ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ગ/ગુજરાતી સાહિત્યિક વિવાદો

From Ekatra Wiki
Jump to navigation Jump to search



ગુજરાતી સાહિત્યિક વિવાદો: ગુજરાતી સાહિત્યના મધ્યકાળના પ્રવાહમાં સૌથી મોટો વિવાદ પ્રેમાનંદનાં નાટકોનો છે. કવિને શેક્સપીઅરનું ગૌરવ આપવા માટે વડોદરાના અજ્ઞાત વિદ્વાનોએ જાહેર કર્યું કે પ્રેમાનંદે ત્રણ નાટકો લખ્યાં છે: ૧, રોષદર્શિકા સત્યભામાખ્યાન. ૨, પાંચાલી પ્રસન્નાખ્યાન, ૩, તપત્યાખ્યાન. પ્રકાશોના મત પ્રમાણે તો પ્રેમાનંદે અગિયાર નાટકો રચ્યાં હતાં. નરસિંહરાવે ઝીણવટથી પર્યેષણા કરીને આ નાટકો પ્રેમાનંદનાં નથી એ પુરવાર કરી આપ્યું. કેટલાકે પ્રશ્નો કર્યા કે આટલો વખત આ નાટકો અંધારામાં કેમ રહ્યાં? ભાલણની કાદંબરી પેઠે આ નાટકોની હસ્તપ્રત ક્યાં છે? રંગભૂમિ વિના નાટકનું સાહિત્ય સંભવી શકે? પ્રેમાનંદની પૂર્વે કે પછી નાટ્યસાહિત્ય ઉપલબ્ધ નથી? કેટલાકે તારણો આપ્યાં કે આ નાટકોમાં ગાયનો છે, નૃત્યો છે. પૂર્ણ યોજનાવાળી રંગભૂમિ મધ્યકાળમાં કલ્પી શકાતી નથી. નાટકની ભાષાશૈલી પ્રેમાનંદની નથી. પ્રેમાનંદને પ્રાકૃતનું જ્ઞાન હોઈ શકે નહીં. સૂક્ષ્મ આધુનિક અંશો સાવચેતીના અભાવે પેસી ગયા છે. પ્રેમાનંદ શુદ્ધ છંદો પ્રયોજી શકે નહીં. પાંખવાળી દેવીની કલ્પના અને તપત્યાખ્યાનમાં રંગભૂમિ પર અશ્લીલ ચેષ્ટા નિહાળવા મળે છે. પ્રેમાનંદનાં આ કહેવાતાં નાટકોમાં ભાષાસ્વરૂપની દૃષ્ટિએ પણ નરસિંહરાવે કેટલાક દોષો નોંધ્યા છે. ચારુતર, મહાશય, ધન્યવાદ જેવા શબ્દો પ્રેમાનંદ યોજી શકે નહીં. મહાશય બંગાળી અસર બતાવે છે. તેમ બંદાઓ, ખામુખા, રવાના જેવા શબ્દો ફારસી રંગ બતાવે છે. જોશીબુઆ, આટોપવું, લક્ષ્ય, શપથ અને દુર્મિલ મરાઠી અસર બતાવે છે. ચંદ્રી, નીડરપણે, મનુષ્યહરણ તદ્ન આધુનિક ઘડતરના શબ્દો છે. ઊભી શકાય, મીંદડી, જેવા સોરઠી પ્રયોગો જોવા મળે છે. જેમકે લાગુ પડે, કહો કે, એક કાંકરે અનેક પંખી પડે, સદાને માટે જેવા શબ્દપ્રયોગ પ્રવેશ્યા છે. ખુશને બદલે ખુશી (પ્રસન્ન) તદ્દન આધુનિક પ્રયોગ છે. ચોરને ઠગીને મોર મારી અને ક્ષમાની તમા જેવા શબ્દોમાં યમકનું વલણ જોવા મળે છે. આવી સસ્તી ભાષાચતુરાઈ પારસી રંગભૂમિ પર પ્રયોજાતી. ‘કહે લૂંડી નવાબ તો કે નવાબ’, ‘સફાઈમાંથી હાથ કાઢતો નથી’, ‘ધોળકું ધોળી આવ્યો વગેરે રૂઢિ પ્રયોગો કે કહેવતો પ્રેમાનંદની કૃતિમાં શક્ય નથી. તેમનું અર્થગર્ભ ધારણ છે કે રાજશેખર, બાણ કે હર્ષને પ્રેમાનંદ વાંચે તે શક્ય નથી. મધ્યકાલીન ઇતિહાસમાં પ્રેમાનંદ-શામળ સ્પર્ધાનો વિવાદ નોંધાયો છે. “ઘર ઘર રાગ તાણું નહીં”, “કથ્યું કથે તે શાનો કવિ?” જેવા શામળના ઉદ્ગારોને પ્રેમાનંદ પર કરવામાં આવેલા કટાક્ષો ગણવામાં આવ્યા. વળી શામળની વિદ્યાવિલાસિની વાર્તા અને તેનાં પાત્રો પર પ્રેમાનંદે કટાક્ષ કર્યો છે. એવો મત કેશવ હ. ધ્રુવે રજૂ કર્યો. ‘અષ્ટાવક્રાખ્યાન’ રચાયા પછી ‘વિદ્યાવિલાસિની’ની રચના થઈ છે એવું મંતવ્ય અનંતરાય રાવળે રજૂ કર્યું છે. વળી, શામળના ‘ઉદ્યમ કર્મસંવાદ’ પર પ્રેમાનંદ ‘દ્રોપદીહરણ’માં લખે છે. ‘હવે ઉદ્યોગ હિમાયતી / કરવો કવણ ઉપાય? / કર્મ ખરું કહેવું પડે / નિ:સંશય મન માંહ્ય.’ પણ પ્રેમાનંદને ખાતે ચડાવી દેવામાં આવેલું ‘દ્રોપદીહરણ’ શામળના જન્મ પૂર્વે રચાયું છે. એમ અનંતરાય રાવળે નોંધ્યું છે. તેમની દૃષ્ટિએ આ સ્પર્ધા મનઘડી દંતકથા જ રહે છે. દયારામના ભક્તિશૃંગાર વિશે ક. મા. મુનશીએ પ્રશ્ન ઊભો કર્યો છે: ‘દયારામ ભક્ત કે પ્રણયી? મુનશી માને છે કે પ્રેમાનંદની પ્રણયમસ્તીભરી કૃતિઓમાં તેના યૌવનનો રંગ છલકે છે. તેના જમાનામાં સ્વલક્ષી પ્રીતનાં સ્પંદનો પ્રગટ કરી શકાતાં નથી તેથી ભક્તિશૃંગારનો તેણે આશ્રય લીધો છે. તેમના આ મંતવ્ય સામે નાનાલાલ, અનંતરાય, ઉમાશંકર અને નિરંજન ભગતે પ્રતિવાદ કર્યો છે. એમની મુખ્ય દલીલો આવી છે: દયારામે પ્રણાલીગત ગોપીભાવે શ્રીકૃષ્ણની ભક્તિસરિતા વહાવી છે. ભાગવત અને ગીતગોવિંદના માર્ગે દયા પ્રીતમની લીલા જ તેણે સાચા ભાવે પ્રગટ કરી છે. પાલગ્રેવઝ ટ્રેઝરીના અભ્યાસી નરસિંહરાવની અર્વાચીન ઊર્મિકાવ્યોની ‘કુસુમમાળા’ વિશે રમણભાઈએ ‘લીલું કુંજધામ’ અને ‘રણમાં મીઠી વીરડી’ કહીને અહોભાવ પ્રગટ કર્યો છે. મણિભાઈ નભુભાઈએ આ સંદર્ભમાં પૂર્વપ્રેમને લીધે પાશ્ચાત્ય કાવ્યકુસુમોને રૂપ રસ ગંધ વર્જિત ગણ્યાં છે. પણ કુસુમમાળાની કવિતાને ઉતારી પાડી નથી. રમણભાઈ નીલકંઠના મંતવ્ય અનુસાર આત્મલક્ષી ઊર્મિકવિતા વધુ ઊંચી છે. આ મંતવ્ય આજે સ્વીકાર્ય નથી. નરસિંહરાવની કવિતા પશ્ચિમની ઊર્મિકવિતાને પહોંચી નથી. રમણભાઈએ ‘પૃથ્વીરાજ રાસા’ની પંક્તિ ‘રોયાં વનવૃક્ષવેલીઓ’ ટાંકીને કુદરતનાં તત્ત્વોમાં માનવભાવોના નિરૂપણને આગળ ધરીને વૃત્તિમય ભાવાભાસ રૂપી દોષની ચર્ચા કરી છે. નરસિંહરાવે અંતદર્શન મહત્ત્વનું છે એમ કહ્યું અને આનંદશંકરે કહ્યું કે આવા દોષને ગણનામાં લઈએ તો અદ્ભુતરસનું શું થાય? આ ચર્ચા રસ્કિનના મતથી જાગી છે. જહાંગીર સંજાણાએ ઉમાશંકર સંપાદિત ‘કલાન્ત કવિ’માં બાલનંદિનીના અર્થો અને અર્થઘટનના અનેક દોષો બતાવ્યા છે. એ સામે પ્રતિવાદ શક્ય નથી. પણ સંજાણાએ ‘કલાન્તકવિ’ની ૨૩મી કડીમાં પરકીયા પ્રેમનો સંદર્ભ જોયો છે. ઉમાશંકરે વિરામચિહ્ન મૂકીને બાલાશંકરનું કાવ્ય પરકીયા પ્રેમનું નથી એમ પુરવાર કર્યું છે. ૧૯૫૭માં વિષ્ણુપ્રસાદ ત્રિવેદીએ એક રેડિયો વાર્તાલાપમાં ૧૯૪૭થી ૧૯૫૭ની નવીન કવિતાનું અવલોકન કર્યું હતું. પછી સુધારાવધારા સાથે તેમનો લેખ ‘સંસ્કૃતિ’માં પ્રગટ થયો હતો. તેમાં ઉમાશંકર, ‘સુન્દરમ્’, રાજેન્દ્ર, ‘ઉશનસ્’, જયંત પાઠકની કવિતા વિશે અછડતું અવલોકન કર્યું છે. પણ છેલ્લા દાયકાની કવિતા વિશે ઉગ્રતા દાખવી છે. પ્રિયકાન્ત જેવા કવિઓની કવિતા પ્રતીકરાગી બને છે. પ્રિયકાન્તે ગદ્યમ્પદ્યમ્ શૈલીમાં ‘કાળ’ પર કાવ્ય રચ્યું છે પ્રતીકરાગીઓએ નવીન હિંદી કવિતાની ગદ્યલઢણોથી ચેતવા જેવું છે. નવીનો ક્ષણપ્યાસી માનસ ધરાવતા થયા છે. સૌથી મોટી તથા તો શ્રદ્ધાના અભાવની છે. એલિયટના વિવેચનની પણ માઠી અસર પડી છે. ઉમાશંકર જોશીએ ‘સમકાલીન કવિતા’ નામના લેખમાં હિંદી નવી કવિતાની અસર પડી નથી એ મુદ્દો સ્પષ્ટ કર્યો છે. અને સાથે સ્પષ્ટ કર્યું છે કે કવિની શ્રદ્ધા જડ માળખાગત બસ હોઈ શકે નહીં. ‘કાળ’ જેવી કવિતામાં છંદ છે જ એ પણ એમણે દૃઢપણે પ્રતિપાદિત કર્યું છે. વ્ર.દ.