ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/જ/‘જુસ્સા’નો સિદ્ધાન્ત
‘જુસ્સા’નો સિદ્ધાન્ત : અર્વાચીન સાહિત્યના આદ્યકવિ નર્મદે અંગ્રેજી સંપર્ક દ્વારા અંગત લાગણીનાં કાવ્યોનો આત્મલક્ષી પ્રવાહ શરૂ કર્યો. ‘લાગણી’ શબ્દ એણે જ પ્રથમ ગુજરાતી ભાષાને આપ્યો. એની કવિતામાં આ તત્ત્વ સતત ઊછળતું રહ્યું. એથી જ સાચ્ચો જુસ્સો એ કાવ્યનો પ્રાણ છે અને જોસ્સો વાણીમાં ઊતર્યો હોય તો તે કાવ્ય બની ચૂક્યું એવી દૃઢ માન્યતા તરફ વળે એ છે. એની આ માન્યતા પાછળ વર્ડ્ઝવર્થ કરતાં હેઝલિટનો કવિતાખ્યાલ વિશેષ ક્રિયાશીલ હતો. હેઝલિટની કાવ્યમીમાંસામાં રહેલા Passion માટે એણે ‘જોસ્સો’ સંજ્ઞા પ્રવર્તિત કરી. કવિતામાં પણ એણે જોસ્સાનો જ આગ્રહ રાખ્યો. ક્યારેક તો નશાથી ઉત્પન્ન કરેલા કૃત્રિમ જુસ્સાનો આશ્રય પણ લેવાયો છે. આથી લાગણી તત્ત્વની મર્યાદા કે ઉપદેશ અને કવિના જુસ્સાનો ભેદ જળવાયો નથી. વિશ્વનાથ ભટ્ટે આથી જુસ્સાને ‘અયથાર્થ ઊર્મિવાદ’ તરીકે ઓળખાવ્યો છે. ચં.ટો.