ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ડ/ડાંડિયો


ડાંડિયો : ‘ન્હાનાં-મોટાં નાર-નર, સરવે થાય સુજાણ’ એવા કેળવણીમૂલક આશયથી, ગુજરાતના સાંસ્કૃતિક અંધારયુગમાં ‘સાક્ષરમંડળ’ના સાથીદારોની મદદથી નર્મદાશંકર લાલશંકર દવે, નર્મદે, એડિસન સંપાદિત અંગ્રેજી પાક્ષિક ‘સ્પેક્ટેટર’ને આદર્શ ગણીને ૧૮૬૪માં આરંભે મુંબઈ અને પછીથી સુરતથી પ્રકાશિત કરેલ પાક્ષિક વિચારપત્ર. સપ્ટેમ્બર ૧૮૬૪થી ૧૫ ડિસેમ્બર ૧૮૬૯ સુધીમાં ત્રણ વાર બંધ પડેલા ‘ડાંડિયો’ના તમામ અંકો ઉપલબ્ધ નથી પરંતુ ત્રણ તબક્કા દરમ્યાન ૩૨, ૨૭ અને ૫૮ અંકો પ્રકાશિત થયા છે. આર્થિક મુશ્કેલીઓને કારણે ૧૮૬૯માં તે સોરાબજી ઇજનેરના ‘સન્ડે રિવ્યૂ’ નામના ગુજરાતી સામયિક સાથે જોડાઈ જાય છે. ૧૯૯૬માં ‘ડાંડિયો’ના બધા જ (૬૩) અંકો એ જ શીર્ષકથી, કવિ નર્મદ યુગાવર્ત ટ્રસ્ટ : સુરત દ્વારા ગ્રંથ રૂપે પ્રકાશિત થયા છે. સમાજસુધારાની ઝંખના-ખેવના ધરાવનાર નર્મદે સમાજ અને રાજ્ય બન્ને ક્ષેત્રોમાં ફેલાયેલી અરાજકતાની નિષ્પક્ષ અને નીડર સમીક્ષા કરી છે. ‘ડાંડિયો’નું મૂલ્યાંકન કરતાં એક એવો અભિપ્રાય અપાયો છે કે ‘ડાંડિયો’ની શૈલીમાં આજના રસજ્ઞ વાચકોને સુઘડતા ઓછી જણાશે અને લાલિત્ય તો બિલકુલ નહીં જડે. એ મર્યાદાઓને જો વાચક ધૈર્યથી નભાવી લે, તો પછી, ગુણપક્ષે તેને એ લખાણોમાં પ્રાથમિક ઊછળતું જોમ અને કેટલોક મજેદાર તરવરાટ જણાશે, અને તાકેલું તીર માર્યે જ રહેનારી સચોટતા અને તીક્ષ્ણતા પણ જણાશે. ર.ર.દ.