ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/દ/દેશીવાદ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


દેશીવાદ(Nativism) : આધુનિકતાવાદ, સંરચનાવાદ, અનુઆધુનિકતાવાદ અને હવે દેશીવાદ. એક રીતે તો આ બધા આધુનિકતાવાદના વિવર્તો છે. સાહિત્ય અને કલાના ક્ષેત્રમાં આપણે ત્યાં પણ વિશ્વની જેમ આધુનિકતાવાદનાં પગરણ થયાં. એ આધુનિકતાવાદનો મૂળ સ્રોત યુરોપ-અમેરિકાના આધુનિકતાવાદના પ્રવાહો અને પ્રવૃત્તિઓમાં જોવામાં આવે છે. પ્રતીકવાદ, કલ્પનવાદ, અતિયથાર્થવાદ આદિ, જેની લગાતાર ચર્ચા છેલ્લા દાયકાઓમાં આપણે ત્યાં થતી રહી તેની સાહિત્યિક ધરી પેરિસ-લંડન-રોમ-વિયેના-બર્લિન જેવાં યુરોપનાં મહાનગર હતાં. ત્યાંના સર્જકોએ વીસમી સદીના આરંભમાં અને પ્રથમ વિશ્વયુદ્ધ પછી કવિતા, કથાસાહિત્ય કે નાટક આદિ સાહિત્યનાં સ્વરૂપોમાં ભાવગત અને અભિવ્યક્તિગત જે જબરદસ્ત પરિવર્તન આણ્યાં, તે કાલાન્તરે આપણા દેશના સર્જકોને પણ પ્રભાવિત કરી રહ્યાં. આ આધુનિકતાવાદ, જે અન્ય રીતે આંતરરાષ્ટ્રીયતાવાદ છે, તેના પ્રવાહો અને પ્રવૃત્તિઓ સાથે ગુજરાતી ને અન્ય ભારતીય ભાષાના સર્જકો જોડાતા ગયા. આપણો કાવ્યાદર્શ ફ્રેન્ચ, અંગ્રેજી અને અન્ય યુરોપીય કવિઓ, કાવ્યસમીક્ષકોની ચર્ચા-વિચારણાથી ઘડાતો ગયો. બૉદલેર, માલાર્મે, વાલેરી, એલિયટ, પાઉન્ડ, રિલ્કે, જેમ્સ જોય્સ, કાફકા વગેરેનાં પરિશીલનનો વિશેષ મહિમા થતો ગયો. આપણી વિવેચના પણ અંગ્રેજી – અમેરિકન નવ્ય વિવેચનના આદર્શોથી પ્રભાવિત થઈ. આધુનિકતાવાદના આંતરરાષ્ટ્રીય સ્વરૂપનું આ અનુસરણ કહો કે પછી ભારતીય સર્જક વિશ્વસાહિત્યનો નાગરિક બન્યો એમ કહો, પણ આપણું સાહિત્ય યુરોપકેન્દ્રી બન્યું. આપણી વિવેચનાના ઓજાર પણ વૈશ્વિક બન્યાં. પછી તો અસ્તિત્વવાદ જેવી દાર્શનિક વિચારધારા પણ આપણે ત્યાં વહેતી થઈ. આ આપણી સંસ્થાનવાદી માનસિકતા હતી કે વૈશ્વિક પ્રવાહો સાથે અનુબંધ સાચવવાની અનિવાર્યતા હતી કે બન્ને હતાં, તે વિષે અવશ્ય વિચાર કરી શકાય. પણ બન્યું છે એવું કે કશુંક નવું ત્યાં બને છે, અને તેનાં સ્પંદનો આપણે પણ ઝીલીએ છીએ. એટલે આધુનિકતા પછી અનુઆધુનિકતાવાદની આપણે ત્યાં જે પ્રવૃત્તિઓ કે ચર્ચાઓ થઈ રહી છે. તે પણ વૈશ્વિક સ્તરે થતી ચર્ચાનું અનુસન્ધાન ધરાવે છે, પણ એનો ય સ્રોત પશ્ચિમમાં છે. ત્રીજું વિશ્વ ગણાતા દેશની શું આ નિયતિ છે, એવો પ્રશ્ન પણ થાય, આજકાલ સંસ્થાનવાદ અને અનુસંસ્થાનવાદ જેવા શબ્દો વારંવાર આ સંદર્ભે પ્રયોજાય છે. ત્રીજા વિશ્વના દેશો યુરોપકેન્દ્રીયતાથી છૂટવા મથતા જોવા મળે છે અને એ રીતે આધુનિકતાવાદ એનો મુખ્ય ધ્યેયમંત્ર છે ‘મૂળિયાં તરફ પાછા વળો – Back to roots.’ આ દેશીવાદ પણ એક રીતે આધુનિકતાવાદનું જ એક રૂપ છે, કેમકે છેવટે આધુનિકતાવાદ એક દૃષ્ટિકોણ છે. એટલે લાગે કે દેશીવાદ આધુનિકતાવાદની પ્રતિક્રિયા રૂપે કે એના વિરોધ રૂપે અવસ્થિત છે, દેશીવાદ માત્ર મૂળિયાં માટેનું વળગણ જ નથી, એ તો યુરોપકેન્દ્રી આધુનિકતાવાદ કે આંતરરાષ્ટ્રીયતાવાદની સામે પડકાર ફેંકતી વિચારધારા છે. પશ્ચિમની ઉછીની વસ્તુથી દરેક ક્ષેત્રે ફેરફારો લાવી આપણે આધુનિકતાના ક્ષેત્રે પ્રવેશ કરી શકવાના નથી. આધુનિકતાનાં મૂળિયાં આપણે આપણી પરંપરા અને મૂળિયાંમાં, આપણી વાસ્તવિકતામાં શોધવાનાં છે. દેશીવાદમાં પરદેશી પ્રભાવોની અવગણના નથી, પણ તે ભારતીયતાનો બોધ જગવવા માટે છે, અને તે દેશીવાદના આત્યંતિક ઝનૂન વિના. દેશીવાદ એક રીતે આપણી આધુનિકતાને સમજવાનો ઉપક્રમ છે. ભો.પ.