ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ડ/ડોલ્સ હાઉસ
Jump to navigation
Jump to search
ડોલ્સ હાઉસ (ઢીંગલીઘર) : યુરોપિયન વાસ્તવવાદી અને પ્રકૃતિવાદી આંદોલનને વેગ આપનાર આધુનિક સ્કેન્ડિનેવિયન સાહિત્યના અગ્રગણ્ય નોર્વેજિયન નાટકકાર ઇબ્સન(૧૮૨૮૧૯૦૬)નું પ્રસિદ્ધ નાટક. મધ્યમવર્ગીય પત્ની નોરા અને તેને પ્રેમથી પરંતુ ઢીંગલીની જેમ રાખતા પતિ ટોરનાલ્ડ વચ્ચે ઊભા થતા અવિશ્વાસનું અહીં કથાનક છે. જેમાં પોતા પરથી શ્રદ્ધા ઊઠી જવાની પ્રતીતિ થતાં પોતાની પાછળ બારણું ભટકાવી બહાર નીકળી જતી નાયિકા નોરાનું પાત્ર સ્ત્રીના દરજ્જા પર અને લગ્નસંસ્થા પર મહત્ત્વનો અભિગમ પ્રગટ કરે છે. પતિપત્નીનાં પરસ્પરનાં શ્રદ્ધા અને સ્નેહ પર એમનાં દાંપત્યનો આધાર છે, એવું મંતવ્ય આ નાટક તારસ્વરે ઉચ્ચારે છે.
નાટકમાં સંઘર્ષ જેટલો પૌરુષ અને સ્ત્રીત્વ વચ્ચેનો નથી એટલો વૈયક્તિકતા અંગેનો છે. સમસ્યાપ્રધાન અને નાયિકાપ્રધાન એવા નાટકની નાયિકાનું ચરિત્ર અત્યંત સંકુલ છે.
બિ.પ.