ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ગ/ગુજરાતી સાહિત્ય પર સ્વાતંત્ર્યપ્રાપ્તિની અસર

From Ekatra Wiki
Jump to navigation Jump to search



ગુજરાતી સાહિત્ય પર સ્વાતંત્ર્યપ્રાપ્તિની અસર: ‘સ્વાતંત્ર્ય’ કોઈપણ દેશની પ્રજા માટે સૌથી મોટી ઘટના છે. એ થકી જ પ્રજા પોતાની રીતે નીખરી રહે છે. પણ આપણે ત્યાં સ્વાતંત્ર્યપ્રાપ્તિની અપેક્ષા પ્રમાણેની વિધાયક અસરો નીપજી નથી, પ્રમાણમાં નિષેધાત્મક બાજુ વધુ ઊપસી છે. હકીકતમાં ‘સ્વાતંત્ર્ય’ની ક્ષણ આપણે માટે આનંદ કરતાં વધારે વેદનાનુભવની ક્ષણ બની છે. ગાંધીજીનું અપમૃત્યુ, કોમી રમખાણો, તદ્જન્ય હત્યાકાંડો, ભાષા-પ્રાંતના ઝઘડા, દેશના ટુકડા – આ સર્વ સ્વાતંત્ર્યની મહામૂલી પળના આનંદને ઓછો કરી નાખે છે. સ્વાતંત્ર્યપૂર્વેની પ્રજા-નેતાઓની સક્રિયતા અને નિખાલસતાનું, સ્વાતંત્ર્ય પછીનાં તરતનાં વરસોમાં બીજું, સામેના છેડાનું રૂપ જોવા મળે છે. કેટલાકને આઝાદી મળવાનું કારણ તેથી પ્રજાજુવાળ કે તેમના બલિદાન કરતાં વધારે તો તે સમયની વૈશ્વિક પરિસ્થિતિ લાગે છે. કેટલાકને તેમાં અંગ્રેજી શાસકોની ભલમનસાઈ જણાઈ છે. પ્રજા સ્વાતંત્ર્ય પૂર્વેનાં વર્ષોમાં સર્વ ભેદભાવ ભૂલી એક થઈને દેશને આઝાદ કરાવવા વિદેશી શાસકો સામે લડી રહી હતી એ પ્રજા જોતજોતામાં સ્વાતંત્ર્ય મળતાંવેત તરત અંદરોઅંદર લડીને અનેકશ: વિચ્છિન્ન થઈ જતી જોવાય છે. બીજા વિશ્વયુદ્ધે જે વિનાશકતા છતી કરીને અણુવિજ્ઞાન અને યંત્રવિજ્ઞાનની ભીષણતાને પ્રત્યક્ષ કરી આપી હતી તે સંદર્ભ કંઈ દૂરનો નહોતો. અહીંના કે કોઈપણ દેશના માનવીમાં રહેલી નાસ્તિમૂલકવૃત્તિને સમજવામાં તેમાંથી તાળો મળી રહ્યો. ગુજરાતી સાહિત્ય ઉપર સ્વાતંત્ર્યપ્રાપ્તિની અસર જરૂર છે પણ એ આવાં વિધાયક પરિબળોને લઈને પ્રાપ્તિની ઉત્ફુલ્લતા કરતાં, પ્રાપ્તિની નિષ્ફળતાને લઈને જ વધુ છે. આવી અસરોના તાર બે રીતે ખેંચાતા આવ્યા છે. એક તો સ્વાતંત્ર્યપૂર્વે અને સ્વાતંત્ર્યપ્રાપ્તિ એમ બંને બિંદુઓ વચ્ચે જેમનો વિરાટ દેહ પથરાયેલો છે એ ગાંધીજી અને તેમની વિચારણાનો તાર નીતિ, સ્વાવલંબન, અહિંસા, સદાચાર, પ્રામાણિકતા, બંધુત્વ, નીતિ, સ્વાવલંબન વગેરે મૂલ્યોની પુન:પ્રતિષ્ઠા માટે આપણે ત્યાં સાહિત્યકારોનો એક વર્ગ સતત લખતો રહ્યો છે – છેક આજ સુધી આપણે એને સ્વાતંત્ર્યપ્રાપ્તિની સીધી અસર ભલે ન લેખીએ પણ સ્વાતંત્ર્યપ્રાપ્તિ સાથે, તેના આદર્શો સાથે ગાંધીજી અકાટ્યપણે જોડાયેલા હતા. તેથી જેવા મળ્યા તેવા સ્વાતંત્ર્યને કડવાઘૂંટ સાથે સ્વીકારી લેનારા વર્ગે સદા ગાંધીકથિત મૂલ્યોને શ્રદ્ધાપૂર્વક ચાહ્યાં છે, તેની જિકર કરી છે. સર્જકોનો એક વર્ગ ગુજરાતી કવિતા, વાર્તા, નવલકથા, એકાંકી – નાટક તેમજ નિબંધ વગેરેમાં એ માનવીય મૂલ્યોને સદા શબ્દદેહ આપતો રહ્યો છે. આવી પરોક્ષ અસર એ દૃષ્ટિએ નોંધનીય બની છે. બીજો તાર સ્વાતંત્ર્યપ્રાપ્તિની પ્રત્યક્ષ અસરનો છે. સ્વાતંત્ર્યપ્રાપ્તિનો જે સીધો લાભ થયો તે બહુવિધ ક્ષેત્રોમાં મુક્ત રીતે સંચરણ કરવાનો. પરિણામે જ્ઞાનની ક્ષિતિજો લંબાય છે, કેળવણીનો વ્યાપ વધે છે, સમૂહમાધ્યમો પૂરી મોકળાશથી વિકસે – વિસ્તરે છે. કોશ, વિશ્વકોશ, અનુવાદ, સાંસ્કૃતિક, સાહિત્યિક આદાન-પ્રદાનની પ્રવૃત્તિઓ વેગીલી બને છે. પશ્ચિમનો સંપર્ક એકદમ ગાઢ બને છે. આથી ઘરઆંગણે સર્જાયેલી દુ:સહ સ્થિતિ સાથે યંત્રવિજ્ઞાનની ગૂંગળાવી નાખે એવી વૈશ્વિક પરિસ્થિતિને પણ તે સાંકળતો થાય છે. ગુજરાતી સર્જકની સામે તિતર-બિતર માનવીના અસ્તિત્વનો પ્રશ્ન આવીને ઊભો રહે છે. સરી જતાં સ્વપ્નો અને કકરી વાસ્તવિકતા – બંનેનો તે સાક્ષી બની રહે છે. મનુષ્યની સિદ્ધિઓ શાપરૂપ પુરવાર થઈ જણાઈ. વિજ્ઞાન કાળોતરો બની તેને દંશ દેવા લાગ્યું. ઈશ્વર, માનવ ઉપરથી હવે તે છિન્ન માનવ ઉપર આવી ઠર્યો. આદર્શોનું છડેચોક લિલામ થવા લાગ્યું, દંભ-ડોળ અને ભ્રષ્ટતા – અસહ્ય બન્યાં. આ નવી પરિસ્થિતિ હવે શબ્દકારણ બને છે. મૂલ્યપ્રતિષ્ઠાને બદલે મૂલ્યહ્રાસ, અહિંસાને બદલે હિંસા, માનવીય વિચ્છેદ, નગરજીવનનું બિહામણું રૂપ વગેરે તેના વિષયો બનવા લાગ્યા. નવા વિષયો તેની સાથે નવી શૈલી લઈ આવે છે, અસહ્ય ગૂંગળામણને તે વ્યંગ્ય-વક્રતાથી પ્રકટાવે છે, ભારેખમ ભાષાને બદલે સીધી, બોલચાલની ભાષાનો ઉપયોગ શરૂ થાય છે. પ્રતીક, પ્રતિરૂપ, અલંકાર, પુરાકલ્પનની સૃષ્ટિ હવે નવ્યરૂપે અવતરે છે. શ્લીલઅશ્લીલ, ભદ્ર-અભદ્રના સીમાડા લોપાય છે. જીવન તૂટ્યું, લય તૂટ્યો સાથે શબ્દ પણ બદલાયો, નવા નવા શબ્દોની અજમાયશ વધી, રૂઢસ્વરૂપોમાંથી કેટલુંક ગયું, કેટલુંક નવું ઉમેરાયું. સ્વરૂપગત વિભાવનાઓમાં પણ પરિવર્તન આવ્યું. કથા કહેતાં, કથા કહેવાની રીત, રૂપાન્તરની પ્રક્રિયા, મહિમાવંતી બની. પરંપરાગત વિષયો આવે ત્યારે પણ તેની શિકલ બદલાયેલી હોય. મંગલ શબ્દની શ્રદ્ધા ગઈ, મુર્દાની બૂ સતાવા લાગી. સ્વપ્નબીન ભાંગ્યું, સુરમાની મેશ પણ લાધી નહિ. સ્વાતંત્ર્યપ્રાપ્તિની પ્રત્યક્ષ અસરથી આવો એક વધુ સાચો, વાસ્તવિક સંદર્ભ ખૂલ્યો. કળા વ્યાપકતાની સાથે સૂક્ષ્મતા ધારણ કરે છે. શુદ્ધ કળાની વાત કેન્દ્રમાં આવે છે. પ્ર.દ.