ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ગ/ગુજરાત બહાર ગુજરાતી ભાષા-સાહિત્યનાં પ્રભાવ

From Ekatra Wiki
Jump to navigation Jump to search



ગુજરાત બહાર ગુજરાતી ભાષા-સાહિત્યનો પ્રભાવ : ગુજરાત બહાર ગુજરાતી સાહિત્ય અંગેની પ્રવૃત્તિઓ સર્જકલેખકો દ્વારા, ગુજરાતી મંડળો દ્વારા અને ક્યારેક સરકારી અર્ધસરકારી તંત્રો દ્વારા ચાલતી જોવા મળે છે. ગુજરાત બહાર ભારતમાં સર્જકલેખકોમાં ધ્યાનપાત્ર બની રહે છે કલકત્તા કે જ્યાં શિવકુમાર જોષી આદિ લેખકોએ સાહિત્યસર્જનની આબોહવા ઊભી કરી છે. બંગાળીમાંથી ગુજરાતી અનુવાદોનું કામ કલકત્તાસ્થિત સદ્. રમણીક મેઘાણી આદિએ કર્યું છે. મુંબઈ મહારાષ્ટ્રમાં આવેલું છે પણ ગુજરાતી સર્જકોથી ભર્યું ભર્યું છે. હમણાં જ ત્યાં ગુજરાતીઓ માટે સાહિત્ય અકાદમી સ્થપાઈ. અનેક રીતે ગુજરાતી સાહિત્યક્ષેત્રે એ શહેર પ્રવૃત્ત છે. કિશોર જાદવ નાગાલેન્ડમાં તથા ઈવા ડેવ અગાઉ મદ્રાસ અને દિલ્હીમાં વિશિષ્ટ ગણી શકાય. ગુજરાતીમંડળો પણ દિલ્હી, કલકત્તા, મદ્રાસ, વગેરેમાં સક્રિય છે. ત્રણેય શહેરો યશસ્વી રીતે ગુજરાતી સાહિત્ય પરિષદનાં અધિવેશનો યોજવા દ્વારા તથા પોતાની સ્વતંત્ર પ્રવૃત્તિઓ દ્વારા, ખાસ કરીને સ્થાનિક તથા ગુજરાતના સાહિત્યકારોને આમંત્રીને પ્રવચનમાળાઓ યોજવા દ્વારા મોટું કામ કરતાં રહ્યાં છે. એક ફેડરેશન રૂપે ‘અખિલ ભારત ગુજરાતી સમાજ’ પણ છે પણ તેની સાથે સંકળાયેલાં ભારતનાં રાજ્યેરાજ્યનાં ગુજરાતી મંડળોમાં સાહિત્યિક પ્રવૃત્તિઓનું સ્થાન અપવાદ રૂપે રહ્યું છે. છેલ્લાં વર્ષોમાં મુદ્રણકાર્ય સરળ બનવાથી, ભારતનાં અનેક શહેરોમાં ગુજરાતીઓ દ્વારા, ગુજરાતીઓ માટે, સ્થાનિક સંવાદ માટે સાપ્તાહિક પત્રિકાઓ નીકળતી રહી છે. કલકત્તાનું ‘નવરોઝ’ અને પછી ‘પૂર્વગુર્જરી’ અને ‘કલકત્તા હલચલ’ સાહિત્યિક વલણવાળા સંપાદન માટે વિખ્યાત છે. અન્ય નવાં સામયિકોમાં, ઉદાહરણાર્થે નાગપુરથી હમણાં જ ૧૯૯૬થી પ્રગટ થવા માંડેલું ‘ગુર્જરપુષ્પ’ ગણાવી શકાય. મુંબઈ તથા દિલ્હીથી મોટાં ગજાનાં વ્યાવસાયિક કૌશલ્ય દર્શાવતાં દૈનિકો-સામયિકો સ્થાનિક તથા બહારના વાચકોને સાહિત્યિક વાચન પૂરું પાડે છે. દિલ્હીનું ‘ઇન્ડિયા ટુડે’ તથા મુંબઈનાં ‘ચિત્રલેખા’ અને ‘અભિયાન’ ખાસ નોંધપાત્ર છે. ‘જન્મભૂમિ પ્રવાસી’ની મુંબઈથી પ્રગટતી રવિવારીય આવૃત્તિ તથા ‘ગુજરાત સમાચાર’ની રવિવારીય આવૃત્તિ પણ ગુજરાત અને ગુજરાત બહારના ગુજરાતીઓ વચ્ચે કડીરૂપ બની રહ્યાં છે. સરકારી-અર્ધસરકારી તંત્રોમાં નેશનલ બુકટ્રસ્ટ તથા કેન્દ્રીય સાહિત્ય અકાદમી વગેરે વિશેષ કરીને ગુજરાતીભાષી પ્રકાશનક્ષેત્રે ફાળો આપી રહ્યાં છે. ભારત બહાર જતાં સાહિત્યિક રીતે સૌથી વધુ પ્રવૃત્ત દેખાય છે યુ.એસ.એ. કેનેડા તથા ઇંગ્લેન્ડના ગુજરાતીઓ. અહીં ગુજરાતી ભાષાની નવી પેઢીની જાગૃતિ પરખાય છે. વ્યક્તિગત નામો ન ગણાવવા છતાં આ સૌની, વિદેશનિવાસની મન :સ્થિતિની અભિવ્યક્તિની પ્રારંભિક મથામણને બિરદાવવી રહી. કેટલાકે માત્ર વિદેશી ગુજરાતી સાહિત્યસમાજ નહીં, ગુજરાતી સાહિત્યના કેન્દ્રવર્તી પ્રવાહમાં પણ નામ કાઢ્યું છે, ભારત બહાર ગુજરાતીઓ દ્વારા પ્રગટતાં સામયિકોમાં અમેરિકાનું ‘ગુર્જરી ડાયજેસ્ટ’ (સંપાદક કિશોર દેસાઈ) સાહિત્યિક હેતુલક્ષી ત્રિમાસિક તરીકે લગભગ એક દાયકાથી સ્થિર થયું છે. ઉપર જેમની વાત કરી તેમાંના ઘણાખરા અમેરિકા-કેનેડાસ્થિત ગુજરાતી સર્જકોનાં નામ ‘ગુર્જરી ડાયજેસ્ટ’માં વંચાશે. ઇંગ્લેન્ડમાં રમણીક સોલંકીનું ‘ગરવી ગુજરાત’ તથા સી. બી. પટેલનું ‘ગુજરાત સમાચાર’ (લંડનનું) એ પત્રકારત્વના વિશાળ કાર્યક્ષેત્ર સાથે સાહિત્ય સમાચાર, અવલોકનો તથા ક્યારેક ટૂંકી સર્જકકૃતિઓ દ્વારા ત્યાંની ગુજરાતી પ્રજાની જરૂરિયાત પૂરી પાડે છે. ઇંગ્લેન્ડમાં તાજેતરમાં પ્રગટ થવા માંડેલું ‘ઓપિનિયન’ પણ ભાષાસાહિત્યની સમસ્યાઓને વરેલું છે. મોંટ્રિયલ(કેનેડા)થી ‘સબરસ’, લેસ્ટર(ઇંગ્લેંડ)થી ‘અમે ગુજરાતી’ અને ‘ન્યૂજર્સી’(યુ.એસ.એ.)થી ‘ગુજરાત’ પણ પ્રગટ થાય છે. એક ખૂબ નોંધપાત્ર અને ભવિષ્યની ખૂબ શક્યતાઓ ધરાવતી પ્રવૃત્તિ ઇંગ્લેન્ડ, યુ.એસ.એ., કેનેડા, મધ્યપૂર્વ, આફ્રિકા અને અન્ય દેશોમાં વિકસતી રહી છે તે, સ્થાનિક ગુજરાતીમંડળો દ્વારા પ્રગટતાં વાર્ષિક, ત્રિમાસિક અને માસિક પત્રોનું પ્રકાશન. ઇન્ડિયા ફાઉન્ડેશન ઓફ ડેટન (હરીશ ત્રિવેદી)નું ‘દોસ્તી’; ગુજરાતી સમાજ, ન્યુયોર્કનું ‘કલમ’નું ગુજરાતી સમાજ ઓફ ગ્રેટર પિટ્સબર્ગનું ‘ગુર્જર’, ફેડરેશન ઓફ જૈન એસોસિયેશન્સ ઓફ નોર્થ અમેરિકાનું ‘જૈન ડાયજેસ્ટ’, શ્રી ગુજરાતી સમાજ બેહરિનનું ‘ગુર્જર ગુંજન’, ગુજરાતી કલ્ચરલ એસોસિયેશન કુવૈતનું ‘સ્મરણિકા’ તથા યુ. એ. ઈ. દુબાઈના ગુજરાતી સમાજનું ‘નવરાત્રિ’ વાર્ષિક વગેરે ઉદાહરણો નોંધી શકાય. અમદાવાદસ્થિત ખૂબ જૂની વિશ્વગુર્જરી સંસ્થા વાર્ષિક ‘વિશ્વ ગુર્જરી’ તથા વિશ્વગુજરાતી સમાજ ‘વિશ્વનીડમ્’ પ્રગટ કરે છે. આમાના ઘણાખરા પત્રોનો મુખ્ય હેતુ સાહિત્યિક નથી. છતાં એમાં પ્રગટતાં કાવ્યો પ્રસંગચિત્રો, અનુભવકથાઓ, હાસ્યકંડિકાઓ, વાર્તાઓ વગેરે વિદેશસ્થિત ગુજરાતી સર્જકવૃત્તિને ઉત્તેજન આપનારાં બની રહ્યાં છે. ઇંગ્લેન્ડમાં ગુજરાતી સાહિત્ય એકેડેમી(લંડન)ની પ્રવૃત્તિઓમાં ભાષાશિક્ષણ તથા સાહિત્યપ્રસારને મુખ્ય ગણવાં જોઈએ. ગુજરાતી ભાષાનું શિક્ષણ-પરીક્ષણ, શિક્ષકોને તાલીમ, સરકારીતંત્રો જોડે ભાષાપ્રચારમાં સહકાર એ એનાં પ્રવૃત્તિક્ષેત્રો રહ્યાં છે. કેનેડા તથા યુ.એસ.એ.માં એકમાત્ર કેનેડાનું ‘ફોગા’ તથા બીજું કેનેડા તથા યુ.એસ.એ.નું સંયુક્ત ‘ફોગાના’ એવાં બે ‘ફેડરેશન્સ’ પ્રવૃત્ત છે. ‘ફોગાના’માં લગભગ ૧૦૦થી વધુ પ્રાદેશિકમંડળો સભ્યપદ ધરાવે છે. ‘ફોગાના’ની મુખ્ય પ્રવૃત્તિ રાસગરબા ઉત્સવોની આસપાસ કેંદ્રિત થઈ છે, પણ તાજેતરમાં એણે એકાંકીસ્પર્ધા યોજવા માંડી છે. ન્યૂયોર્ક, હ્યુસ્ટન, ડેટન, વોશિંગ્ટન વગેરે યુ.એસ.એ.નાં શહેરોમાં તેમ ઇંગ્લેન્ડમાં લંડનમાં અનેક મંડળો છૂટક છૂટક નાટ્યપ્રવૃત્તિ કરી રહ્યાં છે. અનેક સાહિત્યકારો કલાકારો આમાં પ્રવૃત્ત છે પણ મધુ રાય તથા જયંતિ પટેલનાં નામ તેમની પ્રલંબ સક્રિય કારકિર્દીને લીધે પ્રથમ યાદ આવે છે. ચંદ્રકાન્ત શાહ અભિનિત ‘નર્મદ’ નાટ્યપ્રયોગ તાજેતર(૧૯૯૫)નું પ્રેરક સાહસ છે. લંડનમાં ભારતીય વિદ્યાભવનનું પ્રદાન મોટું છે. ખાસ તો નૃત્યનાટિકા ક્ષેત્રે કેનેડામાં વિદેશી – દેશી સંસ્કૃતિઓને સરકારી ઉત્તેજન મળે છે. ભારતીય વિદ્યાભવન ન્યૂયોર્ક, ટોરેન્ટો, બોસ્ટન, લિસ્બન(પોર્ટુગલ) વગેરેમાં ધાર્મિક-સાંસ્કૃતિક રીતે કાર્યરત છે, સાહિત્યને કંઈક અંશે આ બધાંનો આડકતરો લાભ મળે છે એટલું જ. સંગીતજૂથો જેમકે લેસ્ટર(ઇંગ્લેન્ડ)નું ચંદુભાઈ મટ્ટાણીનું જૂથ સુગમસંગીત દ્વારા ગુજરાતી કવિતાના સૂર પ્રસરાવે છે. બોલ્ટન(ઇંગ્લેન્ડ)માં તથા બાટલી યોર્કશાયર, (ઇંગ્લેન્ડ)માં ગુજરાતી ગઝલકારોની સ્વ-અભિવ્યક્તિની મથામણ દેખાય છે, એ ઉદાહરણાર્થે નોંધીએ. વિદેશોમાં સ્વામિનારાયણ, જૈન, વૈદિકધર્મ, વૈષ્ણવસંપ્રદાય વગેરેની ઘણામોટા પાયા પર ધાર્મિક પ્રવૃત્તિઓ ચાલે છે. જો કે આમાં સાહિત્યિક સર્જકતાને કે સાહિત્યિક ભાવકરુચિ અને શિક્ષણને સ્થાન નથી. હોંગકોંગ, સિંગાપુર, જાપાન, ઓસ્ટ્રેલિયા, બેલ્જીયમ, મધ્યપૂર્વ તથા આફ્રિકાના દેશો આ બધે જ ગુજરાતી ભાષા ધાર્મિક-સામાજિક પ્રવૃત્તિના ઘણા જ નાના અંશ તરીકે, અને તે ય ક્યારેક જ દેખા દે છે, જે ગુજરાતી માણસની વૃત્તિ-સંસ્કૃતિનું સૂચક છે. યુ.એસ.એ.માં સાહિત્યપ્રવૃત્તિઓ માટે સ્થપાયેલી ગુજરાતી લિટરરી અકાદમીએ અત્યાર સુધીમાં ૧૦થી વધુ સાહિત્યકારોને અમેરિકા આમંત્રીને ભાષા-સાહિત્યની જાગૃતિમાં ફાળો આપ્યો છે. ન્યૂયોર્કનું દર ૬૦ દિવસે મળતું અવૈધિક જૂથ પણ ચૈતન્યસભર છે. ઇંગ્લેન્ડમાં જગદીશ દવેએ ગુજરાતી ભાષાશિક્ષણ અંગે ઊંચી કક્ષાની અભ્યાસ સામગ્રી વિકસાવી છે. યુ.એસ.એ.માં ભરત શાહ તથા કિરીટ શાહે ગુજરાતી શીખવા માટે મૌલિક દૃષ્ટિએ પાઠ્યપુસ્તકો રચ્યાં છે. ફિલાડેલ્ફિયામાં યુનિવર્સિટી સ્તરે અપાતું ગુજરાતી ભાષાસાહિત્યનું શિક્ષણ (આયોજક પન્ના નાયક) અને અખા જેવા પ્રશિષ્ટ કવિની કૃતિઓનું ગુજરાતીમાંથી અંગ્રેજીમાં અનુવાદનું કાર્ય સફળ રીતે કરનાર બોસ્ટનના પ્રમોદ ઠાકર ‘(કૃષ્ણાદિત્ય’)નું કાર્ય પણ, પ્રેરક નીવડવાં ઘટે. બ.ત્રિ.