ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ગ/ગુજરાતી વિવેચન

From Ekatra Wiki
Jump to navigation Jump to search



ગુજરાતી વિવેચન: ગુજરાતી અર્વાચીન સાહિત્ય અને વિવેચનનો જન્મ પૂર્વ અને પશ્ચિમની ભિન્ન પરંપરાનાં સાહિત્યો અને વિદ્યાઓના અધ્યયન સાથે જન્મેલી નવી સાંસ્કૃતિક આબોહવા વચ્ચે ઓગણીસમી સદીમાં થયો. અર્વાચીનોમાં આદ્ય લેખાયેલા કવિ નર્મદે અંગ્રેજી અને સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાંથી અમુક વિચારો લઈ ૧૮૫૮માં ‘કવિ અને કવિતા’ શીર્ષકનો જે વિસ્તૃત નિબંધ લખ્યો તે ગુજરાતી વિવેચનનો પહેલો આવિર્ભાવ છે. એ પહેલાં મધ્યકાલીન ગુજરાતીમાં સાતેક સૈકાઓ દરમ્યાન સ્વતંત્ર રીતે કાવ્યચર્ચા થઈ હોય કે સંસ્કૃત અલંકારશાસ્ત્રના કોઈ ગ્રન્થના અનુવાદ સારાંશ કે ટીકા રૂપે ગુજરાતીમાં કશું કંઈ ઊતર્યું હોય એમ જાણવા મળતું નથી. અલબત્ત, અર્વાચીન યુગના આરંભે ભુજની પાઠશાળામાં વ્રજના રીતિકાલીન કાવ્યશાસ્ત્રનું પદ્ધતિસર શિક્ષણ અપાતું હતું. એમાં રસ, અલંકાર, પિંગળ, નાયિકાવિચાર જેવા પરંપરાગત વિષયોની અત્યંત દૃઢ રીતિએ છણાવટ થતી હતી. ખરેખર તો એમાં સભારંજની કવિતાનો ખ્યાલ પુરસ્કાર પામ્યો હતો, અને ઝડઝમક પ્રાસાનુપ્રાસ શ્લેષ આદિ સ્થૂળ પ્રયુક્તિઓનો અને બુદ્ધિચાતુરીવાળા અલંકારોનો વિશેષ મહિમા હતો. કવિ દલપતરામ અને તેમના અનેક અનુયાયી કવિઓ વ્રજની આ કાવ્યરીતિનું અધ્યયન કરીને કાવ્યલેખન કરવા પ્રેરાયા હતા. નર્મદ અને નવલરામે આ જૂની કાવ્યરીતિ અને કાવ્યરુચિની સામે પાશ્ચાત્ય કવિતાકળા અને રુચિ પ્રત્યે ઝોક દર્શાવ્યો. નર્મદની કાવ્યચર્ચા ઘણી અલ્પ ને ત્રૂટક છે, નર્મદને હકીકતમાં મુંબઈ યુનિવર્સિટીના ઉચ્ચશિક્ષણનો લાભ મળ્યો નહોતો. માત્ર ખંત જહેમત અને સ્વાધ્યાયવૃત્તિથી બંને પરંપરાના કાવ્યશાસ્ત્રનો કેટલોએક પરિચય તેણે મેળવી લીધો હતો. તેની રંગરાગી કવિત્વશક્તિને આત્મલક્ષી ઊર્મિકવિતા વધુ અનુકૂળ બની રહી. સ્વાભાવિક રીતે જ વર્ડ્ઝવર્થ, શેલી અને હેઝલિટ્ જેવા અંગ્રેજ રોમેન્ટિક કવિઓની કવિતા અને તેમની કાવ્યભાવના તેને મોટી પ્રેરણારૂપ બની રહી. ઉપર નિર્દિષ્ટ ‘કવિ અને કવિતા’ નિબંધમાં એ રોમેન્ટિક કવિઓની કાવ્યચર્ચાના કેટલાક મહત્ત્વના ખ્યાલો સાથે ભારતીય રસવિચાર સાંકળવાનો પ્રયત્ન કર્યો છે. કવિતાના પ્રાણ લેખે રસતત્ત્વની પ્રતિષ્ઠા કરતાં તે તેને કવિચિત્તની લાગણીપટુતા સાથે સાંકળી આપવા મથે છે. વળી કવિતાની પ્રેરકશક્તિ લેખે તે ‘તર્કબુદ્ધી’ (શેલીની Imagintionની વિભાવના અર્થે તેને યોજેલો પર્યાય)નો સ્વીકાર કરે છે. હેઝલિટ્ની કાવ્યચર્ચામાંથી imagination અને passion એના પર્યાય અનુક્રમે ‘ચિત્ર પાડવાની શક્તિ’ અને ‘જોસ્સો’ – એ બે ખ્યાલોને ય તે સાંકળી લે છે. નર્મદે તેના આ વિવેચન-નિબંધમાં અને બીજાં સંક્ષિપ્ત લખાણોમાં એ સમયે પાશ્ચાત્ય વિવેચનમાં ચર્ચાતા રહેલા મુદ્દાઓ સ્પર્શ્યા છે. નોંધવું જોઈએ કે અંગ્રેજી અને સંસ્કૃત કાવ્યશાસ્ત્રના પાયાના સિદ્ધાંતોને યથાવકાશ સાંકળવાની અને તેમાંથી વ્યાપક કાવ્યસિદ્ધાંત રચવાની પ્રવૃત્તિ નર્મદમાં આરંભાઈ ચૂકી હતી, અને એ પછી એ દિશામાં આપણા વિવેચનની મુખ્ય ગતિવિધિ રહી છે પણ કેટલાક વિવેચકો વિશેષત: પાશ્ચાત્ય કાવ્યવિચારમાંથી તો બીજા વિશેષત: સંસ્કૃતમાંથી પ્રેરણા લેતા રહ્યા છે. નવલરામ, નર્મદ કરતાં, વધુ સ્વસ્થ પ્રૌઢ અને વેધક દૃષ્ટિવાળા નીવડ્યા છે. તેમને પણ યુનિવર્સિટીના શિક્ષણનો લાભ મળ્યો નહોતો, પણ નર્મદની જેમ, ખંત અને સ્વાધ્યાયથી વિવેચનસાહિત્યનો તેમણે ઠીક ઠીક મર્મગ્રાહી પરિચય મેળવી લીધો હતો. વળી વેદાન્તના તેઓ ઊંડા અભ્યાસી હતા. તેમની કાવ્યદૃષ્ટિ અને રુચિ વિશેષત: પ્રાચીન પ્રશિષ્ટ કૃતિઓનાં સંસ્કારોથી ઘડાઈ હતી. કવિતાની વ્યાખ્યામાં એરિસ્ટોટલના ‘અનુકરણ’ના સિદ્ધાંત સાથે વેદાન્તના ‘માયા’ના ખ્યાલને તેઓ સાંકળી લેવા પ્રેરાય છે. કવિતાની વ્યાખ્યા કરતાં તેઓ કહે છે: “માયા અથવા કુદરતના સ્વરૂપનું ખરેખરું ચિત્ર તે કવિતા.” એરિસ્ટોટલ અને બેકનની કાવ્યચર્ચાના કેન્દ્રમાં રહેલો ‘પ્રકૃતિ’ – the Natureનો ખ્યાલ નવલરામને અમુક રીતે સીમિત અને બદ્ધ લાગ્યો, એટલે તેને સ્થાને ભારતીય ‘માયા’નો ખ્યાલ તેઓ યોજે છે. અને એરિસ્ટોટલના અનુકરણસિદ્ધાંતને તેઓ જુદી રીતે ઘટાવી આપે છે. કાવ્યના સ્વરૂપનું વર્ણન કરતાં તેઓ કહે છે: “કવિતા તો ‘અર્થ’માં રહેલી છે, જે અર્થ આપણા મનમાં ચિત્ર પાડી નાના પ્રકારની લાગણીઓ ઉપર અસર કરે છે.” નવલરામની દૃષ્ટિ કાવ્યના અર્થતત્ત્વ પર પડી છે. ઊંચી કવિતામાં કાવ્યતત્ત્વ અને તત્ત્વદૃષ્ટિનો સંયોગ થાય છે એમ તેમનું કહેવું છે. જોકે ચિત્રનિર્માણની ‘સચ્ચાઈ’ અને ‘સંપૂર્ણતા’ પર કવિતાની શ્રેષ્ઠતા ટકે છે એમ પણ તેઓ સૂચવે છે. આથી, સાહિત્યના વિશ્વમાં મહાકાવ્ય અને નાટક જેવાં વિસ્તૃત ફલકનાં સ્વરૂપો ચઢિયાતાં છે, એમ પણ તેમને અભિપ્રેત છે. આપણા વિવેચનમાં તેમની પ્રતિષ્ઠા વધુ તો તેમની ગ્રન્થસમીક્ષાની પ્રવૃત્તિ પર નિર્ભર છે. નર્મદની કવિતાથી આરંભાતી ‘નવી સ્કૂલ’ના પ્રથમ પુરસ્કર્તા બની રહેવાનો તેમને મોટો અભિલાષ હતો. એ નિમિત્તે નર્મદ અને દલપતરામની કાવ્યભાવના તેમણે ફરીફરીને સ્પષ્ટ કરી. એ સમયનાં અનેક પુસ્તકોમાં ‘કરણઘેલો’ ‘કાન્તા’ જેવી મૌલિક કૃતિઓ, ‘માલતીમાધવ’ના ગુજરાતી અનુવાદ ઉપરાંત વિવિધ પ્રકારની કૃતિઓની સૂક્ષ્મ રસજ્ઞવૃત્તિ અને અભ્યાસકીય સજ્જતા સાથે સમીક્ષા કરી. ભિન્નભિન્ન સ્વરૂપની કૃતિઓના વિવેચન – મૂલ્યાંકનનાં ધોરણો તેઓ સ્પષ્ટ કરતા રહ્યા છે. સ્વસ્થ નિર્ભીક અને એકંદરે સમતોલન દૃષ્ટિથી વિવેચન કરીને તેમણે ગ્રન્થસમીક્ષાની સંગીન પરંપરા રચી આપી. સાક્ષરયુગ(૧૮૮૭-૧૯૧૫)માં આપણું વિવેચન વિશાળ અભ્યાસ અને સૂક્ષ્માતિસૂક્ષ્મ રસજ્ઞદૃષ્ટિના યોગે ઘણી સંગીન ભૂમિકા પર પ્રતિષ્ઠિત થયું છે. ગોવર્ધનરામ ત્રિપાઠી, મણિભાઈ નભુભાઈ, રમણભાઈ નીલકંઠ, નરસિંહરાવ દિવેટિયા, આનંદશંકર ધ્રુવ, બળવંતરાય ઠાકોર જેવા અનેક અગ્રણી સાક્ષરોએ આગવી દૃષ્ટિએ એ ક્ષેત્રમાં અર્પણ કર્યું છે. જો કે આ ગાળાની કાવ્યચર્ચા આરંભમાં દ્વિધા સાથે ઊઘડતી દેખાય છે. નર્મદયુગથી જ કાવ્યસર્જનના ક્ષેત્રમાં ઊર્મિકાવ્યની પ્રાણપ્રતિષ્ઠા થવા લાગી હતી: અંગ્રેજ રોમેન્ટિક કવિઓનો એમાં સ્પષ્ટ પ્રભાવ હતો. એટલે જ રમણભાઈ, નરસિંહરાવ અને બળવંતરાય એક યા બીજા પ્રસંગે ઊર્મિકાવ્યનું મહત્ત્વ કરવા પ્રેરાયા છે. પણ આ સાક્ષરો પછીથી વ્યાપક કાવ્યતત્ત્વ – વિચારમાં રોકાયા છે. સાહિત્યની પ્રશિષ્ટ કૃતિઓને ધ્યાનમાં રાખી તેઓ વિવેચન-મૂલ્યાંકનનાં સાર્વત્રિક ધોરણો સ્થાપવા પ્રવૃત્ત થયા છે. સિદ્ધાંતચર્ચામાં સંસ્કૃત અને અંગ્રેજી વિવેચનના કેટલાક મહત્ત્વના સિદ્ધાંતોને સમન્વિત કરતા જવાનું વલણ વ્યાપક બન્યું છે. ગોવર્ધનરામ સાક્ષરજીવનના ઘણા ઊંચા આદર્શને વર્યા હતા. તેમને માટે વિવેચનની એકદેશીય પ્રવૃત્તિમાં બંધાવાનું શક્ય જ નહોતું. છતાં, નિમિત્તો મળતાં તેમણે કેટલુંક વિવેચન લખ્યું ય છે. તેઓ કવિ અને તત્ત્વદૃષ્ટિને એકાત્મરૂપ કે ગાઢ રૂપે સંકળાયેલા લેખવે છે. માત્ર રસાનુભવ એ સાહિત્યનું અંતિમ પ્રાપ્તવ્ય નથી: રસના માયારૂપ અંશમાંથી તત્ત્વનો પ્રકાશ લાધવો જોઈએ એમ તેઓ કહે છે. સાહિત્યના પ્રાણતત્ત્વ લેખે તેઓ વિશ્વજીવનના ‘અવલોકન’નો સ્વીકાર કરે છે. મહાન પ્રશિષ્ટ કૃતિઓ એમાં રજૂ થતા ‘અવલોકન’ને કારણે ચિરંતન બને છે. તેમની ઘણીએક વિવેચનવિચારણા આધ્યાત્મિક દાર્શનિક પરિભાષામાં રજૂ થઈ છે. મણિભાઈ નભુભાઈ એક સમર્થ સાહિત્યકાર ખરા, પણ તેમની પ્રતિભા વધુ તો એક અદ્વૈતવાદી ચિંતક અને અધ્યાત્મમાર્ગના સાધકની છે. વિવેચનમાં સિદ્ધાંતક્ષેત્રે તેમનું કામ ઓછું, ગ્રંથસમીક્ષામાં વધુ નોંધપાત્ર પણ તેમના સમગ્ર વિવેચનમાં પ્રાચીન સાહિત્યના સંસ્કાર અને તેથી ઘડાયેલી રુચિ જ પ્રવર્તે છે. અદ્વૈતનો વિચાર પણ એમાં કેટલાક સંદર્ભે નિર્ણાયક બન્યો છે. કાવ્યના જીવાતુભૂતતત્ત્વ લેખે તેઓ રસની પ્રતિષ્ઠા કરે છે, અને એના મૂળમાં રહેલી લોકોત્તર પ્રતિભાનો ય મહિમા કરે છે. મણિભાઈએ પ્રસંગોપાત્ત નાટક સંગીત આદિ કળાઓ વિશે ઊર્મિકાવ્ય અને સંગીતના સંબંધ વિશે, સમકાલીન સાહિત્યના પ્રવાહો વિશે ય આગવી દૃષ્ટિએ ચર્ચા કરી છે. ‘સરસ્વતીચંદ્ર’ – ૧’, ‘સ્નેહમુદ્રા’, ‘કુસુમમાળા’ ‘હૃદયવીણા’, ‘કલાન્ત કવિ’, ‘અમરુશતક’ વગેરે ગ્રન્થોનાં અવલોકનોમાં તેમની બહુશ્રુતતા અને રસજ્ઞતાનો સુભગ યોગ થયો છે. રમણભાઈ નીલકંઠે વ્યવસ્થિત આયોજનપૂર્વક કવિતાના સ્વરૂપ અને પ્રયોજનની સંગીન અભ્યાસલક્ષી ચર્ચાવિચારણાઓ કરી કાવ્યસિદ્ધાંતના ક્ષેત્રમાં દૃઢ પાયો નાંખ્યો. તેમનું માનસ વિશેષત: બૌદ્ધિકતાવાદી રહ્યું છે. તેમની આસ્થા પ્રાર્થનાસમાજમાં સ્થિર થઈ છે, અને કાવ્યનો મુખ્યત્વે કાવ્ય તરીકે તેઓ વિચાર કરવા પ્રેરાયા છે. એટલે, ગોવર્ધનરામ, મણિલાલ કે આનંદશંકરની જેમ તેમની ચર્ચા ધાર્મિક આધ્યાત્મિક-પરિભાષામાં બંધાઈ નથી. કવિતાની ઉત્પત્તિ, સ્વરૂપવિચાર અને રચનાવિધાન વિશેની તેમની આરંભની ચર્ચામાં સમય જતાં કેટલુંક પુનર્ચિંતન પણ થયું છે. આરંભમાં વર્ડ્ઝવર્થ, શેલી આદિ અંગ્રેજ રોમૅન્ટિક કવિઓમાંથી પ્રેરણા લઈ તેઓ કવિતાના ઉદ્ભવમાં ‘પ્રેરણા’ અને ‘અંત:ક્ષોભ’ના તત્ત્વને નિમિત્ત લેખવે છે. સાચી કવિતા સ્વયંભૂ જન્મે છે, એ વાત ભારપૂર્વક દર્શાવે છે. જોકે શેક્સપિયર જેવા મહાન નાટ્યકારની મોટા ફલકની નાટ્યકૃતિઓના રચનાવિધાનને લક્ષમાં લેતાં રોમૅન્ટિકના સિદ્ધાંતમાં તેઓ ફેરફાર કરે છે. લાંબી રચનાઓના મૂળમાં ‘પ્રેરણા’ જ રહી હોય છે પણ તેનો કવિ કલ્પનાવ્યાપારથી મૂળ વસ્તુને વિસ્તારે છે એમ તેઓ કહે છે, પાછળની કાવ્યચર્ચામાં રચનાવિધાનની અંતર્ગત ‘અનુકરણ’ અને ‘કલ્પના’ (પ્રથમ એરિસ્ટોટલમાંથી, બીજો બેકનમાંથી)ના ખ્યાલો સાંકળી લેવાનો પ્રયત્ન કર્યો છે. કવિતાના પરમ પ્રયોજન લેખે લોકોત્તર આનંદની તેમણે પ્રતિષ્ઠા કરી તે સાથે મમ્મટની રસચર્ચા વિગતે રજૂ કરી. આ ઉપરાંત, કવિત્વરીતિ, પ્રાસ અને છંદ, વૃત્તિમય ભાવાભાસ અને કાવ્યનું સત્ય, કવિતા અને નીતિ એમ અનેક સંબંધિત પાસાંઓનો સૂક્ષ્મ પૃથક્કરણદૃષ્ટિએ તેમણે વિચાર કર્યો છે. તેમણે થોડાંક માર્મિક સૂઝવાળાં ગ્રન્થાવલોકનો લખ્યાં છે. એ પૈકી ‘સરસ્વતીચંદ્ર’ વિશેનું તેમનું વિવેચન તેમની વિવેચનશક્તિનો પ્રૌઢ પક્વ આવિષ્કાર છે. એક કવિ અને સાક્ષર લેખે નરસિંહરાવની મનોઘટના ઘણી વિલક્ષણ ભાસે છે. એમાં રોમૅન્ટિક કવિની સ્વપ્નશીલતા અને કઠોર સાક્ષરી વૃત્તિનો યોગ થયો છે. અંગ્રેજ રોમેન્ટિક કવિતામાં અનુસ્યૂત ‘દિવ્ય પ્રેરણા’નો ખ્યાલ તેમને પ્રેરણારૂપ બન્યો છે. તેમની કાવ્યચર્ચામાં, આથી, રોમૅન્ટિકોને અભિમત ઊર્મિકવિતાનો ખ્યાલ કેન્દ્રમાં આવ્યો છે. હકીકતમાં ઊર્મિકાવ્ય અને સંગીતનો સુભગ સંયોગ તેમને ઇષ્ટ છે. એ બંનેનું મિલન થતાં પરમ આહ્લાદરૂપ ભાવદશા – આનંદસમાધિની દશા – ભાવકમાં જન્મે છે તેનું તેઓ ગૌરવ કરે છે. આથી જ, કાવ્યચર્ચામાં કવિતા અને સંગીતના સંબંધના પ્રશ્નને લઈ તેમણે ઘણી સૂક્ષ્મ અને વિગતે ચર્ચા કરી છે. નરસિંહરાવમાં કવિતા અને સંગીતના સંયોગ અર્થે સૌથી વધુ પક્ષપાત દેખાય છે. નરસિંહરાવે કવિતાના બાહ્ય દેહ લેખે પદ્યરચનાનો અને તેને અનુષંગે પ્રચલિત – અપ્રચલિત છંદોના બંધારણનો ઘણી સૂક્ષ્મ શાસ્ત્રીય દૃષ્ટિએ વિચાર કર્યો છે. પ્રસંગોપાત્ત, રસિક કલાઓ, રસ અને સૌન્દર્યતત્ત્વ વિશે કેટલુંક ચિંતન કર્યું છે. ગ્રન્થાવલોકનના ક્ષેત્રમાં સમીક્ષાઓ આપી છે. ‘વિલાસિકા’ ‘જયા અને જયંત’ ‘ગુજરાતનો નાથ’ ‘લોમહર્ષિણી’ ‘જ્યોતિરેખા’નાં અવલોકનો એ રીતે નોંધપાત્ર છે. મણિલાલની જેમ આનંદશંકર ધ્રુવના ચિંતનની આધારશિલા પ્રાચીન અદ્વૈતદર્શન છે, અને કવિતાની સિદ્ધાન્તચર્ચામાં એ દર્શનનો સ્પષ્ટ પ્રભાવ દેખાઈ આવે છે. ભારતીય અને પાશ્ચાત્ય કાવ્યવિચારના કેટલાક મુખ્ય મુખ્ય સિદ્ધાંતોમાંથી પોતાને ઇષ્ટ લાગતા ખ્યાલો સ્વીકારી તેઓ તેનો સમન્વય કરવા પ્રેરાયા છે. ‘કવિતા’ શીર્ષકના મુખરૂપ નિબંધમાં કાવ્યવિચારની સમગ્ર ભૂમિકા સ્પર્શાયેલી છે. કવિતાના સ્વરૂપનું વર્ણન કરતાં તેઓ એમાં કહે છે: કવિતા સ્વયં અમૃત સ્વરૂપ છે, આત્માની કલા છે, અને વાગ્દેવીરૂપ છે. રસચૈતન્ય એ કવિતાનું પ્રાણતત્ત્વ છે. આત્માના ચાર વ્યાપારો તેઓ સ્વીકારે છે. લાગણી, બુદ્ધિ, નીતિ અને આધ્યાત્મિકતા. કવિતાના અંત:સ્વરૂપમાં ઓછેવત્તે અંશે આ ચારેય વ્યાપારો પ્રવેશે છે. કવિતા માત્ર આનંદ આપે, પણ મોટી કવિતા જીવનના ગહનસંકુલ સ્વરૂપનો, તેના કૂટ દુર્ભેદ્ય પ્રશ્નોનો જીવંત અનુભવ પણ કરાવે એમ તેમનો અભિમત છે. અદ્વૈતવાદની પ્રેરણા લઈ તેમણે આગવો ભાવનાવાદ રચી લીધો છે. વિવિધ નિમિત્તે આપણા અસંખ્ય સાહિત્યકારો વિશે તેમ સાહિત્યના પ્રવાહો વિશે અધ્યયનપૂર્ણ અને મર્મગ્રાહી અવલોકનો તેમણે આપ્યાં છે. એમાં તેમની બહુશ્રુતતા, વિભિન્ન માનવવિદ્યાઓનું વિશાળ જ્ઞાન, અને સૂક્ષ્મ સંમાર્જિત રસજ્ઞતાનો પરિચય મળે છે. સાહિત્યકાર તરીકે સાક્ષરયુગના અને પછી ગાંધીયુગના સાહિત્ય સાથે બળવંતરાય ઠાકોરની ઊંડી નિસ્બત રહી છે. પણ એક સર્જક ચિંતક અને વિવેચક લેખે તેમની માનસિક ભૂમિકા સૌ સાક્ષરોમાં એકદમ નિરાળી રહી છે. સાહિત્યની સાથોસાથ તેઓ ઇતિહાસ અને સમાજશાસ્ત્ર જેવા વિષયોના અભ્યાસી રહ્યા છે. તેમનું બૌદ્ધિક જીવન પ્રાચીન ધર્મપુરાણથી નહિ, પાશ્ચાત્ય બૌદ્ધિકતાવાદ વિજ્ઞાનવાદનું પોષણ પામતું રહ્યું છે. તેમની કળાદૃષ્ટિ અને રુચિ વિશેષત: પાશ્ચાત્ય સૌન્દર્યમીમાંસાથી કેળવાયેલી છે. એટલે કવિતા અને સાહિત્ય વિશે તેમણે જે ચિંતન કર્યું તેમાં અનિવાર્યપણે સમાજ સંસ્કૃતિ અને ઇતિહાસનું ગાઢ અનુસન્ધાન રહ્યું છે, બલકે પાશ્ચાત્ય વિકાસવાદ તેમની વિચારણાને દિશાદર્શક બની રહ્યો છે. બળવંતરાય સાહિત્યમાં ઐતિહાસિક વાસ્તવ અને યુગનિર્મિત સત્યો પ્રગટ થવાં જોઈએ એમ કહે છે. તેમનો વિચારપ્રધાન કવિતાનો ખ્યાલ તેમના બૌદ્ધિકતાવાદ સાથે સુસંગત છે. ઊર્મિલતા નહિ, વાયવી ભાવનાઓ નહિ, બહારના જગતના બિનંગત નક્કર સ્પર્શક્ષમ વાસ્તવનો બોધ તેઓ કવિતામાં માંગે છે. કાવ્યનો ભાવ મૂર્ત સ્પર્શક્ષમ વિચાર દ્વારા વ્યક્ત થાય તે માટે તેમનો આગ્રહ રહ્યો છે. આ કાવ્યભાવનાના સંદર્ભે સળંગ અગેય પદ્યરચનાની તેમણે હિમાયત કરી. જુદા જુદા નિમિત્તે ગુજરાતી કવિતાના પ્રવાહોની ચર્ચા કરી. ગ્રન્થકાર-અધ્યયન અને ગ્રન્થસમીક્ષાના ક્ષેત્રમાંય તેમણે મહત્ત્વનું કામ કર્યું. આ યુગમાં કેશવ હ. ધ્રુવ, વિશ્વનાથ વૈદ્ય, ઉત્તમલાલ ત્રિવેદી, આદિ અભ્યાસીઓએ પણ સંશોધન, વિવેચનાના ક્ષેત્રમાં અર્પણ કર્યું છે. આ સદીની પહેલી પચ્ચીસીમાં સર્જનાત્મક સાહિત્યમાં અને વિવેચનમાં વાતાવરણ બદલાયું છે. બીજા દાયકાના ઉત્તરાર્ધમાં ગાંધીજીની જીવનદૃષ્ટિનો આપણા પ્રજાજીવનમાં અને સાહિત્યજગતમાં વ્યાપક પ્રભાવ પડતો દેખાય છે. તેમની સમગ્ર પ્રવૃત્તિ લોકાભિમુખ રહી છે, અને એમાં નૈતિક આધ્યાત્મિક શ્રેયનો પરમ આદર્શ રહ્યો છે. ગાંધીજીએ કંઈ વ્યવસ્થિત સાહિત્યચિંતન કર્યું નથી, પણ સાહિત્યપરિષદના પ્રમુખ તરીકેના પોતાના વક્તવ્યમાં અને પ્રસંગે પ્રસંગે રજૂ કરેલાં મંતવ્યોમાં તેમનું આગવું દૃષ્ટિબિંદુ ઊપસી આવ્યું છે, તેમના મતે સાચું સાહિત્ય પ્રજામાં શીલ સદાચાર અને પુરુષાર્થ જેવા સાત્ત્વિક ગુણોનું સિંચન કરે છે. એવું સાહિત્ય સરળ અને સુગમ ભાષામાં રજૂ થાય, અને લોકોના અંતર સુધી પહોંચે તેમાં જ તેની સાર્થકતા રહી છે. તોલ્સ્તોયની કળાવિચારણાનો એમાં પ્રભાવ છે. ગાંધીયુગની કવિતામાં તેમ તેના વિવેચનવિચારમાં ગાંધીજીને ઇષ્ટ એવા કેટલાક વિચારો અને મૂલ્યોની નિર્ણાયક અસર પડી છે. બીજી બાજુ આ સમયે કનૈયાલાલ મુનશીએ સાહિત્યમાં ‘સરસતા’ અને ‘સચોટતા’નો મહિમા કર્યો. સાહિત્યનું મૂળભૂત પ્રયોજન વાચકોને આનંદ આપવાનું છે. તેમના મતે નીતિ કલા માટે વિષકન્યા સમી છે. એટલે સાહિત્યકાર સમાજમાં પ્રચલિત નીતિસદાચારના ખ્યાલોથી બંધાયેલો નથી એમ તેઓ કહેવા ચાહે છે. ગાંધીજી અને મુનશીના સાહિત્યવિચારો વચ્ચે કવિવર ટાગોરની સૌન્દર્યવાદી વિચારણા, પાશ્ચાત્ય સામ્યવાદ અને પ્રગતિવાદ જેવી વિચારધારાઓનોય કેટલોક પ્રભાવ આ સદીના વિવેચન પર પડ્યો. વળી આ તબક્કામાં ટૂંકી વાર્તા, એકાંકી લલિત નિબંધો, આત્મકથા, પ્રવાસ આદિ સ્વરૂપોના ખેડાણ સાથે વિવેચનવિચારનો વ્યાપ વિસ્તરતો ગયો. ગાંધીજી, કાકાસાહેબ, મહાદેવ દેસાઈ, કિશોરલાલ મશરૂવાળા ઉપરાંત એ માર્ગના બીજા અનેક ચિંતકોએ સાહિત્યપ્રવૃત્તિને માનવજીવનના નૈતિક આધ્યાત્મિક ઉત્કર્ષ અર્થે સ્વીકારી તેની સૂક્ષ્મ અને પરોક્ષ અસર રામનારાયણ પાઠક, નગીનદાસ પારેખ, ‘સ્નેહરશ્મિ’ અને ઉમાશંકરના ચિંતન પર પડી. જોકે સાહિત્યકળાના મુખ્ય સિદ્ધાંતો સાથે તેઓ કોઈક રીતે સમન્વય કરવા પ્રેરાયા. આ તબક્કામાં ગાંધીવિચારથી ઝાઝા પ્રભાવિત નહિ એવા અનેક વિદ્વાનો-વિવેચકોની નવી પેઢી કામ કરતી થઈ છે. એ પૈકી વિજયરાય વૈદ્ય, વિશ્વનાથ ભટ્ટ, વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, રસિકલાલ પરીખ, અંબુભાઈ પુરાણી, ભૃગુરાય અંજારિયા, નવલરામ ત્રિવેદી, રામપ્રસાદ શુક્લ, રામપ્રસાદ બક્ષી, ડોલરાય માંકડ, જ્યોતીન્દ્ર દવે, સુંદરજી બેટાઈ, મનસુખલાલ ઝવેરી, ગુલાબદાસ બ્રોકર, ‘સુન્દરમ્’, ચુનીલાલ મડિયા, જયંતિ દલાલ, અનંતરાય રાવળ, ભોગીલાલ ગાંધી, ચી. ના. પટેલ વગેરેની વિવેચનપ્રવૃત્તિ વિશેષ ધ્યાનપાત્ર છે. વિજયરાય વૈદ્ય, વિશ્વનાથ ભટ્ટ અને વિષ્ણુપ્રસાદ ત્રિવેદી એ ત્રણ વિવેચકોની સાહિત્યભાવના અને રસરુચિ વિશેષત: પાશ્ચાત્ય સાહિત્યવિવેચનથી સંસ્કારાયાં છે. એ પૈકી વિજયરાયે સિદ્ધાંતવિચારના ક્ષેત્રમાં ઓછું, પ્રત્યક્ષ વિવેચનમાં વધુ મહત્ત્વનું કામ કર્યું છે. ‘કૌમુદી’ અને ‘માનસી’ જેવાં ઊંચી ગુણવત્તાવાળાં સાહિત્યિક સામયિકોના દૃષ્ટિપૂર્વકના સંપાદન દ્વારા સાહિત્યિક પત્રકારત્વનો ઊંચો આદર્શ તેમણે સિદ્ધ કર્યો. વિશ્વનાથ ભટ્ટે સ્વાધ્યાયવૃત્તિથી સાહિત્યનાં મૂલ તત્ત્વોની સર્વાશ્લેષી વિચારણા કરવાનો પ્રયત્ન કર્યો, વિષ્ણુપ્રસાદ ત્રિવેદીનું વિવેચનકાર્ય એ બંને કરતાં વધુ તેજસ્વી અને પ્રભાવક રહ્યું છે. તેમના સિદ્ધાંતવિવેચનમાં ‘રસ’ ‘સૌન્દર્ય’ કે ‘રમણીયતા’ વિશેનું, ‘અનુભાવન’ના સિદ્ધાંતનું અને ‘સાધારણીકરણ’નું તેમનું ચિંતન સ્વતંત્ર અને મૌલિક સૂઝવાળું છે. રામનારાયણ પાઠકના કાવ્યવિચારમાં ગાંધીજીની જીવનવિચારણાનો અમુક સૂક્ષ્મ પ્રભાવ છે. જોકે તેમની અધ્યયન વિવેચનરીતિમાં સાક્ષરોની બહુશ્રુતતા, ગંભીર પર્યેષક વૃત્તિ અને વિશ્લેષણદૃષ્ટિનો યોગ થયો છે. પણ સાથોસાથ આ સદીના નવા માનવતાવાદી વિચારો અને મૂલ્યોનો એમાં સ્વીકાર થતો રહ્યો છે. વળી જીવન અને સાહિત્યકળા વિશે તેઓ જે રીતે ચિંતન કરતા રહ્યા તેમાં તેઓ અનુભવવાદી તરીકે ઊપસતા રહ્યા છે. સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં તેમની મુખ્ય પ્રેરણા રહી છે, પણ તેના સિદ્ધાન્તોના વિવરણ અને અર્થઘટનમાં યથાવકાશ તેઓ પાશ્ચાત્ય કળામીમાંસાના પાયાના ખ્યાલોને સાંકળીને તેની આધુનિક પ્રસ્તુતતા દર્શાવતા રહ્યા છે. ‘કાવ્યની શક્તિ’ શીર્ષકનો દીર્ઘઅભ્યાસલેખ તેમના કાવ્યવિચારની મુખ્ય ભૂમિકા બરોબર છતી કરે છે. અન્ય લલિત કળાઓથી કવિતાની કળા તેના વિશિષ્ટ માધ્યમ ભાષાને કારણે વિશેષ શક્તિ ધરાવે છે એમ તેઓ દર્શાવે છે. એમણે કવિતામાં લાગણીમય વિચારને કે વિચારનિષ્ઠ લાગણીને પુરસ્કારી છે. સૂક્ષ્મ રસજ્ઞતા, મર્મગ્રાહી વિશ્લેષણ દૃષ્ટિ, સ્વસ્થ સમતોલ વિવેકવિચાર અને સઘન અધ્યયનસંસ્કારને કારણે એમની ગ્રન્થસમીક્ષાઓ ઊંચાં ધોરણો પ્રાપ્ત કરે છે. ઉમાશંકર અને ‘સુન્દરમ્’ – ગાંધીયુગના બે પ્રમુખ સાહિત્યકારોએ પણ વિવેચનક્ષેત્રમાં ઘણું સંગીન કામ કર્યું છે. એ બંનેમાં ઉમાશંકર છેવટ સુધી સમાજ સંસ્કૃતિ અને રાષ્ટ્રના પ્રશ્નોમાં ઊંડો રસ લેતા રહ્યા. પ્રાચીન અને અર્વાચીન, ભારતીય અને પાશ્ચાત્ય – દરેક પરંપરાના પ્રશિષ્ટ સર્જકો અને તેમની કૃતિઓના સંસ્કારો ઝીલીને તેમની સાહિત્યદૃષ્ટિ વિશાળ ઉદાર સૂક્ષ્મ અને સંમાર્જિત બની છે. સાહિત્યની સિદ્ધાન્તચર્ચા, મહાન પ્રશિષ્ટ સાહિત્યકારોનાં અધ્યયનો, સાહિત્યિક પ્રવાહો અને પ્રશ્નો વિશે વ્યાખ્યાનો, ગ્રન્થસમીક્ષાઓ, પ્રશ્નોત્તરી એમ અનેકવિધ રીતે તેમની વિવેચનપ્રવૃત્તિ સતત વિકસતી રહી છે. ભારતીય સાહિત્યશાસ્ત્ર અને પાશ્ચાત્ય કળામીમાંસાના અનેક પાયાના સિદ્ધાન્તો સાંકળીને બને તેટલો વ્યાપક સાહિત્યવિચાર રજૂ કરવાનો તેમનો પ્રયત્ન રહ્યો છે. કાવ્યતત્ત્વની આ શોધમાં અભિનવ અને કુંતક, વાલેરી ક્રોચે એલિયટ એમ બંને પરંપરાના મહાન આચાર્યોની વિચારણાનો આધાર લે છે. સંસ્કૃતનાં મહાકાવ્યો અને નાટકો વિશેનાં અધ્યયનોમાં તેમની પ્રશિષ્ટ દૃષ્ટિ રુચિનો સુભગ પરિચય મળે છે. ‘સુન્દરમ્’ની વિવેચનપ્રવૃત્તિમાં સિદ્ધાન્તચર્ચા અને પ્રત્યક્ષવિવેચન બંનેય ક્ષેત્રનું અર્પણ આગવું મહત્ત્વ ધરાવે છે ‘અર્વાચીન કવિતા’ ગ્રન્થમાં કવિ દલપતરામથી ત્રીસીના આરંભ સુધીના મુખ્યગૌણ બધાય કવિઓની સૂક્ષ્મ રસદૃષ્ટિથી સમીક્ષા કરી છે. વિષયવ્યાપની દૃષ્ટિએ એ એક વિશાળ વિવેચનકાર્ય ખરું જ, પણ એમાં પૂરી સહૃદયતા ઊંડી કળાસૂઝ અને સ્વસ્થ મૂલ્યાંકનથી થયેલું વિવેચન તેમની વિરલ વિવેચકપ્રતિભાનો સાચો પરિચય આપે છે. કાવ્યગ્રન્થો, વાર્તાસંગ્રહો, નવલકથાઓ વગેરે સ્વરૂપની કૃતિઓનાં અવલોકનોમાંય તેમની એ જ માર્મિક વેધક અંતર્દૃષ્ટિનો, નિર્ભીક અભિપ્રાયોનો અને રસાર્દ્ર ગદ્યશૈલીનો સજીવ પરિચય થાય છે. છઠ્ઠા દાયકાના પૂર્વાર્ધમાં આપણે ત્યાં આધુનિકતાવાદનું આંદોલન જન્મ્યું, એના મુખ્ય પ્રણેતા અને આંદોલનકાર સુરેશ જોષી હતા, પણ તરુણ પેઢીના બીજા અનેક લેખકો એમાં સહભાગી બન્યા. સુરેશ જોષીએ એ સમયે જે નવી કળાવિચારણા રજૂ કરી તેમાં પશ્ચિમના નવ્ય વિવેચનને અભિમત રૂપવાદ મુખ્ય ભૂમિકારૂપે રજૂ થયો હતો. જોકે તેમની વિચારણામાં રૂપવાદની સાથે સંકળાઈને કે કંઈક અલગ રીતે પ્રતીકવાદ, અસ્તિત્વવાદ, એબ્સર્ડ અને અમૂર્ત કળાવાદનાં વિચારવલણોય પ્રતિષ્ઠિત થતાં રહ્યાં. પરંપરાગત સાહિત્યવિચારથી સાવ ભિન્ન ભૂમિકા તેમણે રજૂ કરી. એમાં ‘શુદ્ધ કળા’ કે ‘શુદ્ધ કવિતા’ માટે રજૂઆત હતી. નિર્મિતને અનુષંગે ભાષાકર્મ/કવિકર્મ, રચનારીતિ અને રચનાપ્રયુક્તિઓ, કલ્પનો/પ્રતીકો, સ્વપ્ન કપોલકલ્પિત જેવી વાસ્તવિકતા એમ અનેક પાસાંઓનો તેમણે સૂક્ષ્મદૃષ્ટિએ વિચાર કર્યો. સુરેશ જોષીના કાવ્યવિચારમાં પરિચિત જગતનાં સંવેદનો, અનુભવો, વિચારધારાઓ સર્વ કાચી સામગ્રી રૂપ છે. સર્જનની પ્રક્રિયા દ્વારા એનું જે અંતિમરૂપ સિદ્ધ થાય છે તેમાં એવાં કોઈ તત્ત્વોની અલગ સત્તા સંભવતી નથી. સુરેશ જોષીએ ટૂંકી વાર્તાની નવી વિભાવના રજૂ કરી તેમાં મોટો ભાર રૂપનિર્મિતિ અને ટેકનિક પર પડ્યો. એની અંતર્ગત વિષયવસ્તુના નિગરણની અને ઘટનાના હ્રાસની ચર્ચા કરી. એ પૈકી ઘટનાના હ્રાસનો મુદ્દો કેટલોક સમય તીવ્ર વિવાદનો વિષય બની રહ્યો. નવલકથાની કળા વિશેય સર્વથા નવા દૃષ્ટિકોણથી ચર્ચા કરી અને ગુજરાતી નવલકથાની સિદ્ધિમર્યાદાઓનું કઠોર પરીક્ષણ કર્યું. વળી, ‘આસ્વાદ’ સંજ્ઞાથી ઓળખાવાયેલી રૂપવાદી વિવેચનની આગવી પરંપરા તેમણે ઊભી કરી. સમકાલીન ગુજરાતી સાહિત્યની પરિસ્થિતિ વિશે, પ્રવાહો વિશે કે વિવેચનના નવા નવા પ્રશ્નો વિશે ‘મનીષા’ ‘ક્ષિતિજ’ ‘ઊહાપોહ’ અને ‘એતદ્’ જેવાં સામયિકોમાં સતત ઊહાપોહ કરતા રહ્યા. હકીકતમાં, છઠ્ઠા દાયકામાં આધુનિકતાવાદી વિચારવલણોના પ્રભાવ નીચે ગુજરાતી વિવેચનમાં મોટું પરિવર્તન આરંભાયું. એમાં એક બાજુ ‘આધુનિક’ અને ‘આધુનિકતાવાદ’ જેવી સંજ્ઞાઓ સ્પષ્ટ કરવાના પ્રયત્નો શરૂ થયા. રશિયન રૂપવાદ, શૈલીવિજ્ઞાન, સંરચનાવાદ, અનુસંરચનાવાદ, વિઘટન, વાચનપ્રતિભાવ અને પાઠગ્રહણ, નારીવાદ, ફિનોમિનોલોજી, માર્ક્સવાદી સાહિત્યવિચાર, મનોવિશ્લેષણવાદ, સમાજશાસ્ત્રીય – સાંસ્કૃતિક અભિગમ, તુલનાત્મક સાહિત્ય – એમ નવી સાહિત્યચર્ચાઓ ઝીલવાના પ્રારંભો થયા. જોકે સિદ્ધાન્તવિચારમાં જે નવા પ્રારંભો થયા છે તે કૃતિ વિવેચનમાં એટલા પરિણામકારી નીવડ્યા નથી. પરસ્પર ભિન્ન વિવેચન વિચારને કારણે ઘણું સંકુલ અને જટિલ ચિત્ર ઊપસતું રહ્યું છે. સ્વયં વિવેચનના સ્વરૂપ કાર્ય અને પદ્ધતિઓ પરત્વે ફેરતપાસ શરૂ થઈ છે. આસ્વાદની પ્રવૃત્તિ ઊર્મિકાવ્ય ઉપરાંત લલિત નિબંધ અને ટૂંકી વાર્તા સુધી વિસ્તારવાના પ્રયત્નો થતા રહ્યા છે. બદલાયેલા વિવેચનાત્મક સંદર્ભમાં આગલી પેઢીના સાહિત્યકારોનું પુનર્મૂલ્યાંકન કરવાની પ્રવૃત્તિ પણ ચાલતી રહી છે આ ગાળામાં હરિવલ્લભ ભાયાણીએ સંસ્કૃતના અને આધુનિક પાશ્ચાત્ય સાહિત્યચર્ચાના અનેક બીજભૂત સિદ્ધાન્તો અને વિભાવનાઓનું પૂરી ચોકસાઈથી સ્પષ્ટીકરણ કરવાની તેમ શક્ય ત્યાં તુલના કરવાની પ્રવૃત્તિ કરી. જયંત કોઠારીનું વિશેષ મહત્ત્વનું અર્પણ મધ્યકાલીન જૈન અને જૈનેતર કવિઓ અને કૃતિઓ વિશેનાં શોધનિર્ભર વિવેચનો છે. સાહિત્યિક તથ્યોની કઠોર પરિશ્રમપૂર્વકની ખોજ અને વિશાળ જાણકારીને કારણે એ વિવેચનો વધુ શ્રદ્ધેય બન્યાં છે. ભોળાભાઈ પટેલ ગુજરાતી સાહિત્ય ઉપરાંત હિંદી બંગાળી વગેરે પૂર્વીય સાહિત્યનો સારો અભ્યાસ ધરાવતા હોઈ ભારતીય તુલનાત્મક સાહિત્યના ક્ષેત્રમાં આગવું અર્પણ કરી રહ્યા છે. સિતાંશુ મહેતા પણ તુલનાત્મક સાહિત્યના ક્ષેત્રમાં પ્રવૃત્ત થયા છે. તેમના શોધનિબંધ ‘રમણીયતાનો વાગ્વિલાસ’માં પાશ્ચાત્ય ચિંતક કાન્ટ અને ભારતીય અભિનવ અને ભર્તૃહરિના ‘રૂપ’ અને ‘રમણીયતા’ વિશેની વિભાવનાઓનું તુલનાત્મક અધ્યયન ઉલ્લેખનીય છે. ચંદ્રકાન્ત ટોપીવાળાએ આરંભમાં ભાષાવિજ્ઞાનલક્ષી અભિગમથી કૃતિઓના વિશ્લેષણ–વર્ણનની મહત્ત્વપૂર્ણ પ્રવૃત્તિ કરી. આધુનિક ભાષાવિચારણામાંથી આધાર લઈ ‘સંસર્જનાત્મક કાવ્યશાસ્ત્ર’ની રચનામાં પ્રવૃત્ત થયા. પાછળથી રોલાંબાર્થ, લોત્મન, દેરિદા, બખ્તિન વગેરે અગ્રણી અભ્યાસીઓની સાહિત્યવિચારણાનો પરિચય આપતા અધ્યયનલેખો આપ્યા. સુમન શાહે સુરેશ જોષીના સમગ્ર સાહિત્યના શોધનિબંધમાં તેમના સર્જનવિવેચનનું પરીક્ષણ કરતાં આધુનિકતાવાદી કળાવિચાર રજૂ કર્યો છે. આધુનિકતાવાદ અને ગુજરાતી સાહિત્યમાં સક્રિય રહેલાં આધુનિક વિચારવલણો ઉપરાંત રૂપવાદ, સંરચનાવાદ, અનુસંરચનાવાદ, ફિનોમિનોલોજી જેવા વિષયોમાં અભ્યાસપૂર્ણ લખાણો આપ્યાં છે. શિરીષ પંચાલે ‘કાવ્યવિવેચનની સમસ્યાઓ’ શોધનિબંધમાં ‘રૂપરચના’ ‘ભાષા’ ‘અલંકારચના અને પ્રતીકરચના’ અને ‘જીવનદર્શન’ એ ચાર વિભાવનાઓ લઈ અર્વાચીન ગુજરાતી કાવ્યવિચારનું અધ્યયન રજૂ કર્યું છે. મધુસૂદન બક્ષી, અરુણ અડાલજા, રમેશ ઓઝા, રસિક શાહ વગેરે અભ્યાસીઓએ પણ આધુનિક પાશ્ચાત્ય ચિંતનધારાઓ અને તેથી પ્રેરિત સાહિત્યવિચારણાઓનો પરિચય આપતા લેખો પ્રગટ કર્યા છે. આથી ભિન્ન, ભોગીલાલ ગાંધી, ચી. ના. પટેલ અને મનુભાઈ પંચોલી (દર્શક) જેવા અભ્યાસીઓએ કોઈપણ વિચારધારાની કઠોર પ્રતિબદ્ધતા વિનાય સાહિત્યમાં વ્યક્ત થતી સામાજિક/ સાંસ્કૃતિક ચેતનાની તપાસ કરતાં લખાણો પ્રગટ કર્યાં છે. આ ગાળામાં આગલી પેઢીના અભ્યાસીઓ – વિવેચકોમાં હીરાબહેન પાઠક, અનંતરાય રાવળ, ધીરુભાઈ ઠાકર, યશવંત શુક્લ, ઈશ્વરલાલ દવે, ઉપેન્દ્ર પંડ્યા, ચિમનલાલ ત્રિવેદી, રમેશ શુક્લ, કનુભાઈ જાની, વગેરેનું આગવી આગવી કળાદૃષ્ટિ અને રુચિવૃત્તિથી અંકિત વિવેચન આગવું અર્પણ બને છે. એ અભ્યાસીઓનું વલણ એકંદરે પરંપરાભિમુખ છે. બીજી બાજુ નિરંજન ભગત, નલિન રાવળ, અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ, પ્રમોદકુમાર પટેલ, રમણ સોની, ચંદ્રકાન્ત શેઠ, દિગીશ મહેતા, અનિલાબહેન દલાલ, રઘુવીર ચૌધરી, હર્ષદ ત્રિવેદી, જયંત ગાડીત, ધીરુભાઈ પરીખ, રાધેશ્યામ શર્મા, જશવંત શેખડીવાળા, બળવંત જાની, પ્રવીણ દરજી, વિજય શાસ્ત્રી, અને બીજા તરુણ પેઢીના અભ્યાસીઓએ અધ્યયન – વિવેચનનું આગવું ક્ષેત્ર પસંદ કરીને તેમાં મહત્ત્વનું કામ કર્યું છે. પ્ર.પ.