુજરાતી તરજુમા પણ પ્રકાશિત કરે છે. ૧૮૭૦માં મહાદેવ રામચંદ્ર જાગુષ્ઠે ધર્મભાવનાથી પ્રેરાઈને ગુજરાતી ગ્રન્થપ્રકાશન અને વેચાણકાર્યને વ્યવસાય તરીકે સ્વીકારી બહુધા ધર્મ, વ્રત-ઉત્સવો, મધ્યકાલીન કવિતા અને આખ્યાન જેવા વિષયોમાં પુસ્તકો પ્રકાશિત કર્યા હતાં. ગુજરાતી વાચકોને વાજબી કિંમતે સારું સાહિત્ય મળી રહે એવા શુભાશયથી દુર્ગારામ મહેતાજી ‘પુસ્તક પ્રસારક મંડળી’ સ્થાપે છે તો, ૧૮૪૮માં એલેક્ઝાંડર કિન્લોક ફાર્બસની પ્રેરણા અને સહાયથી ગુજરાત વર્નાક્યુલર સોસાયટી (હાલની ગુજરાત વિદ્યાસભા)ની રચના થાય છે. વિદ્યાસભાએ તેની નાનાવિધ પ્રવૃત્તિઓ પૈકી પ્રકાશનપ્રવૃત્તિ અન્તર્ગત સંસારસુધારા જેવા વિષય પર ૮૧ પુસ્તકો એ કાળે પ્રકાશિત કરીને સામાન્ય પ્રજામાં વાચનભૂખ જગાડી હતી. ઇચ્છારામ સૂર્યરામ દેસાઈ અને હરગોવિંદદાસ કાંટાવાળા તથા નાથાશંકર શાસ્ત્રી જેવા પ્રકાશકોએ મધ્યકાલીન ગુજરાતી કવિતાના સંચયો પ્રકાશિત કરીને ગુજરાતી પ્રજાની કાવ્યપ્રીતિ કેળવવાનું પાયાનું કામ કર્યું છે. એ જ અરસામાં ગોવર્ધનરામ મા. ત્રિપાઠીના ભાઈ નિર્ભયરામ ત્રિપાઠીએ ૧૮૮૮માં એન.એમ. ત્રિપાઠીની કંપની શરૂ કરીને ગુજરાતી ભાષાસાહિત્યને પ્રતિષ્ઠા અપાવે એવાં પુસ્તકો પ્રગટ કર્યાં છે. ઓગણીસમી સદીના અંતભાગે રતનજી ફરામજી શેઠના પ્રથમ ગુજરાતી જ્ઞાનકોશ ‘જ્ઞાનચક્ર’ના પ્રકાશનની યોજના કરે છે. ‘જ્ઞાન પ્રસારક મંડળી’ દ્વારા આ યોજનાને આર્થિક મદદ મળે છે. પોતાનાં ગીતા ઉપરનાં વ્યાખ્યાનોનાં ઉદ્ધરણો ધરાવતી ગીતાની આવૃત્તિની ઊંચી કિંમત જોઈને અકળાઈ જતાં, ભિક્ષુ અખંડાનંદજીએ, વાચકને સારું-શિષ્ટ સાહિત્ય સસ્તી કિંમતે મળી રહે એવી સમર્પણ ભાવનાથી ૧૯૦૭માં ‘સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય’ની સ્થાપના કરીને ધર્મ, આયુર્વેદ, નીતિબોધ અને ચરિત્રસાહિત્યના વિષયોમાં ગ્રન્થશ્રેણીઓ પ્રકાશિત કરી છે. ગ્રાહક પાસેથી વાર્ષિક લવાજમ લઈને પ્રકાશિત કરેલી ‘વિવિધ ગ્રન્થમાળા’ નામની ગ્રન્થશ્રેણીની ૫,૦૦૦ પ્રતો એ સમયમાં વેચીને, સારું સાહિત્ય પણ સસ્તું શી રીતે વેચી શકાય તેનું દૃષ્ટાંત પૂરું પાડ્યું છે. વીસમી સદીના પૂર્વાર્ધમાં આરંભે ગાંધીસાહિત્ય અને પછીથી વ્યાવસાયિક ધોરણે સઘળાં વિષય-સ્વરૂપોમાં પુસ્તકપ્રકાશન કરનારાં પ્રકાશનગૃહોમાં ગાંધી સાહિત્યમંદિર, ગૂર્જર ગ્રન્થરત્ન કાર્યાલય, નવયુગ સાહિત્યમંદિર, આર.આર. શેઠની કંપની, ભારતીય સાહિત્યસંઘ, સૌરાષ્ટ્ર પ્રકાશનમંદિરનો સમાવેશ થાય છે. આઝાદી પૂર્વે ગુજરાતના વડોદરા તથા ગોંડલના રાજવીઓ અનુક્રમે સયાજીરાવ તથા ભગવતસિંહે પણ પ્રજાની કેળવણી માટે પ્રત્યેક ગામમાં પ્રાથમિકશાળા તથા ગ્રન્થાલયની સુવિધા ઊભી કરી હતી. ગ્રન્થપ્રકાશન અને ગ્રન્થાલયપ્રવૃત્તિ વિકસે એ માટે પોતાના રાજ્યમાં પ્રકાશનવિભાગ શરૂ કરીને વિવિધ પુસ્તકશ્રેણીઓ પ્રકાશિત કરી છે. તે પૈકી ‘સયાજી સાહિત્યમાળા’ તથા ‘સયાજી બાલસાહિત્યમાળા’ સુવિદિત છે. ભગવતસિંહે વર્ષોની જહેમત ઉઠાવીને, પોતાના રાજ્યમાં શબ્દકોશવિભાગ ચલાવીને રાજ્યના વિદ્યાધિકારી તથા કોશકાર્યાલયના સંચાલક ચંદુલાલ બહેચરદાસ પટેલની સહાયથી નવ ખંડોમાં વિભાજિત ગુજરાતી શબ્દકોશ ‘ભગવદ્ગોમંડલ’નું પ્રકાશન પડતર કરતાં પણ ઓછી કિંમતે કર્યું છે. આઝાદી પછીના સમયમાં આ પ્રકારે સ્વયંસેવી સંસ્થાઓમાં લોકમિલાપ, પરિચય ટ્રસ્ટ, જ્ઞાનગંગોત્રી ટ્રસ્ટ, યુનિવર્સિટી ગ્રન્થનિર્માણ બોર્ડ, ચુનીલાલ ગાંધી વિદ્યાભવન, ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તકમંડળ વગેરે સરકારી, અર્ધસરકારી તથા પ્રજાકીય સંસ્થાઓએ ગ્રન્થોત્તેજક પ્રવૃત્તિ આગળ વધારી છે. ર.ર.દ.