ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ચ/ચૈતન્ય સંપ્રદાય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ચૈતન્ય સંપ્રદાય : બંગાળ, ઓરિસ્સા અને વ્રજમંડળ પ્રદેશોનો એક સંપ્રદાય. જેનામાં રાધાભાવનું પ્રાગટ્યા મનાય છે એવા ચૈતન્ય મહાપ્રભુની કૃષ્ણભક્તિને અનુસરીને આ ઉપાસનાસંપ્રદાયની સ્થાપના થઈ. પોતાના મતના સમર્થન માટે ચૈતન્યએ કોઈપણ ગ્રન્થ પર કોઈપણ ભાષ્ય લખ્યું નથી. માધુર્યભક્તિમાં ભાવોન્મત્ત રહેતા ચૈતન્ય માટે એ અશક્યવત્ હતું. એમની પોતાની રચના તરીકે ‘શિક્ષાષ્ટક’ સિવાય કંઈ મળતું નથી. એમના શિષ્યોના ગ્રન્થો દ્વારા જ ચૈતન્યનો સિદ્ધાન્ત જાણી શકાય છે. ચૈતન્યમતાનુસાર શ્રીકૃષ્ણ એ જ સર્વના આદિકારણ પરમતત્ત્વ હોઈ અનંતશક્તિ છે. શક્તિ અને શક્તિમાન એ બેમાં ભેદ સિદ્ધ થઈ શકે નહિ. તે જ રીતે અભેદ પણ સિદ્ધ થઈ શકે નહીં. એ બંનેનો સંબંધ તર્કથી અચિંત્ય છે. એટલે જ આ મતને અચિન્ત્યભેદાભેદ નામ મળ્યું છે. દ્વૈતવાદી આ સંપ્રદાયમાં માધ્વઅસર સાથે નિમ્બાર્કમતનું તથા જયદેવ, બિલ્વમંગળ વગેરે સંસ્કૃત ભક્તકવિઓ અને ચંડીદાસ, વિદ્યાપતિ વગેરે પ્રાકૃત ભક્તકવિઓએ ગાયેલી રાધાકૃષ્ણની શૃંગારભક્તિનું મિશ્રણ થયેલું છે. ભગવાન શ્રીકૃષ્ણને જ આરાધ્ય માની વ્રજાંગનાઓની ભક્તિ જેવી પ્રેમમય કૃષ્ણભક્તિને જ, મધુરભક્તિને જ સાધનરૂપ તથા ફળરૂપ માનવામાં આવે છે. સખીભાવનો અનુભવ શ્રેષ્ઠ મધુરભક્તિના અનુભવ માટે સાધન છે. વલ્લભમતની પેઠે જગત અને જીવને સત્ય માનતા, જીવો પરમેશ્વરના વિભિન્નાંશરૂપ છે એમ માનતા ચૈતન્યમતમાં પણ શ્રીમદ્ ભાગવતનો જ સૌથી વધારે આધાર લીધા છતાં પૂજાનો વિસ્તાર વલ્લભમત જેટલો નથી. ભક્તિના પ્રમુખ સાધન હરિનામસંકીર્તનના બળ પર આ મતના પ્રચારકોએ લોકોને આકર્ષ્યા. રાધા અને ગોપીના કૃષ્ણપ્રેમ પર આધારિત પરકીયા ભક્તિ પર તેઓ વિશેષ ભાર મૂકે છે. ઇસ્લામીઓનાં આક્રમણોને કારણે વ્રજમંડલનું મહત્ત્વ નષ્ટ થયું. વ્રજમંડલ, બંગાળની એકસૂત્રતા રાખનાર આચાર્યના અભાવે પરકીયાપ્રધાન ભક્તિના સમર્થક સહજિયા વૈષ્ણવોનું પ્રાબલ્ય નિર્માણ થયું. એનાથી બંગાળ, ઓરિસ્સા એ બે પ્રદેશોમાં ચૈતન્યમત વાસનામય, સ્વચ્છંદી બની મૂળ તત્ત્વજ્ઞાનથી ચ્યુત થયો. અનુયાયીવર્ગમાં ગૃહસ્થ, વૈરાગી અને જાતવૈરાગીઓ છે. સહજિયા, કિશોરભાજા, શ્રીરૂપ સેવા, નેડાનેડી, બાઉલ, દરવેષ, જગન્મોહિની પંથ વગેરે સંપ્રદાયના પેટાભેદો છે. દે.જો.