ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ચ/ચેતનાપ્રવાહ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ચેતનાપ્રવાહ : નવલકથા-વિવેચનસિદ્ધાન્તમાં વારંવાર વપરાતી આ મનોવૈજ્ઞાનિક સંજ્ઞા સાહિત્યવિવેચનક્ષેત્રે અનિવાર્ય બની છે. વિચારના અને આંતર અનુભૂતિના ત્રૂટક પ્રવાહ તેમજ જાગૃતઅર્ધજાગૃત ચિત્તનાં યાદૃચ્છિક સંવેદનોને સૂચવતી આ સંજ્ઞા આધુનિક કથાસાહિત્યમાં કથનરીતિને વર્ણવવા માટે વપરાય છે. મનોવિજ્ઞાનક્ષેત્રે વિલ્યમ્ જેમ્સે એના ‘મનોવિજ્ઞાનના સિદ્ધાન્તો’ (૧૮૯૦)માં આ સંજ્ઞાનો નિર્દેશ કર્યો છે. અર્ધજાગૃત ચિત્તના ઊંડાણનો અભ્યાસ વિલ્યમ જેમ્સને આ વિષય તરફ દોરી ગયો. ઓગણીસમી સદીના અંતમાં અને વીસમીની શરૂઆતમાં યુંગ અને ફ્રોય્ડમાં આ વિષય પરાકાષ્ઠાએ પહોંચ્યો. અલબત્ત, સાહિત્યક્ષેત્રે ફ્રેન્ચ લેખક એદુઆર દુજાદૉંની ટૂંકી નવલકથામાં કેન્દ્રસ્થ પાત્રની ચેતના પર પડતાં દૃશ્યો અને ઘટનાઓના સંસ્કાર રૂપે એનું પ્રાકૃત સ્વરૂપ છેક ૧૮૮૮માં જોઈ શકાય છે. આ પછી એનું પરિષ્કૃત રૂપ જેમ્સ જોય્સના ‘યુલિસિસ’ (૧૯૨૨)માં પ્રગટ થયું. ડોરોથી રિચર્ડ્સન, વર્જિનિયા વૂલ્ફ, વિલ્યમ ફોકનરે પણ આ કથનરીતિ કલાત્મક રીતે પ્રયોજી. બાહ્ય વાસ્તવથી હટીને નવલકથાએ આંતરવાસ્તવને તાક્યું, એ સાથે આ પરિવર્તન આવવું સ્વાભાવિક હતું. આ પ્રકારની નવલકથા મનોવિજ્ઞાનના આધુનિક વિકાસ અને રસને તેમજ મનોવિશ્લેષકો દ્વારા ખપમાં લેવાતાં ‘મુક્ત સાહચર્યો’ને આભારી છે. મનોવૈજ્ઞાનિક અભિગમ તરફ વળેલી નવલકથામાં આ કથનરીતિને કારણે પાત્રનું, નહિ કે લેખકનું, દૃષ્ટિબિન્દુ કેન્દ્રમાં આવ્યું. શ્રોતાની ઉપસ્થિતિ વગર પાત્ર એનાં અંગતતમ વિચારો કે સંવેદનો વ્યક્ત કરે, એની અપેક્ષાઓ, લાગણીઓ, સ્મૃતિઓને ઓછામાં ઓછા વિન્યાસથી પ્રગટ કરે, દેખીતી રીતે યાદૃચ્છિક, વ્યાકરણદુષ્ટ લાગે તેવો ભાષાપ્રવાહ તાર્કિક માળખાનો અનાદર કરીને અખત્યાર કરે એ સાહજિક હતું. આંતરવાસ્તવને યથાતથ રજૂ કરવા સાહચર્યના તર્કે પ્રવેશ કર્યો. આથી ચિત્તમાં રહેલા અસંગતતાના તંતુનો વિનિયોગ શક્ય બન્યો. સમય અને સ્થળની અવગણના તેમજ હેતુઓ અને પ્રેરકવૃત્તિઓનાં વિશ્લેષણો શક્ય બન્યાં. સ્વયંસ્ફુર્ત, અસંકલિત કે અનિયંત્રિત, અસંબદ્ધ કલ્પનશ્રેણીઓ સહિતની ચિત્તની પ્રક્રિયા પર વિશેષ ભાર મુકાયો. આન્દ્રે બ્રેતોંએ પરાવાસ્તવવાદમાં વર્ણવેલી સ્વયં લેખન પદ્ધતિમાં, જે રૂપકાત્મક વસ્તુલક્ષિતા(metaphorical objectivity) હતી તે ચેતનાપ્રવાહની કથનરીતિમાં પણ લક્ષ્ય બની. આ કથનરીતિને પોલ બુર્ગે અને દુજાર્દાં જેવાએ ‘સ્વગત એકોક્તિ’(Interior monologue) તરીકે ઓળખાવી છે. આ બંને સંજ્ઞા એકબીજાના પર્યાયની જેમ વપરાતી હોવા છતાં એ બે વચ્ચે અંતર કરી શકાય તેમ છે. ચેતનાપ્રવાહ સામગ્રી છે જ્યારે ‘સ્વગત એકોક્તિ’ એ તરીકો છે, પદ્ધતિ છે. ચેતનાપ્રવાહ બધી જ રીતિઓ માટેની એક સર્વસામાન્ય સંજ્ઞા છે જ્યારે ‘સ્વગત એકોક્તિ’ એ લેખકની ઉપસ્થિતિ ન હોય અને ચેતનાની ત્રૂટક કે સ્ખલિત સામગ્રી સીધેસીધી વાચકને પહોંચતી હોય એવી રીતિ અંગેની સંજ્ઞા છે. ચં.ટો.