ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/જ/જૈનધર્મ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


જૈનધર્મ : જેમણે પોતાનાં મન, વાણી અને કાયાને સંપૂર્ણપણે જીતી લીધાં છે તે ‘જિન’ અને એ ‘જિન’ના પ્રબોધેલા ધર્મને અનુસરનારા તે ‘જૈન.’ જૈનશાસ્ત્રો પ્રમાણે જેમ વિશ્વ અનાદિ છે તેમ ધર્મ પણ અનાદિ હોઈ એની શરૂઆત ક્યારે થઈ તે કહી શકાય એમ નથી; પણ સમયેસમયે થયેલા તીર્થંકરો કે અર્હંતોએ ધર્મનું પ્રવર્તન કર્યું છે એમ કહી શકાય. જૈનોના પહેલા તીર્થંકર ઋષભદેવ છે અને ૨૪મા તીર્થંકર મહાવીરસ્વામી છે. આજથી અઢી હજાર વર્ષ અગાઉ થયેલા મહાવીરસ્વામીની પહેલાં જ ચાતુર્યામ સંવરવાદ સ્થાપિત થયો હતો. એમાં અહિંસા, સત્ય, અસ્તેય અને અપરિગ્રહ એ ચાર વ્રતોનો સમાવેશ થતો હતો. અને એ ચાર વ્રતોનો ૨૩મા તીર્થંકર પાર્શ્વનાથ ઉપદેશ કરતા હતા. મહાવીરના સમયમાં સ્ત્રીને પરિગ્રહ તરીકે ગણવામાં ન આવતાં, મૈથુનવિરતિ નામે પાંચમો યામ સામેલ કરીને મહાવીરે પાંચ મહાવ્રતોનો ઉપદેશ આપ્યો. આ રીતે જૈનધર્મ પ્રાચીનકાળથી ચાલ્યો આવતો ભારતનો એક સ્વતંત્ર પવિત્ર ધર્મ છે, જે વૈદિકધર્મની કોઈ શાખા નથી કે બૌદ્ધધર્મનું કોઈ રૂપાન્તર પણ નથી. મહાવીરસ્વામી જૈનધર્મના સંસ્થાપક નહીં પણ પ્રવર્તક હતા એટલી એ ધર્મની પ્રાચીનતા છે. સર્વપલ્લી રાધાકૃષ્ણને ‘ઇન્ડિયન ફિલૉસૉફી’ નામના ગ્રન્થમાં જણાવ્યું છે કે ‘વેદોની રચના થઈ તે પહેલાં ઘણા લાંબા કાળથી જૈનધર્મ પ્રચલિત હતો.’ મહાવીર ઈ.સ. પૂ. ૫૯૮માં જન્મ્યા અને ૭૨ વર્ષનું આયુષ્ય ભોગવી ઈ.સ. પૂ. ૫૨૬માં નિર્વાણ પામ્યા. તે વખતે વેદવિહિત હિંસા આદિ ક્રિયાકાંડે અને યજ્ઞોમાં પશુબલિ હોમવાના રિવાજે ધર્મનું સ્વરૂપ પકડ્યાું હતું. વળી, શૂદ્રો તેમજ સ્ત્રીઓને વેદાધ્યયન અને સંન્યાસ આદિનો નિષેધ હતો. વર્ણભેદની દીવાલો ઊભી થઈ હતી. ત્યારે મહાવીરે લોકભાષામાં વ્યાપક ઉપદેશ આપ્યો એના મુખ્ય ચાર નિષ્કર્ષ એ હતા કે દુઃખ અને મૃત્યુ સૌને અપ્રિય છે, જીવવું બધાંને વહાલું છે માટે જીવો ને જીવવા દો. હિંસાજનિત યજ્ઞ સાચો યજ્ઞ નથી સમ્યક્ જ્ઞાન-દર્શન-ચારિત્ર (રત્નત્રય) જ મોક્ષમાર્ગ છે. આત્મા પોતે પોતાનાં કર્મોનો કર્તા ને ભોક્તા છે. મહાવીરે વર્ણભેદનો નિષેધ કરી એક જ ‘સંઘ’ની સ્થાપના કરી. જૈન નિર્ગ્રન્થોનાં તપ, સંયમ અને લોકહિતવૃત્તિથી પ્રભાવિત થઈને બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય આદિ આ સંઘમાં સામેલ થયા. પછીથી એ સંઘના ચાર વિભાગ થયા : સાધુ-સાધ્વીશ્રાવક-શ્રાવિકા. જૈનો આને ચતુર્વિધ સંઘ તરીકે ઓળખે છે. દિગંબર કથા પ્રમાણે ભદ્રબાહુથી દક્ષિણ ભારતમાં જૈન ધર્મનો પ્રવેશ થયો. અને લોકો ઉપર એનો પ્રભાવ વધતો ગયો. ત્યારબાદ દક્ષિણમાં થયેલા કુમારિલ ભટ્ટ અને શંકરાચાર્યે બ્રાહ્મણધર્મનો પુનરુદ્ધાર કરતાં જૈનધર્મનું જોર દક્ષિણમાં નરમ બન્યું. કાળક્રમે બૌદ્ધધર્મ ભારતવર્ષમાં નામશેષ થતો ગયો પણ જૈનધર્મ સુયોગ્ય રીતે જળવાઈ રહ્યો અને અન્ય પ્રદેશો કરતાં વિશેષત : ગુજરાતમાં વધુ પ્રમાણમાં પ્રસાર પામ્યો. મહાવીરના ૧૧ મુખ્ય શિષ્યો હતા; જે ગણધરો કહેવાયા. એમણે મહાવીરની ઉપદેશવાણીને ઝીલીને બાર શાસ્ત્રોની રચના કરી જેને ‘દ્વાદશાંગી’ કહેવામાં આવે છે. આ બાર અંગો પૈકીનું બારમું અંગ ‘દૃષ્ટિવાદ’ હાલ વિચ્છેદ પામ્યું છે. જૈન આચાર્યોની પરંપરામાં થયેલા મહર્ષિઓએ આ ‘દ્વાદશાંગી’ને આધારે અન્ય શાસ્ત્રોની રચના કરી. સાંભળીને મેળવેલા જ્ઞાનને આધારે આ શાસ્ત્રો રચાયાં હોવાથી એને ‘શ્રુત’ સંજ્ઞાથી ઓળખવામાં આવે છે. જૈનશાસ્ત્રોમાં જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ એ નવ તત્ત્વોની ગહન અને સૂક્ષ્મ છણાવટ કરવામાં આવી છે. આત્માની કર્મબંધથી સંપૂર્ણતયા મુક્તિ એટલે જ મોક્ષ. આ કર્મો પૂર્વભવસંચિત પણ હોય. કર્મોના ક્ષય માટે તપનું આરાધન અતિ આવશ્યક મનાયું હોઈ જૈનધર્મમાં તપ અને સંયમને ઘણું જ પ્રાધાન્ય અપાયું છે. અનેકાન્તવાદ અથવા સ્યાદ્વાદ એ જૈનધર્મનો એક મહત્ત્વનો સિદ્ધાન્ત છે. ઔદાર્ય અને સમન્વય એ એની લાક્ષણિકતા છે. મતિ, શ્રુત, અવધિ, મન :પર્યવ અને કેવળજ્ઞાન – એ પાંચ પ્રકારના જ્ઞાનની પણ જૈનશાસ્ત્રોમાં સૂક્ષ્માતિસૂક્ષ્મ વિચારણા થયેલી છે. જૈનધર્મના અનુયાયીવર્ગના મુખ્ય બે પક્ષ છે : શ્વેતામ્બર અને દિગમ્બર. જોકે બન્ને પક્ષો મૂર્તિપૂજકો છે પણ શ્વેતામ્બરોમાં જ એક અલગ ફાંટો સ્થાનકવાસી સંપ્રદાયનો છે જે મૂર્તિપૂજાનો નિષેધક છે. કા.શા.