ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ગ/ગુજરાતી સાહિત્યની મૌખિકપરંપરા

From Ekatra Wiki
Jump to navigation Jump to search



ગુજરાતી સાહિત્યની મૌખિકપરંપરા: વિશ્વસ્તરે ભારતીયસાહિત્યને સ્પર્શતાં જે સંશોધનો થાય છે, એમાંથી પસાર થઈએ તો ખ્યાલ આવે કે મોટેભાગે આજે ઓરલ ટ્રેડિશન વિષયે વધુ ને વધુ કામ થઈ રહ્યું છે. લિખિતપરંપરાને બદલે હવે અભ્યાસીઓ મૌખિકપરંપરા તરફ વધુ વળ્યા છે. એન્ટવીસ્ટલ, માલિંઝો, સીંગર, રામાનુજન ઇત્યાદિનાં કાર્યો તો ખૂબ જ પ્રચલિત છે. એક સમય એવો હતો જ્યારે ગ્રેટ ટ્રેડિશન એટલેકે સંસ્કૃત ભાષાના લિખિતગ્રન્થોની પરંપરાને સંશોધનમાં વધુ ને વધુ મહત્ત્વ અપાતું, પણ પછીથી લીટલ ટ્રેડિશન એટલેકે પ્રાદેશિક-રિજિયોનલ કે વર્નાક્યુલર-ભારતીય ભાષાઓની મૌખિકપરંપરાની વધુ મહત્તા સિદ્ધ થઈ. હકીકતે મધ્યકાલીન સાહિત્યની મૌખિકપરંપરા પણ છે. આપણે ત્યાં સાહિત્યના ઇતિહાસમાં તથા સ્વતંત્ર રીતે પણ લોકગીતો-લોકવાર્તાઓને આપણા અભ્યાસમાં સ્થાન આપ્યું અને લિખિતપરંપરાના મધ્યકાલીનસાહિત્યને પણ સંપાદિત કરીને અભ્યાસ માટે સામગ્રીરૂપે ઉપલબ્ધ કરાવી આપ્યું. પરંતુ મધ્યકાળનું એવું સાહિત્ય, જે લિખિત રૂપે જળવાયું નથી, લિખિતપરંપરામાં બદ્ધ થયું નથી અને માત્ર કંઠસ્થપરંપરામાં જ વહ્યું છે – રહ્યું છે, એ સાહિત્યપરંપરાનું ખરું-પૂરું ચિત્ર નથી. કંઠસ્થવાણીની પરંપરા અનેક વિશિષ્ટતાઓ ધરાવે છે. એને એ રીતે વૈજ્ઞાનિક અભિગમથી પણ ચકાસી શકાય તેમ છે. ગુરુદેવ ટાગોરે બાઉલોની કંઠસ્થપરંપરાની વાણીમાંથી ટપકતા તત્ત્વજ્ઞાનને ખોલી બતાવ્યું હતું. આપણી સામાન્ય જનતાનાં હૃદયમાં યોગસાધનાનો જે પથ પ્રવહમાન છે, એ બહુધા આજ સુધી અદૃશ્ય રહ્યો છે. આ વાણીના પ્રકાશનના બહુ જ થોડા પ્રયત્નો થયા છે. સમગ્ર પ્રવાહનું એકત્રીકરણ કે વ્યવસ્થિત ચિંતનઅધ્યયન થયું નથી. એની સૈદ્ધાંતિક પીઠિકા પણ ઘડી નથી. વિશ્વના વિદ્વાનો જેના માટે ખૂબ જ ઉત્સુક છે એ આખી ધારા અહીં વણખેડાયેલી છે. કંઠસ્થપરંપરાની એ આખી સાધનાધારાના પ્રવાહથી અનભિજ્ઞ રહેવું હવે આપણને પોસાય તેમ નથી. ‘ઓરલ ટ્રેડિશનલ લિટરેચર’ અને ‘ફ્લોટીંગ લિટરેચર’ સંજ્ઞાઓ અંગ્રેજીમાં પ્રયોજાતી રહી છે. આ માટે હરિવલ્લભ ભાયાણી ‘મુખપાઠપરંપરાનું સાહિત્ય તથા કનુભાઈ જાની ‘કંઠસ્થપરંપરાનું સાહિત્ય’ એવી સંજ્ઞાઓ પ્રયોજતા રહ્યા છે. ક્વચિત્ ‘તરતું-પરંપરિત-સાહિત્ય’ અને ‘કંઠસ્થપરંપરાનું સાહિત્ય’ એવી સંજ્ઞાઓ પણ પ્રયોજાયેલી જોવા મળે છે. ‘કંઠસ્થપરંપરા’ સંજ્ઞા રૂઢ અર્થમાં આપણે ત્યાં લોકસાહિત્ય માટે પણ પ્રયોજાતી રહી છે. હકીકતે, ગુજરાતીમાં કંઠસ્થપરંપરાનું સત્ત્વશીલ સાહિત્ય વિપુલમાત્રામાં ઉપલબ્ધ છે. આજ સુધી આપણાં સંશોધનમાં બહુ સ્થાન નહીં પામેલું આ કંઠસ્થપરંપરાનું સાહિત્ય ઘણું છે. અભ્યાસની વ્યવસ્થા ખાતર આ સાહિત્યને નીચે પ્રમાણે પાંચ વિભાગમાં વિભાજિત કરી શકાય છે: ૧, વિવિધ સંપ્રદાયના પ્રવર્તક સંતોનું અને અનુયાયીનું ભજનસાહિત્ય, ૨, નારીવૃંદ દ્વારા પ્રસ્તુત થતું ધોળ, કીર્તન અને પદસાહિત્ય, ૩, ચારણ, બારોટ અને રાવળોનું સાહિત્ય, ૪, વિધિવિધાનોનું સાહિત્ય અને ૫, ધર્માંતરિત પ્રજાનું સાહિત્ય. લોકગીત-લોકસાહિત્ય સિવાયની કંઠસ્થપરંપરાની આ પાંચ ધારા આપણે ત્યાં ઇતિહાસમાં કે સંશોધનમૂલક અભ્યાસમાં બહુ સ્થાન પામેલી નથી. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની વિપુલ સામગ્રીમાંથી કેટલુંક જે રીતે જૂની હસ્તપ્રતો રૂપે જળવાયેલું સંરક્ષિત છે, તે રીતે ઘણું-બધું કંઠસ્થપરંપરા રૂપે પણ જળવાયેલું છે. એટલે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યધારાનો પૂરો પરિચય પામવા માટે કંઠસ્થપરંપરાના સાહિત્યને પણ ખપમાં લેવાનું રહે. ‘જૂના રીતરિવાજો, માન્યતાઓ કે પરંપરા પરત્વેની આસ્થા-શ્રદ્ધા જેમની પાસે જળવાઈ રહી છે, એવી પ્રજામાં મોટેભાગે આ કંઠસ્થપરંપરાનું સાહિત્ય પ્રચલિત છે.’ કંઠસ્થપરંપરાની આ પાંચેય ધારાને હકીકતે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનું લૌકિકરૂપ ગણી શકાય. જૂની હસ્તપ્રતોમાં છે તે એક રૂપ અને બીજું તે આ કંઠસ્થપરંપરાનું લૌકિક રૂપ. કંઠસ્થપરંપરાની પાંચેય ધારાઓનું સાહિત્ય માત્ર મધ્યકાલીન સાહિત્યની ભોંય પર જ ઊભું છે, એમ નથી. એમાંનું કેટલુંક તો મધ્યકાલીન સાહિત્ય જે ભોંય પર ઊભું છે, એ પ્રાકૃત, અપભ્રંશ કે સંસ્કૃત સાહિત્યના સીધા પ્રભાવ હેઠળ પણ પરંપરા રૂપે પ્રચલિત થયું છે. કંઠસ્થપરંપરાના સાહિત્યનાં સંરક્ષણ, સંપાદન અને સ્વાધ્યાયમાં મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનાં ધોરણો જ પદ્ધતિ તરીકે સીધેસીધાં ખપમાં લાગે તેમ નથી. કારણકે, આ પરંપરાના સાહિત્યની પ્રકૃતિ જ જુદી છે. આ પરંપરામાંનાં લોકસાહિત્ય, સંતસાહિત્ય અને ચારણીસાહિત્ય અને અન્ય ધારા વચ્ચે પણ પરસ્પર સૂક્ષ્મરૂપની ભેદરેખા છે, એટલે આ પાંચેય ધારાનાં સંરક્ષણ, સંપાદન, સ્વાધ્યાય અને મૂલ્યાંકનમાં પણ વિવેક દાખવવો, ઔચિત્ય જાળવવું અનિવાર્ય છે. બ.જા.