ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ગ/ગુજરાતી વર્તમાનપત્રો
ગુજરાતી વર્તમાનપત્રો: ૧૮૨૨માં મુંબઈથી ફરદુનજી મર્ઝબાને ‘મુંબઈ સમાચાર’ શરૂ કર્યું, એની સાથે ગુજરાતી પત્રકારત્વનો પાયો નંખાયો. ‘મુંબઈ સમાચાર’ પ્રારંભે સાપ્તાહિક રૂપે પ્રગટ થયું. અને ૩-૧-૩૨થી દૈનિક બન્યું. ૧૭૦ વર્ષની મજલ પૂરી કરીને ‘મુંબઈ સમાચાર’ દેશનું સૌથી જૂનું વિદ્યમાન વર્તમાનપત્ર હોવાનું માન મેળવી જાય છે. એને પગલે ૧૮૩૦થી ‘મુંબઈના ચાબુક’ શરૂ થયું. જેનું મૂળ નામ “મુંબઈના વરતમાન” હતું. ૧૮૩૨માં મુંબઈથી જ ‘જામે જમશેદ’ શરૂ થયું. ૧૮૪૯માં બીજી મેના રોજ ગુજરાત વર્નાક્યુલર સોસાયટીનું “વરતમાન” શરૂ થયું, એ તળ ગુજરાતનું પ્રથમ વર્તમાનપત્ર. દર બુધવારે બહાર પડતું હોવાથી એ “બુધવારિયું” પણ કહેવાતું. ૧૮૫૧માં મુંબઈથી દાદાભાઈ નવરોજીએ “રાસ્ત ગોફતાર” સત્ય વક્તા’ શરૂ કર્યું. ૧૮૫૫માં કરસનદાસ મૂળજીનું ‘સત્યપ્રકાશ’ આવ્યું, અને ૫૯-૬૦માં મહારાજ લાયબલ કેસમાં ભવ્ય વિજય મેળવી, પાખંડો સામે લડત આપીને, ૬૦માં ‘રાસ્ત ગોફતાર’ સાથે ભળી ગયું. મુંબઈનાં વર્તમાનપત્રો મોટે ભાગે પારસી માલિકીનાં હતાં. એ પછી ઇચ્છારામ દેસાઈએ ૧૮૭૮માં સુરતથી ‘સ્વતંત્રતા’ શરૂ કર્યું, જે બેએક વર્ષ ચાલ્યું. મુંબઈ આવીને એમણે ૧૮૮૦માં ‘ગુજરાતી’ શરૂ કર્યું, અને ગુજરાતી પત્રકારત્વમાં એક નવા યુગનાં મંડાણ થયાં. અત્યાર સુધીનાં પત્રો સમાજ સુધારલક્ષી હતાં. ‘ગુજરાતી’એ પ્રથમવાર રાજકીય પ્રશ્નો અંગે લોકજાગૃતિ કેળવવાનું શરૂ કર્યું. ‘ગુજરાતી’ મુંબઈ બહાર સૌરાષ્ટ્ર સુધી લોકપ્રિય બન્યું હતું. ૧૮૬૪માં દીનશા તાલેયારખાને સુરતથી ‘ગુજરાત મિત્ર’નો પ્રારંભ કર્યો. દીનશાએ અંગ્રેજ વહીવટની કડક ટીકા કરીને નીડર પત્રકાર તરીકે નામના મેળવી હતી. ૧૮૭૩માં એની સાથે સંકળાયેલા મંછારામ ઘેલાભાઈએ ‘દેશી મિત્ર’ શરૂ કર્યું, જેમાં સામાન્યજનને ગમે એવું હળવું વાચન પીરસાતું. ગુજરાતી હાસ્યસામયિકોમાં ૧૮૫૮માં શરૂ થયેલા ‘પારસી પંચ’નો ઉલ્લેખ કરવો પડે. ૧૮૮૮માં એ ‘હિંદી પંચ’ બન્યું. મૂળ દાદાભાઈ સોહેરીએ એનો પ્રારંભ કરેલો. ૧૮૭૮થી ૧૯૩૧ સુધી બરજોરજી આપ અખત્યારની દોરવણી હેઠળ એણે વાચકવર્ગને સારો એવો વિનોદ પીરસ્યો. ૧૮૮૬માં ‘ગપસપ’ શરૂ થયેલું. મંછારામ ઘેલાભાઈના ‘દેશી મિત્ર’માં સારી એવી હાસ્યસામગ્રી રજૂ થતી. એમના પુત્ર નગીનદાસે ૧૮૯૪થી ૯૭ સુધી ‘ભીમસેન’ ચલાવેલું. ૧૯૨૪માં પ્રગટેલા ‘મોજમજાહ’ અને એ પછીના ‘બે ઘડી મોજ’માં પણ હળવી સામગ્રીનું નોંધપાત્ર પ્રમાણ હતું. અમદાવાદથી ૧૯૦૧માં સોમાલાલ શાહે ‘ગુજરાતી પંચ’ શરૂ કરેલું જેમાં વ્યંગચિત્રો અને હાસ્યલેખો આવતાં. ૧૯૪૩માં એ ‘સંદેશ લિમિટેડ’ને સોંપાયું. ‘ખેડા વર્તમાન’ ગુજરાતનું જૂનામાં જૂનું હયાત પત્ર છે. ૧૮૫૧માં શેઠ પાનાચંદ અને કહાનદાસે એનો પ્રારંભ કરેલો. ખેડા જેવા નાનકડા શહેરમાંથી પૂર્ણ કક્ષાનું સાપ્તાહિક પ્રગટે એ ત્યારના સમયની નોંધપાત્ર ઘટના હતી. ૧૮૯૫માં વડોદરાથી ‘સયાજી વિજય’ નીકળ્યું, જેમાં મરાઠી, ગુજરાતી અને અંગ્રેજી એમ ત્રણ ભાગમાં સામગ્રી રજૂ થતી. કવિ નર્મદે ૧૮૬૪થી’૬૯ સુધીના ગાળામાં ‘ડાંડિયો’ ચલાવ્યું, અને નીડર તથા સમાજલક્ષી, પત્રકારત્વમાં એક નવી કેડી કંડારી. ૧૮૬૯માં એ ‘સન્ડે રિવ્યુ’ સાથે જોડાઈ ગયું. ૧૮૯૮માં ભગુભાઈ કારભારીએ અમદાવાદથી ‘પ્રજાબંધુ’ સાપ્તાહિક શરૂ કર્યું એમાં પ્રારંભથી જ સુધરાઈની ચૂંટણીઓ જેવા રાજકીય મુદ્દા વણી લેવાયા હતા. પછીથી ઠાકોરલાલ ઠાકોરે એનું સુકાન સંભાળ્યું. ગાંધીજીની નીતિઓને ટેકો આપવા બદલ એની ઉપર સરકારી તવાઈ આવતાં બે વખત પ્રકાશન મોકૂફ રાખવું પડ્યું. ૧૯૩૨માં ‘પ્રજાબંધુ’ના સાથીરૂપે ‘ગુજરાત સમાચાર’ શરૂ થયું. આજે એની આવૃત્તિઓ અમદાવાદ ઉપરાંત, મુંબઈ, સુરત, વડોદરા અને રાજકોટથી નીકળે છે. રણછોડદાસ લોટવાળાએ પ્રથમ ‘આર્યપ્રકાશ’ અને પછી ૧૯૧૩માં નાનાભાઈ ચીમગરનું ‘અખબાર સોદાગર’ ખરીદી લીધું. અને બદલીને ‘હિંદુસ્તાન’ નામ રાખ્યું. એની નીતિ હિંદુસમાજમાં સુધારાવાદી હતી. એ પછી એમણે ‘પ્રજા મિત્ર અને પારસી’ પણ વેચાતું લીધું. એ સવારનું દૈનિક થયું, અને ‘હિંદુસ્તાન’ સાંધ્ય દૈનિક બન્યું. પાછળથી બંનેને જોડીને ‘હિંદુસ્તાન પ્રજામિત્ર’ એવું નવું નામ આપ્યું. લોટવાળાએ સમાજસુધારા અને દેશસેવાની ધગશથી અખબારી આલમમાં આવા ઘણા પ્રયોગો કર્યા. ૧૮૬૫માં મણિશંકર કીકાણીએ જૂનાગઢથી ‘સૌરાષ્ટ્રદર્પણ’ શરૂ કર્યું, એ સોરાષ્ટ્રનું પ્રથમ નોંધપાત્ર અને લાંબો સમય ટકનારું પત્ર ગણાય છે. એને પગલે ભાવનગરથી મિરઝા મુરાદઅલીએ ‘મનોરંજક રત્નમાળ’ કાઢ્યું, જે એકાદ વર્ષ ચાલ્યું. ‘સૌરાષ્ટ્ર દર્પણ’ નવાબ મહોબતખાનની હૂંફ હોવાને લીધે ૨૫ વર્ષ ચાલ્યું. એની નીતિ સંરક્ષક સુધારાની હતી. ૧૮૬૮માં રાજકોટનું પ્રથમ પત્ર ‘વિજ્ઞાન વિલાસ’ મણિશંકરની જ પ્રેરણાથી શરૂ થયું. ૧૮૮૮માં ભવાનીદાસ વઝીરાણીએ રાજકોટથી ‘કાઠિયાવાડ ટાઈમ્સ’ શરૂ કર્યું, જે ૧૮૯૦માં દૈનિક બન્યું. દૈનિક બન્યા પછી એ સંપૂર્ણપણે અંગ્રેજીમાં આવતું એટલે ગુજરાત – સૌરાષ્ટ્રનું પ્રથમ અંગ્રેજી દૈનિક ગણાય. પાછળથી ગુજરાતી વિભાગ શરૂ થયો. ધીમેધીમે એ ફરીથી સાપ્તાહિક બન્યું, અને સામગ્રી સંપૂર્ણપણે ગુજરાતીમાં આવવા માંડી. ૧૮૬૧માં અમદાવાદથી શરૂ થયેલું ‘ગુજરાત શાળાપત્ર’ ૧૮૭૬માં નવલરામ રાજકોટ આવ્યા, ત્યારથી ૧૮૮૮ સુધી રાજકોટથી જ પ્રગટ થયું. શિક્ષણવિષયક સામગ્રી પીરસતું એ ગુજરાતનું એ પ્રકારનું પ્રથમ પત્ર કહેવાય. ૧૯૨૧માં અમદાવાદથી નંદલાલ બોડીવાળાએ ‘સ્વરાજ્ય’ નામનું દૈનિક કાઢેલું, પણ એ અખતરો નિષ્ફળ ગયો. ૧૯૨૩માં એમણે ફરી સાહસ કરીને ‘સંદેશ’ કાઢ્યું, જે સાંજનું દૈનિક હતું. ૧૯૩૦માં એ સવારનું દૈનિક બન્યું. ’૪૩માં ‘સંદેશ લિમિટેડ’ સંસ્થાના આશ્રય હેઠળ આવ્યું. આજે એની આવૃત્તિઓ અમદાવાદ ઉપરાંત રાજકોટ, વડોદરા અને સુરતથી બહાર પડે છે. ૧૯૩૦ના દાયકામાં ‘અમદાવાદ સમાચાર’ (સમર્થલાલ વૈદ્ય અને ચીમનલાલ મોદીની માલિકીનું) નીકળતું, તે પણ પાછળથી ‘સંદેશ’માં જોડાઈ ગયું. ૧૯૧૯માં ગાંધીજીએ આફ્રિકાથી આવીને ઇન્દુલાલ યાજ્ઞિકનું ‘નવજીવન’ સંભાળ્યું. અને ગુજરાતી પત્રકારત્વનો નવો યુગ બેઠો. ગાંધીજીએ પત્રકારત્વની ભાષા, ધ્યેય, એની રજૂઆત એમ અનેક ક્ષેત્રે મોટો પ્રભાવ પાડ્યો, અને આદર્શ પત્રકારત્વનો નમૂનો પૂરો પાડ્યો. વિખરાયેલા પ્રજાજીવનને ગાંધીજીએ ‘નવજીવન’, ‘હરિજનબંધુ’ વડે દોરવણી આપી. ૧૯૨૨માં સૌરાષ્ટ્રમાં કેટલાંક રજવાડી શાસનોનાં ચાલતા ગેરવહીવટ અને ત્રાસ સામે અવાજ ઉઠાવવા સ્વ. અમૃતલાલ શેઠે રાણપુરથી ‘સૌરાષ્ટ્ર’ શરૂ કર્યું, જે પછીથી ‘રોશની’ બનીને અંતે ‘ફૂલછાબ’ નામે આઝાદી સુધી સાપ્તાહિક સ્વરૂપે ચાલતું રહ્યું, ‘ફૂલછાબે’ નીડરતાથી રજવાડી જુલ્મો સામે લોકોને સંગઠિત કર્યા, અને અનેક લડતોમાં વિજય મેળવ્યો. અમૃતલાલ શેઠ ઉપરાંત ઝવેરચંદ મેઘાણી, કકલભાઈ કોઠારી, ભીમજી પારેખ, ગુણવંતરાય આચાર્ય, જયમલ્લ પરમાર અને હરગોવિંદ પંડ્યા જેવા ભેખધારીઓએ આ પ્રજાયજ્ઞને આગે ધપાવ્યો. ૧૯૦૩માં ધોલેરાના સત્યાગ્રહમાં મોટો ફાળો આપ્યો. ૧૯૩૨માં કારાવાસમાંથી બહાર આવ્યા પછી અમૃતલાલ શેઠ મુંબઈ ગયા, અને ત્યાંથી ૩૪માં ‘જન્મભૂમિ’ શરૂ કર્યું. રાણપુરમાં કક્લભાઈએ ‘ફૂલછાબ’ નામે ‘સૌરાષ્ટ્ર’ને પુનર્જન્મ આપ્યો. રજવાડી શાસનનાં પ્રજાવિરોધી કાર્યો સામેની લડતનું મુખ્ય ધ્યેય હોવા છતાં ‘ફૂલછાબે’ સાહિત્ય, સામાન્ય જ્ઞાન, વન્યસૃષ્ટિ જેવા વિષયો પર પ્રચુર સામગ્રી આપી હતી. ૧૯૪૧માં શામળદાસ ગાંધીએ ‘મુંબઈથી ‘વંદેમાતરમ્’ શરૂ કર્યું, જેણે આઝાદીની લડતમાં લોકમત જાગૃતિનું ઉમદા કાર્ય બજાવ્યું. આઝાદી પછી જૂનાગઢની મુક્તિ માટે શામળદાસે હકૂમતની રચના કરી હતી. સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછી ૧૯૫૦માં ‘ફૂલછાબ’ રાજકોટથી દૈનિકરૂપે પ્રગટવા લાગ્યું. પણ, એ પહેલાં ૧૯૪૮માં સૌરાષ્ટ્રમાં દૈનિકોનો યુગ મંડાઈ ચૂક્યો હતો. આ જ વર્ષે પહેલાં શ્રી બાબુભાઈ શાહનું ‘જયહિંદ’ શરૂ થયું, અને એ પછી શ્રી જુગતરામ રાવળના નેતૃત્વ હેઠળ ‘નૂતન સૌરાષ્ટ્ર’નો પ્રારંભ થયો. ૧૯૫૩માં રમણલાલ શેઠનું ‘જનસત્તા’ અમદાવાદથી શરૂ થયું, અને ૧૯૬૭માં એની રાજકોટ આવૃત્તિ શરૂ થઈ. એક્સપ્રેસ જૂથની માલિકી હેઠળ એની હવે વડોદરા આવૃત્તિ પણ નીકળે છે. આ જ જૂથે ૧૯૮૪માં મુંબઈથી ‘સમકાલીન’ શરૂ કર્યું. જેણે પાનાંની ગોઠવણી, મુદ્રણ, ભાષા એમ અનેક બાબતોમાં તાજગી દર્શાવી. ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ની ગુજરાતી આવૃત્તિ ૧૯૮૮માં અમદાવાદથી શરૂ થઈ, પણ ૧૯૯૩માં એનું પ્રકાશન બંધ થયું. ૧૯૮૫માં અમદાવાદથી દૈનિક ‘સમભાવ’ શરૂ થયું, જે શ્રી ભૂપત વડોદરિયાના તંત્રીપદ હેઠળ ચાલે છે. ગુજરાતી વર્તમાનપત્રે ૧૭૦ વર્ષના ગાળામાં સારો વિકાસ કર્યો છે, અને રાષ્ટ્રીય કક્ષાએ પણ પોતાની આગવી છાપ ઉપસાવી છે. યા.દ.