ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ગ/ગુજરાત સાહિત્ય અકાદમી

From Ekatra Wiki
Jump to navigation Jump to search



ગુજરાત સાહિત્ય અકાદમી : ૧૯૮૧માં રાજ્યસરકારે અલગ ગુજરાત સાહિત્ય અકાદમીની સ્થાપના કરી. જેમાં ભાષા નિયામક કચેરી દ્વારા થતી કેટલીક યોજનાઓ ઉપરાંત લોકસાહિત્ય અને અન્ય અર્વાચીન ભારતીય ભાષાઓની કામગીરી, સિંધી-ઉર્દૂ અને સંસ્કૃતની સલાહકાર સમિતિઓની પણ કામગીરીનો સમાવેશ કરવામાં આવ્યો. ગુજરાતી, સંસ્કૃત, સિંધી, ઉર્દૂ અને હિન્દી એમ પાંચ સાહિત્ય અકાદમીઓનાં બંધારણ તૈયાર થયાં. જેને રાજ્ય સરકારે ૧૯૯૩માં માન્ય કર્યાં છે. અને એમ રાજ્યમાં પાંચ સ્વાયત્ત અકાદમીઓ અસ્તિત્વમાં આવી છે. અન્ય ચાર અકાદમીઓની સદસ્ય સંખ્યા ૩૩ની છે, જ્યારે ગુજરાત સાહિત્ય અકાદમીમાં અન્ય અર્વાચીન ભારતીય ભાષાઓ તથા લોકસાહિત્યની અલગ અકાદમીઓ નહીં હોવાને કારણે તે ક્ષેત્રના વિદ્વાનોનો પણ સમાવેશ કરી સદસ્ય સંખ્યા ૪૧ નિશ્ચિત કરવામાં આવી છે. જે આ મુજબ છે : સરકારી અધિકારી ૦૫, સરકાર નિયુક્ત સાહિત્યકારો ૦૫, સાહિત્યકાર મતદાર મંડળ દ્વારા ચૂંટાયેલાં ૦૯, સાહિત્યસંસ્થાઓ દ્વારા ચૂંટાયલા ૦૯, વિવિધ યુનિવર્સિટીઓના પ્રતિનિધિ ૦૮, ગૌરવ પુરસ્કાર મેળવેલા સાહિત્યકારોમાંથી ૦૨, અકાદમીની નવી રચાતી સામાન્યસભાએ સહવરણી કરેલા ૦૩ એમ કુલ ૪૧ સદસ્યો પોતાનામાંથી અકાદમીના પ્રમુખ, ઉપપ્રમુખ તથા કાર્યવાહક સમિતિની ચૂંટણી કરે છે. કાર્યવાહક સમિતિમાં. સરકાર નિયુક્ત પાંચ અને સામાન્યસભાએ ચૂંટેલા પાંચ એમ કુલ દસ સદસ્યો છે. ગુજરાત સાહિત્ય અકાદમીના ઉદ્દેશો વ્યાપક રીતે ભાષાસાહિત્યના ઉત્કર્ષ વિકાસને લગતા છે. જેમાં – ૧, ગુજરાત પ્રદેશમાં બોલાતી ગુજરાતી ભાષા ઉપરાંત અન્ય ભાષાઓ જેમકે બંગાળી, મરાઠી, પંજાબી, તમિળ, તેલુગુ, ઇત્યાદિ ભારત સરકારે માન્ય કરેલી ભાષાઓ તેમજ ગુજરાત પ્રદેશની ડાંગી કચ્છી વગેરે બોલીઓ અને તેના સાહિત્યનાં વિકાસ, સંશોધન અને ઉત્કર્ષની કામગીરી છે. ૨, અકાદમીના ઉદ્દેશો જેવા સમાન ઉદ્દેશો માટે કાર્ય કરતી માન્ય સાહિત્યસંસ્થાઓ અને મંડળોને આર્થિક તેમજ અન્ય પ્રકારે સહાય કરવાની કામગીરી. ૩, નવોદિત સાહિત્યકારોના પ્રથમ સર્જનાત્મક પુસ્તકના પ્રકાશન માટે આર્થિક સહાય રૂ. ૫૦૦૦/આપવાની કામગીરી. ૪, શિષ્ટ માન્ય યોજનામાં વિવેચન-સંશોધન પ્રકારનાં પુસ્તકોના પ્રકાશન માટે રૂ. ૫૦૦૦/-ની આર્થિક સહાય આપવાની કામગીરી. ૫, આદિવાસી અને પછાત વિસ્તારની શૈક્ષણિક સંસ્થાઓનાં ગ્રન્થાલયોને પુસ્તક સ્વરૂપે આર્થિક સહાય. ૬, પ્રતિવર્ષ પ્રગટ થતાં શ્રેષ્ઠ પુસ્તકોને પારિતોષક અર્પણ કરવાની કામગીરી ૭, શૈક્ષણિક તથા સ્વૈચ્છિક સંસ્થાઓને પુસ્તકસ્વરૂપે આર્થિક સહાય. ૮, ગુજરાતી ભાષા-સાહિત્યનો ઉત્કર્ષ વિકાસ થઈ શકે એવાં મહત્ત્વનાં પુસ્તકોનું પ્રકાશન. ૯, ‘શબ્દ-સૃષ્ટિ’ સામયિકનું પ્રકાશન. ૧૦, બાલસાહિત્યના પ્રકાશન માટે લેખકને આર્થિક સહાય. ઉપરની મહત્ત્વની યોજનાઓ સિવાય અન્ય નાની-મોટી ચાલીસેક જેટલી યોજનાઓ અને કામગીરી છે. હ.અ.ત્રિ.