ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ચ/ચારણી સાહિત્ય
ચારણી સાહિત્ય : દસમી સદી સુધી ચારણસાહિત્યનાં મૂળ પહોંચે છે. ચારણો મધ્યપૂર્વમાંથી સિન્ધુમાં આવ્યા અને ત્યાંથી પછી એમનો એક ફાંટો રાજસ્થાન તરફ ગયો અને બીજો કચ્છગુજરાત તરફ ગયો. એમણે અપભ્રંશની ઉત્તરકાલીન મારુગુર્જર ડિંગળ ભાષાને અપનાવી અને વિકસાવી તેથી એ ‘ચારણી’ તરીકે પણ ઓળખાય છે. ‘ચારણ’ શબ્દનો અર્થ चारयन्ति कीर्ति इति चारणा : એવો મળે છે. આમ ચારણો મોટાભાગે પોતાના આશ્રયદાતાઓ અને શાસક રાજવીઓનાં પ્રશસ્તિપદ્યો ગાનારા ગણાયા છે. એમાં વંશાવલી, કૌટુંબિક ઇતિહાસ અને કલ્પનારંજિત દસ્તાવેજ મળી આવે છે. માતૃભૂમિ માટે, ધર્મ માટે, ટેક માટે લડીને ઝૂઝનારા રાજપૂતોને એમનાં કવિત પ્રેરણાસ્રોત બનેલાં, આનો અર્થ એ કે ચારણી સાહિત્ય મોટાભાગે વીરરસપ્રધાન રહ્યું છે. અતિશયોક્તિ અને વર્ણનઅતિરેક એમની કવિતામાં અજાણતાં ય આવી જતાં જણાય છે. ચુસ્ત પ્રાસાનુપ્રાસ, સુગેય-સુપાઠ્યા રવાનુકારિતા અને ઝડઝમકભર્યા છંદો ધ્યાન ખેંચે છે. ચારણકવિઓ ભુજંગી, ત્રિભંગી, રેણકી, ચર્ચરી, પદ્ધરી, દુર્મિલા, મોતીદામ, સવૈયા, તોટક, હરિગીત, બિયાખરી અને અડલ જેવા છંદો પ્રયોજતા પરંતુ સૌથી વધુ પસંદ કરતા ‘ગીત’ને જેમાં સપંખરો, રેટીડો, હંસાવળો વગેરે અનેક પ્રકાર છે. આ ગીત – કાવ્યપ્રકારમાં ગીત સપંખરો (કે સપાખરું) સૌથી વધુ પ્રભાવશાળી જણાય છે. ડિંગળગીતો, દુહાઓ અને પદ્યરચનાના બનેલા ચારણસાહિત્યમાં સૂર્યમલ્લ, બાંકીદાસ, દયાલદાસ, શ્યામલદાસ વગેરે મહત્ત્વના કવિઓ થઈ ગયા. અલબત્ત, ચારણી સાહિત્ય વિષયની ઉપરછલ્લી અને શબ્દાળુ માવજત કરે છે અને અતિશયોક્તિથી ભરપૂર હોય છે તેમ છતાં એનો લોકપ્રભાવ ઓછો નથી. ગુજરાતમાં ચારણી સાહિત્યનો પ્રારંભ ઈશરદાસજીથી થયો ગણાય છે છતાં ગુજરાત-મારવાડમાં સ્વરૂપભેદે આ ભાષાનું લોકસાહિત્ય સમાન રીતે વહેતું થયું છે એ હકીકત છે અને એ બે પ્રદેશ વચ્ચેના ઘનિષ્ઠ સંબંધની સાક્ષી આપે છે. આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના, ભાષાભવનમાં ‘ચારણી સાહિત્ય સંશોધન વિભાગ’ કાર્યરત છે. બા.ગ.