ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ગ/ગુણીભૂતવ્યંગ્ય
ગુણીભૂતવ્યંગ્ય: ધ્વનિસિદ્ધાન્તના પ્રવર્તન પછી વ્યંગ્ય કે વ્યંજનાની પ્રધાનતાના આધાર પર જે ઉત્તમ, મધ્યમ અને અધમ જેવા કાવ્યભેદ કરાયા છે, તેમાં મધ્યમ કાવ્યને ગુણીભૂતવ્યંગ્યની પણ સંજ્ઞા અપાય છે. એમાં વાચ્યાર્થની અપેક્ષાએ વ્યંગ્યાર્થ ગૌણ હોય છે. બીજી રીતે કહીએ તો જ્યાં વાચ્યાર્થ અધિક રમણીય હોય એ ગુણીભૂતવ્યંગ્ય કાવ્ય છે. આના આઠ પ્રકાર છે: અગૂઢ; અપરાંગ; વાચ્ય સિદ્ધાંગ; અસ્ફુટ; સંદિગ્ધ; તુલ્ય પ્રાધાન્ય; કાકવાક્ષિપ્ત અને અસુંદર વ્યંગ્ય. જે વ્યંગ્યાર્થ નાટ્યાર્થની જેમ સ્પષ્ટ પ્રતીત થાય તે અગૂઢ વ્યંગ્ય છે. એક વ્યંગ્યાર્થ કોઈ અન્ય વ્યંગ્યાર્થનું અંગ હોય તો તે અપરાંગ વ્યંગ્ય છે. વ્યંગ્ય જે વાચ્યાર્થની સિદ્ધિ કરનારો હોય તો તે વાચ્યસિદ્ધાન્ગવ્યંગ્ય છે. વ્યંગ્યાર્થ અત્યંત સ્ફુટ ન બને કે બરાબર પ્રગટ ન થાય ત્યારે એ અસ્ફુટ વ્યંગ્ય છે. વાચ્યાર્થ અને વ્યંગ્યાર્થ આ બેમાંથી શેમાં ચમત્કારવિશેષ છે એને અંગે સંદેહ રહ્યા કરે એ સંદિગ્ધવ્યંગ્ય છે. જ્યારે વાચ્યાર્થ અને વ્યંગ્યાર્થમાં – બંનેમાં સરખો ચમત્કાર હોય અથવા વ્યંગ્યાર્થમાં વાચ્યાર્થના જેવો જ ચમત્કાર હોય ત્યારે એ તુલ્યપ્રધાન વ્યંગ્ય છે. કાકુ દ્વારા ઊભો થતો વ્યંગ્ય કાકવાક્ષિપ્ત વ્યંગ્ય છે. વાચ્યાર્થથી વ્યંગ્યનો ચમત્કાર જ્યારે ઓછો હોય ત્યારે તે અસુંદર વ્યંગ્ય છે. ચં.ટો.