ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ગ/ગુજરાત શાળાપત્ર
ગુજરાત શાળાપત્ર : ગુજરાતી પ્રજામાં કેળવણી અને સાંસ્કૃતિક જાગૃતિ આણવા માટે ગુજરાતના કેળવણીખાતાએ મહીપતરામ રૂપરામ નીલકંઠના સંપાદન તળે, ૧૮૬૨માં અમદાવાદથી પ્રકાશિત કરેલું માસિક મુખપત્ર. એના એકાધિક સંપાદકોમાં કમળાશંકર પ્રાણશંકર ત્રિવેદી અને નવલરામ પંડ્યાની સેવાઓ વિશેષ ઉલ્લેખનીય છે. કવિતા, કાવ્યસંપત્તિનું દિગ્દર્શન, પ્રવાસવર્ણન, કેળવણીખાતાની ખબરો, વાચનમાળાના ખુલાસા, સંગીતવિષય, વનસ્પતિવર્ણન, ગ્રન્થાવલોકન, ચર્ચાપત્રો તેમજ સંસ્કૃત-વ્યાકરણ જેવા સ્થાયી વિભાગો ધરાવતા આ સામયિકે ગુજરાતના શિક્ષણક્ષેત્રે દીર્ઘકાલીન સાતત્યપૂર્ણ સેવા આપી છે. નવલરામ પંડ્યાના સંપાદનમાં શાળાપત્રે વૈજ્ઞાનિક-શાસ્ત્રીય અભિગમ દાખવ્યો અને પોતાનો વિષયવ્યાપ કેળવણી સુધી સીમિત ન રાખતાં સાહિત્ય, અર્થશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, ઇતિહાસ તેમજ ખગોળ જેવા વિષયોમાં અધિકૃત સામગ્રી પ્રગટ કરી. તદ્ઉપરાંત ગુજરાતી ગ્રન્થાવલોકનનો આદર્શ રચવાની સંનિષ્ઠ મથામણ પણ કરી છે. ર.ર.દ.