ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/દ/દસ્તાવેજી સાહિત્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search



દસ્તાવેજી સાહિત્ય (Documentary Literature) : વિષયને લગતી માહિતી કે એનું પ્રમાણ આપતું લખાણ દસ્તાવેજ છે. પુરાલેખો, વહીઓ રાજ્યપરિપત્રો, કાનૂની કાગળો, તુમારો, પ્રમાણપત્રો, વર્તમાનપત્રો, રોજનોંધો, રોજનીશી, પત્ર-પત્રિકાઓ – જેવાં દસ્તાવેજો સંસ્કૃતિવિદો, ઇતિહાસકારો વગેરે માટે આધારસામગ્રી બનતા હોય છે. સાહિત્યક્ષેત્રે જીવનના વાસ્તવિક પ્રસંગો, દસ્તાવેજો, તથ્યોને આધારે સાહિત્યકૃતિ રચવાનું પણ એક વલણ છે આને આધારે પ્રગટ થયેલી દસ્તાવેજી શૈલીનું વાસ્તવવાદી સાહિત્યસર્જનમાં મહત્ત્વનું પ્રદાન છે. આ કથાસાહિત્ય (Non fiction)માં કાલ્પનિકને બદલે હકીકત પર મુકાતો ભાર, દસ્તાવેજી રંગભૂમિમાં સાંપ્રત ઇતિહાસને અનુલક્ષીને થતો પ્રચાર, દસ્તાવેજી નવલકથામાં પ્રત્યક્ષ અહેવાલ આપતી ડાયરીઓ કે પ્રત્યક્ષ હવાલો આપતાં સંસ્મરણોની અ-કાલ્પનિક ઘટનાઓનો લેવાતો આધાર – આ બધા, દસ્તાવેજી સાહિત્યની દિશાના પ્રયત્નો છે. દિનકર જોષીની નવલકથા ‘પ્રકાશનો પડછાયો’, વર્ષા અડાલજાની નવલકથા ‘ગાંઠ છૂટ્યાની વેળા’ આવા દસ્તાવેજી ઉન્મેષો છે. રઘુવીર ચૌધરીકૃત ‘કથાત્રયી’માં પણ દસ્તાવેજી શૈલીના આધારો જોવા મળે છે. ચં.ટો.