ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ડ/ડિવાઈન કૉમેડિ
ડિવાઈન કૉમેડિ : નરકલોક, શોધનલોક અને સ્વર્ગલોક નામક ત્રણ ખંડ તથા સો સર્ગમાં વહેંચાયેલું ડૅન્ટિ ઍલિગિરિ નામના ઇટલીના કવિનું મહાકાવ્ય. કાવ્યનાયક કવિ સ્વયં આયુના અર્ધભાગે અઘોર વનમાં પહોંચે છે, પણ ત્યાં ગિરિશિખર પર રવિરશ્મિ ફૂટે છે ને તે આગળ વધે છે તો અનુક્રમે ચિત્તો, સિંહ અને માદા વરુ એમનો માર્ગ આંતરે છે. એવામાં જ વર્જિલ એમને ત્યાં ભેટી જાય છે જે એમને નરકલોક અને શોધનલોકનો પ્રવાસ કરાવે છે. નરકલોક નવ વર્તુળોમાં વહેંચાયેલું છે. પ્રથમ વર્તુળમાં તે ખ્રિસ્તેતર આત્માઓને સજા ભોગવતા જુએ છે. નરકની આ લિમ્બોનગરી, જે પાતાળલોક છે તેમાંથી હવે તે બહાર આવે છે તો પર્ગેટરિ નામનો પહાડ જોવા મળે છે. અહીં ઘણા લાંબા સમય બાદ ચોખ્ખી હવા અને આનંદદાયક પ્રકાશ અનુભવવા મળે છે. આ પર્ગેટરિ-પર્વતારોહણ એ કાવ્યનો બીજો ખંડ એટલેકે શોધનલોકની સફરનો છે. અહીં પણ વિવિધ પ્રકારના પાપીઓ પ્રાયશ્ચિત્તની તક સાથે સજા ભોગવી રહ્યાં છે. આ લોક દશેક અટારીઓમાં વહેંચાયેલો છે. વર્જિલ હવે સફરમાં સાથે નથી. ડૅન્ટિને હવે બિઆટ્રિસને સોંપવામાં આવે છે. તે હવે ડૅન્ટિને સ્વર્ગલોકની યાત્રા કરાવે છે. સ્વર્ગલોક દસ વિભાગમાં વહેંચાયેલો છે. નવમા સ્વર્ગ પછી દશમા સ્વર્ગ ‘એમ્પિરીઅન’ (Empyrean)માં સફર પૂરી થતાં તેજપુંજથી ડૅન્ટિ ઘેરાઈ જાય છે. હિમધવલ ગુલાબનું દર્શન થાય છે. પણ હવે બિઆટ્રિસ ત્યાં નથી. તેને સ્થાને સંત બર્નાર્ડ ડૅન્ટિને પ્રાર્થનામાં પરોવી પ્રભુની ઝાંખી કરાવે છે. આ દિવ્યાનુભૂતિ પાસે કાવ્ય સમાપ્ત થાય છે. દેખીતી રીતે આ બહિર્યાત્રાનું કાવ્ય આત્માની અંતર અને ઊર્ધ્વયાત્રાનું કાવ્ય છે. તત્કાલીન રાજકીય-સામાજિક અને ભૂતકાલીન ધાર્મિક-રાજકીય-સામાજિક સંદર્ભો વચ્ચે પણ તે દિવ્ય પ્રેમની વિજયપતાકા લહેરાવે છે. ટર્ઝા રિમા છંદ અને સળંગ પ્રાસસાંકળીમાં સુબદ્ધ એવું યુરોપની પ્રાદેશિક ઈટાલિયન ભાષામાં રચાયેલું વિશ્વનું આ એક વિશિષ્ટ મહાકાવ્ય છે. ધી.પ.