ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ગ/ગુજરાતી પ્રત્યયો

From Ekatra Wiki
Jump to navigation Jump to search



ગુજરાતી પ્રત્યયો: પ્રત્યય એ ભાષાના સ્વતંત્ર ઘટકો નથી. તે તો સંકુલ શબ્દના એક ભાગરૂપ છે. શબ્દની અરસપરસ તુલના કરતાં જણાશે કે અમુક શબ્દમાં એક કરતાં વધારે સાર્થ ઘટકો હોય છે. જેમકે બનાવટ(બન્+આ+વટ), અણગમતું (અણ+ ગમ+ત્+ઉં), ભાઈભાંડુ(ભાઈ+ભાંડુ), બનશે (બન્+શ્+એ), છોકરે (છોકર+એ)... આ ઘટકોમાંથી અમુક ઘટક પ્રધાન તો અમુક ઘટક ગૌણ હોય છે. આ દૃષ્ટિએ જોતાં જે ઘટક ગૌણ હોય, બદ્ધ હોય (એટલેકે મુક્ત રીતે ભાષામાં ન વાપરી શકાતો હોય) અને અર્થવત્ હોય તેને પ્રત્યય કહી શકાય. પ્રત્યયની પૂર્વેના કે પછીના અંશને પ્રકૃતિ કે અંગ કહી શકાય. પ્રત્યય અંગને લાગેલો હોય છે. અંગમાં એક કે વધુ પ્રધાન ઘટકો અથવા એક કે વધુ પ્રધાન ઘટક અને એક કે વધુ પ્રત્યય હોય છે. ‘અંગ’ એટલે શબ્દમાંથી નામિક કે આખ્યાતિક વિભક્તિના પ્રત્યયો કાઢી લેતાં જે બાકી રહે તે. અને ‘પદ’ એટલે વાક્યના અંશ તરીકે સ્વયંપર્યાપ્ત ઘટક તરીકે જે આવે તે. ઉપર આપેલાં ઉદાહરણોમાં બન, ગમ, ભાઈ, ભાંડુ, બન, છોકરું, અંગ છે, જ્યારે ‘-આ, -વટ, અણ-, -ત-, -ઉં, -શ્, -એ’ પ્રત્યયો છે. પ્રકૃતિ કે અંગને પ્રત્યય લાગે છે ત્યારે નવું અંગ અથવા તો વાક્યમાં મુક્ત રૂપે વાપરી શકાતું પદ સિદ્ધ થાય છે. પ્રત્યયો બે પ્રકારના છે: પદસાધક અને અંગસાધક. નામિક અને આખ્યાતિક વિભક્તિના પ્રત્યયો પદસાધક છે. ઉપરનાં ઉદાહરણોમાંથી ‘બનશે’ અને ‘છોકરે’માં રહેલા -‘એ’ પ્રત્યય પદસાધક છે. પદસાધક પ્રત્યયો લાગીને થયેલા સાધિત શબ્દોને કોઈપણ પ્રકારના અન્ય પ્રત્યયો લગાડી શકાય નહીં. જ્યારે અંગસાધક પ્રત્યયો લાગીને સિદ્ધ થયેલા શબ્દને અન્ય કોઈ પ્રકારના પ્રત્યયો લગાડી શકાય જેમકે: મર્+-ણ=મરણ/ મરણ+-ઈય=મરણિય/ મરણિય્+-ઓ=મરણિયો. આમ, શબ્દના મૂળ અંગ અને પદસાધક પ્રત્યયોની વચ્ચે જે અને જેટલા પ્રત્યયો આવે તે અંગસાધક પ્રત્યયો છે. ગુજરાતી ભાષામાં અંગસાધક પ્રત્યયો મૂળ અંગની આગળ કે પાછળ લાગી શકે તે પ્રમાણે એના બે પ્રકાર પાડી શકીએ: પૂર્વપ્રત્યયો અને પરપ્રત્યયો. વળી આ પ્રત્યયો આખ્યાતિક મૂળ અંગને લાગે તો આખ્યાતિક પ્રત્યય અને નામિક મૂળ અંગને લાગે તે નામિક પ્રત્યય કહેવાય. પૂર્વપ્રત્યય: જે પ્રત્યયો મૂળ અંગની પૂર્વે એટલેકે આગળ લાગે તે પૂર્વપ્રત્યય કહેવાય. જેમકે ‘અણગમતું’માં ‘અણ’ પૂર્વપ્રત્યય છે. પૂર્વપ્રત્યય લાગી સિદ્ધ થયેલા અંગને પરપ્રત્યય લગાડી શકાય. જેમકે અ+દેખું = અદેખું +આઈ=અદેખાઈ. પૂર્વપ્રત્યયો આખ્યાતિક તેમજ નામિક અંગોને લાગે છે. પણ આખ્યાતિક અંગને ઓછા પ્રમાણમાં લાગે છે. આવાં અંગોને પૂર્વપ્રત્યય લાગી મુખ્યત્વે વિશેષણ સધાય છે. સંજ્ઞા તો બહુ ઓછી સધાય છે. ક્વચિત્ અવ્યયને લાગીને અવ્યય પણ સધાય છે. પૂર્વપ્રત્યયો કુલ ૬ છે: વણ-, અ-, અણ-, ક-, ન-, સ આમ, પૂર્વપ્રત્યયોનું પ્રમાણ ભાષામાં ઓછું છે. આ છયે પૂર્વપ્રત્યયોમાં ‘વણ-’ પૂર્વપ્રત્યય સૌથી વધુ વ્યાપક છે. ‘વણ-’ પૂર્વપ્રત્યય મુખ્યત્વે ‘અભાવાત્મક અર્થ દર્શાવે છે. ‘અ-’ અને ‘અણ-’ પૂર્વપ્રત્યય ‘અભાવાત્મક’ તેમજ ‘નકારાત્મક’ તો કોઈકવાર ‘વિયુક્તિવાચક’ અર્થ દર્શાવે છે. ‘ન-’ પૂર્વપ્રત્યય ‘અભાવ, વગરનું’ એવો અર્થ સૂચવે છે. ‘ક-’ પૂર્વપ્રત્યય ખરાબ, નઠારું, અયોગ્ય એવો અર્થ દર્શાવે છે. ‘સ’ પૂર્વપ્રત્યય ‘સાથે, સારું’ એવો અર્થ દર્શાવે છે. પૂર્વપ્રત્યયવાળા શબ્દોના પૃથક્કરણ વખતે સૌપ્રથમ તે આખ્યાતિક છે કે નામિક અને નામિક હોય તો તે સંજ્ઞાને લાગે છે કે વિશેષણને તે સ્પષ્ટ કરવાનું રહે. અને પછી તે સંજ્ઞાસાધક છે કે વિશેષણસાધક તેની પણ સ્પષ્ટતા કરવાની રહે. જેમકે ‘વણમાગ્યું’માં ‘વણ’ – પૂર્વપ્રત્યય નામિક: વિશેષણને લાગતો વિશેષણસાધક છે. ‘અભાવ’માં ‘અ-’ પૂર્વપ્રત્યય: નામિક: સંજ્ઞાને લાગતો સંજ્ઞાસાધક છે. હવે દરેક પૂર્વપ્રત્યયનાં થોડાં ઉદાહરણો જોઈએ: વણ-: વણખપ, વણનોતર્યું, વણમાંગ્યું, વણબોલાવ્યું અ-: અકળ, અબોલા, અછત, અબુધ, અજાણ, અનામી, અનોખું, અલેખે અણ-: અણઘડ, અણગમો, અણસમજ, અણધાર્યું, અણમાનીતું ક-: કપૂત, કટેવ, કસુવાવડ, કજોડું, કમુરતાં, કધોણું ન-: નચિંત, નગુરું, નજીવું, નનામું, નમાલું, નધણિયાતું, નછૂટકે સ-: સપૂત, સવેળા, સપાડું, સચોટ, સલખણું, સજોડે આ પૂર્વપ્રત્યયોની નોંધ તેની વ્યાપકતાને હિસાબે કરવામાં આવી છે. જેમકે ‘વણ’સૌથી વધારે વપરાતો તેથી પહેલો અને ‘સ’સૌથી ઓછો વપરાતો તેથી છેલ્લો નોંધ્યો છે. પરપ્રત્યય: જે પ્રત્યયો મૂળ અંગની પાછળ આવે તે પરપ્રત્યય કહેવાય. જેમકે ‘બનાવટ’માં ‘વટ’ પરપ્રત્યય છે. એક પરપ્રત્યય લાગી સિદ્ધ થયેલા અંગને બીજો પરપ્રત્યય લગાડી શકાય. જેમકે ઢોલ + -ઈ = ઢોલી + -ડ(+ ઓ) = ઢોલીડો. પરપ્રત્યયો આખ્યાતિક તેમજ નામિક અંગને લાગે છે એ હિસાબે તેના આ બે મુખ્ય પ્રકાર થયા: આખ્યાતિક પરપ્રત્યયો સંજ્ઞાસાધક તેમજ વિશેષણસાધક હોય છે. સંજ્ઞાસાધક પ્રત્યયો ક્રિયાવાચક કે પરિણામવાચક તથા સાધનવાચક સંજ્ઞા બનાવે છે. વિશેષણસાધક પ્રત્યયો કર્તૃવાચક વિશેષણો બનાવે છે. ક્રિયાવાચક કે પરિણામવાચક પ્રત્યયો મૂળ આખ્યાતિક અંગની ક્રિયાનો ભાવ કે ક્રિયામાંથી નીપજતા પરિણામનો ભાવ દર્શાવે છે. સાધનવાચક પ્રત્યયો ‘સાધન કે કરણ’નો ભાવ સૂચવે છે. કર્તૃવાચક પ્રત્યયો ‘ક્રિયાનો કરનાર, વિશેષણવાચક, કરવાની ટેવવાળું, સ્વભાવ, વૃત્તિ કે શક્તિવાળું, ક્રિયા કરતું...’ વગેરે અર્થો દર્શાવે છે. પરપ્રત્યયોની નોંધ તેમાંથી લિંગવાચક પ્રત્યય દૂર કરીને કરવામાં આવે છે. જેમકે ‘ઢોલીડો’માંથી -‘ઓ’ લિંગવાચક પ્રત્યય બાદ કરતાં, -‘ડ’-પરપ્રત્યય ગણાય છે. જે પ્રત્યય આવાં લિંગવાચક પ્રત્યય લે તે વ્યક્તલિંગવાચક અને જે પ્રત્યય આવા લિંગવાચક પ્રત્યય ન લે તે અવ્યક્તલિંગવાચક પ્રત્યય ગણાય. બીજું, મૂળ આખ્યાતિક અંગ સાદું, કર્મણિ કે પ્રેરક જુદું તારવ્યા પછી, પરપ્રત્યય લાગે છે. વળી, આ પ્રત્યયો પણ મૂળ અંગને (એટલે મૂળ અંગમાંથી લિંગવાચક પ્રત્યય બાદ કરતાં, બાકી રહેતા અંગને) લાગે છે. જેમકે ‘ઊંચું’ (ઊંચો, ઊંચી)’માંથી મૂળ અંગ ઊંચ + -આઈ = ઊંચાઈ. આખ્યાતિક પરપ્રત્યયો કુલ ૧૬ છે: ૧, અપ્રત્યય, ‘અપ્રત્યય’ એટલે દેખીતો કોઈ પ્રત્યય ન હોય પણ તેનું અદર્શન પ્રત્યયનું કાર્ય તો બજાવે જ. ઘણા વ્યાકરણકારો આને ‘શૂન્ય પ્રત્યય’ કહે છે. ૨, ણ ૩, આર ૪, -આટ ૫, -આઈ ૬, -ત ૭, -ક ૮, -તર ૯, -ટ ૧૦, -આશ ૧૧, -ઈય ૧૨, -ડ ૧૩, -નાર ૧૪, -ઉ ૧૫, -આઉ ૧૬, -કણઆ પ્રત્યયોની નોંધ તેની વ્યાપકતાના હિસાબે કરવામાં આવી છે. આખ્યાતિક પરપ્રત્યયનાં ઉદાહરણો: (જેનું પૃથક્કરણ પૂર્વપ્રત્યયમાં આપેલાં ઉદાહરણો પ્રમાણે કરવાનું રહે) ૧, થાક, ઉછેર, ઊપજ, ખમણ, આંચકો, જોડી, છાપું, ખમણી, ઉઘાડું, ૨, ગૂંચવણ, છપામણ, આંજણ, વેચાણ, કમાણી, ખાણું, પહેરણ, ચાળણી, ઉગમણું, ૩, ભંગાર, ધબકાર, ધસારો, કંપારી, પીંજારો, ઠગારું, ૪, ઉકળાટ, ઘુઘવાટો, ૫, કમાઈ, લડાઈ, ૬, આવડત, ભરત, ચડતી, ૭, આવક, કૂદકો, ડૂબકી, ફૂલકું, ૮, ઘડતર, ભણતર, ગણતરી, ૯, ફાવટ, બનાવટ, ૧૦, બકવાસ, બોલાશ, ૧૧, ચીપિયો, ઝાપટિયું, ૧૨, શારડો, ઝૂલડી, ૧૩, ગાનાર, ગાનારો/-૦રી/-૦રું, ૧૪, ખેડુ, સમજુ, ૧૫, ઉપજાઉ, શિખાઉ, ૧૬, કરડકણું, બોલકણું.... નામિક અંગને લાગતા પરપ્રત્યયો તે નામિક પરપ્રત્યયો છે. નામિક પરપ્રત્યયો સંજ્ઞાને લાગતા, વિશેષણને લાગતા, સર્વનામને લાગતા – એમ ત્રણ પ્રકારના હોય છે. સંજ્ઞાને લાગતા પ્રત્યયો સંજ્ઞાસાધક અને વિશેષણસાધક હોય છે. વિશેષણને લાગતા પ્રત્યયો પણ સંજ્ઞાસાધક તેમજ વિશેષણસાધક હોય છે. સર્વનામને લાગતા પ્રત્યયો વિશેષણસાધક તથા ક્રિયાવિશેષણસાધક હોય છે. સંજ્ઞાસાધક પ્રત્યયો અમૂર્ત સંજ્ઞા, સંબંધવાચકસંજ્ઞા અને સાધનવાચકસંજ્ઞા બનાવે છે. વિશેષણને લાગતા પ્રત્યયો સંખ્યાવાચક વિશેષણનાં અંગોને લાગે કાં તો તે સિવાયનાં વિશેષણોને લાગે. સંજ્ઞાને લાગતા સંજ્ઞાસાધક પ્રત્યયો અમૂર્ત સંજ્ઞાનો, વૃત્તિ કે આચરણનો... વગેરે અર્થ દર્શાવે. સંબંધવાચક સંજ્ઞા બનાવતા પ્રત્યયો ‘ધંધાવાચક કે સ્વામિત્વવાચક, કર્તૃવાચક, સ્વભાવ કે ટેવ...’ વગેરે અર્થો સૂચવે છે. સાધનવાચક સંજ્ઞા ‘સાધન કે કરણ’નો અર્થ સૂચવે છે. સંજ્ઞાને લાગતા વિશેષણસાધક પ્રત્યયો ‘સ્વભાવ કે વર્તન’, ‘સાદૃશ્ય’, ‘-નું બનેલું’, ‘ત્યાંનું, તેને લગતું’, ‘સ્વામિત્વવાચક’, ‘કર્તૃવાચક’... વગેરે અર્થો દર્શાવે. વિશેષણને લાગતા સંજ્ઞાસાધક પ્રત્યયો અમૂર્ત સંજ્ઞાનો, આછાપણાનો કે છટાનો ભાવ, ‘હોવાનો ભાવ’ કે તિથિવાચક સંજ્ઞાનો અર્થ સૂચવે. વિશેષણને લાગતા વિશેષણસાધક પ્રત્યયો અધિકતાવાચક, ક્રમવાચક ‘-થી ગુણતાં આવે એટલું’, ‘પડ’ વગેરેનો’ અર્થ સૂચવે. સર્વનામને લાગતા પ્રત્યયો ‘જથ્થાવાચક, સાદૃશ્યવાચક, કદવાચક, રીતિવાચક, સમયવાચક, સ્થળવાચક’... વગેરે અર્થો દર્શાવે. નામિક પરપ્રત્યયો કુલ ૩૦ છે: ૧, -ઈય ૨, -ઈ ૩, -આટ ૪, -આળ ૫, -આઈ ૬, અપ્રત્યય ૭, -આશ ૮, -ઈલ ૯, -૫, ૧૦, -હાર ૧૧, -એર૧૨, -વટ ૧૩, -યલ/યેલ ૧૪, -આર્ ૧૫, -પણ ૧૬, -આત ૧૭, -આણ ૧૮, -મ ૧૯, -ઉ ૨૦, -ગર ૨૧, -આઉ ૨૨, -‘ગણ’૨૩, -વડ૨૪, -સ/-શ ૨૫, -‘ક’૨૬, -‘ટેલ’ ૨૭, -‘વ’૨૮, -આર્ (+એ) ૨૯, -આં ૩૦, -હીં આ બધા પ્રત્યયોની નોંધ તેની વ્યાપકતાનો હિસાબે કરવામાં આવી છે. નામિક પરપ્રત્યયનાં ઉદાહરણો: (જેનું પૃથક્કરણ પૂર્વપ્રત્યયમાં આપેલાં ઉદાહરણો પ્રમાણે કરવાનું રહે.) ૧, કાપડિયો, ભાતિયું, ઉતાવળિયું, ૨, પાડોશી, કોંગ્રેસી, ૩, કકળાટ, થનગનાટ, ચીચવાટો, ધણધણાટી, ૪, ડુંગરાળ, લટકાળું, ૫, માણસાઈ, ચોકસાઈ, ૬, ખોટી, ત્રાસ, ઉતાવળ વહાલ, જુવાની, બીજ, દશમ, ગોબરું, ૭, કચાશ, મીઠાશ, ૮, છબીલું, હોંશીલું, ૯, ઊણપ, અંધાપો ૧૦, તારણહાર/ ૦ હારો / -હારી/ -હારું, ૧૧, નાનેરું, આઘેરું, ૧૨, વહીવટ, ઘરવટ, દેશવટો, દિયરવટું, ચોખવટ, ૧૩, કળાયલ, ઘાયલ, રૂયેલ, ૧૪, કંસારો, પાણિયારી, ૧૫, ગાંડપણ, ભોળપણ, ૧૬, આંગળિયાત, રળિયાત, ૧૭, ઊંચાણ, કડવાણી, ધીંગાણું, ૧૮, નાનમ, નવમું, આમ, ૧૯, આળસુ, શિયાળુ, ૨૦, તેડાગર, મુંબઈગરું, ૨૧, ખેતરાઉ, સૂતરાઉ, ૨૨, છગણું, ૨૩, બેવડું, કેવડું, ૨૪, અગિયારસ, ૨૫, એક્કો, દશકો, ૨૬, એટલું, જેટલું, ૨૭, જેવું, તેવું, ૨૮, જ્યારે, ક્યારે, ૨૯, ક્યાં, ત્યાં, ૩૦, અહીં, જહીં. બીજા નામિક પરપ્રત્યયો કરતાં અંગવિસ્તારક પરપ્રત્યયનું કાર્ય ભિન્ન છે. ઘણાં નામિક અંગોમાં એવા પરપ્રત્યયો લાગેલા જોવા મળે કે જેનાથી લઘુતા, ન્યૂનતા, હ્રસ્વતા, અલ્પતા, તિરસ્કાર, તોછડાઈ, અપકર્ષ, તુચ્છતા, કુત્સા, ઘૃણા, હલકાપણું, ઊતરતાપણું, વ્હાલ-લાડ, કોમળતા, મધુરતા, લાલિત્ય, અનુકંપા, સ્વાર્થ... વગેરે ભાવો સૂચવાય છે. આ પ્રત્યયો સરવાળે તો મૂળના નામિક અંગનો વિસ્તાર સાધવાનું કાર્ય કરે છે. તેથી તેને અંગવિસ્તારક પરપ્રત્યયો કહેવામાં આવે છે. ગુજરાતી ભાષામાં આ જાતના પરપ્રત્યયોનું પ્રમાણ ઘણું છે. આવા પરપ્રત્યયોમાં અમુક પરપ્રત્યયો મુખ્ય અને એકવડા છે. બાકીના પરપ્રત્યયો આ મુખ્ય પરપ્રત્યયોનું જ વિસ્તૃત સ્વરૂપ છે. તેમાં સંયોજક તરીકે કોઈ સ્વર કે સ્વર-વ્યંજન આવતા હોય છે. આ પરપ્રત્યયોમાંથી ઘણાં અંગોને એક કરતાં વધુ પરપ્રત્યયો લાગે છે. અને ઘણુંખરું આવાં અંગો કાવ્યભાષામાં તથા લાલિત્યનો ભાવ વ્યક્ત કરવા વપરાય છે. તે બેવડા અંગવિસ્તારક પરપ્રત્યયો કહેવાય છે. આ અંગવિસ્તારક પરપ્રત્યયો વ્યક્તિવાચક સંજ્ઞાને પણ લગાડવામાં આવે છે. મુખ્ય કે એકવડા અંગવિસ્તારક પરપ્રત્યયો કુલ આઠ છે: ૧, -ડ ૨, -લ ૩, અપ્રત્યય ૪, -ક ૫, -ટ ૬, -ખ ૭, -બ૮, -ઉ. તેનાં વિસ્તૃત રૂપો કુલ ૨૩ છે: ૯, -ઓડ ૧૦, -આડ ૧૧, -ડિય ૧૨, -ઈડ૧૩, -ઓડિય૧૪, -લિય૧૫, -ઊલ૧૬, ઓલિય૧૭, -ઉલિય૧૮, -ઈવ૧૯, -આક ૨૦, -ઈક ૨૧, -ઊક ૨૨, -કુડ૨૩, -કુડિય ૨૪, -ઓટ ૨૫, -આટ ૨૬, આટિય ૨૭, -આળ ૨૮, -ઓળિય ૨૯, -વ ૩૦, -ઊડ ૩૧, -ઉડિય. અંગવિસ્તાર પરપ્રત્યયનાં ઉદાહરણો: ૧, ઢેલડ, કાગડો, આંખડી, ગામડું, કાંતાડી, એકડો, ૨, નણદલ, ખાટલો કાપલી, ડગલું, રામલો, હંસલી, રોતલ, ઉપલું. ૩, કળશો, ડાળી, આંગણું, ભટનો, રતની, મૂરખું, ૪, ઢોલક, છેલકો, ટોળકી, હાડકું, ધીરકો, હીરકી, છૂટક, હલકું, ૫, ચોરટો, રાનટી, પાકટ, ચીકટું, ૬, લૂમખો, ડાળખી, માળખું, ૭, ગૂંચળો, વીજળી, ગૂંચળું, શામળું, ૮, બાપુ, ભાભુ જયુ, રંજુ ૯, વાંસોડ, લીટોડો, રાખોડી, મટોડું ૧૦, સીમાડો, ધુમાડી, વાડું, ખોટ્ટાડું, ૧૧, ગરબડિયો, પેટડિયું, બાબુડિયો, વાંકડિયું ૧૨, દેરીડો, વાલીડું, ૧૩, તારોડિયો, બાથોડિયું, નાગોડિયું ૧૪, ચાંદલિયો, ચોખલિયું, ૧૫, ઘડૂલો, મઢૂલી, ૧૬, સાપોલિયું, ૧૭, દડુલિયો, નંદુલિયો, ૧૮, આગળિયો, આસનિયું, અરવિંદિયો, અભાગિયું, ૧૯, ફટાક, ધડાકો, ૨૦, ડંડીકો, પડીકી, પડીકું, જરીક, ૨૧, ડંડૂકો, મટૂકી, વધૂકું, ૨૨, ધેલકુડું, ધીરકુડો, હીરકુડી, ૨૩, ધીરકુડિયો, નાનકુડિયું, ૨૪, હાકોટો, હથોટી, પાઘોટું ૨૫, ચોરાટ, ઝપાટો, રૂંવાટી, રૂંવાટું, ૨૬, ચોરાટિયો, ૨૭, પેટાળ, ગોટાળો, કૂંડાળું, ૨૮, ડાફોળિયું, ૨૯, લાડવો, ઝાડવું, કેશવો, જેઠવી, ભડવો, હળવું, ૩૦, ઘંટૂડો, ચાંચૂડી, વિનુડો, પ્રીતુડી, લટુડું, ૩૧, કાનુડિયો, નાનુડિયો... બેવડા અંગવિસ્તારક પરપ્રત્યયોનાં ઉદાહરણો: આંખલડી, ભીંતરડી, છમકલું મુખડલું, રમકડું, તણખલું, અલબેલડું, આછકલું, નાનકડું, ટીણકુલુંડુ.... ઊ.દે.