ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/જ/જનિવા સંપ્રદાય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


જનિવા સંપ્રદાય(Geneva School) : ૧૯૪૦થી જુદેજુદે સમયે યુનિવર્સિટી ઓવ જનિવા સાથે સંલગ્ન વિવેચકોનું જૂથ. એમાં સૌથી અગ્રણી બેલ્જિયન વિવેચક જ્યોર્જ પુલે છે, જ્યારે અમેરિકામાં વિરચનવાદને સ્વીકાર્યો એ પહેલાં આ સંપ્રદાયના સિદ્ધાન્તોનો મહત્ત્વનો પ્રવર્તક જે. હિલિસ મિલર હતો. ઉપરાંત રુસેત, ઝ્યાાં સ્તારોબિન્સ્કી અને ઝ્યાાં પિયેર રિચર્ડ વગેરેનું પણ પ્રદાન છે. પ્રતિભાસમીમાંસામાંથી પોષણ મેળવતા આ ‘સંવિદના વિવેચકો’એ કોઈપણ લેખકની કૃતિઓમાં વ્યાપ્ત લેખકના સંવિદને ઓળખવાનું કાર્ય મુખ્ય ગણ્યું. લેખકની કૃતિઓ વૈયક્તિક રીતે ગમે એટલી જુદી પડતી હોય તો પણ લેખકની સ્થળ અને કાળ અંગેની ચેતના એનાં સમગ્ર લખાણોને એકત્વથી સાંકળે છે. અલબત્ત, જીવનકથાત્મક અભિગમની ધારણાઓ સ્વીકારી હોવા છતાં જનિવા સંપ્રદાયના વિવેચકોની પ્રતિભાસમીમાંસાને અનુસરતી ગતિ ચોક્કસપણે જુદી પડે છે. આ વિવેચકો જીવનથી કૃતિઓ તરફ જવાને બદલે કૃતિઓથી કૃતિઓની પાછળ રહેલા ચિત્ત તરફ જાય છે. ચં.ટો.