ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/દ/દેશી નાટક સમાજ
દેશી નાટક સમાજ : ૧૮૮૯માં સ્થપાયેલી આ નાટ્યમંડળી અગ્રસ્થાને રહી. સંખ્યાદૃષ્ટિએ, ગુણવત્તાની દૃષ્ટિએ તેમજ પ્રયોગશીલતાની દૃષ્ટિએ નાટ્યવ્યવસાયની કારકિર્દીનો અમૃત – મહોત્સવ ઊજવી શકી છે. આપણી રંગભૂમિના ઇતિહાસમાં આવું સાતત્ય અપૂર્વ છે તેમ અદ્યાપિપર્યન્ત અનન્ય પણ છે. કેશવલાલ શિવલાલ અધ્યાપકના ‘સંગીત લીલાવતી’ના મંચનમાંથી પ્રગટેલી આ મંડળી તેના સ્થાપક સુવિખ્યાત નાટ્યકાર તેમજ દિગ્દર્શક-સંચાલક ડાહ્યાભાઈ ધોળશાજી ઝવેરીના સફળ અને દૃષ્ટિવંત એવા સર્જનાત્મક તેમજ સંચાલનગત પ્રબળ-પુરુષાર્થના પરિણામે જે પ્રતિષ્ઠા પામી તેમાં પછીથી સહભાગી થયેલા અનેક નાટ્યપ્રેમી તેમજ સૂઝ અને શક્તિવાળા સંચાલકો – લેખકો – અભિનેતાગણનો પણ મોટો ફાળો છે. આ મંડળીએ પોતાનાં પાકાં થિયેટરો બાંધ્યાં, સુરત જેવામાં એકથી વધુ ઉપકેન્દ્રો સ્થાપ્યાં, મુંબઈથી કરાંચી પર્યન્તનાં શહેરોની ગુજરાતી જનતાને નાટ્યઘેલી કરી અને સૌથી વધુ ખેલો થયા હોય તેવાં અનેક નાટકો આપ્યાં. એની વ્યાવસાયિક કારકિર્દીમાં ઘણી ચડતીપડતી આવી છે, પરંતુ તે બધી વિટંબણાઓ વચ્ચે પણ, ક્યારેક ઘડીક વિરામ લઈ તે સતત સજીવ અને લોકપ્રિય બની રહી છે તેમાં ડાહ્યાભાઈથી શ્રીમતી ઉત્તમલક્ષ્મી પર્યન્તના કુશળ ને ઉત્સાહી નાટ્યપ્રેમી સંચાલકો, પ્રભુલાલ પાગલ જેવા અનેક નાટ્યકારો અને લોકવાયકાઓનાં કેન્દ્રો બની ગયેલા પ્રાણસુખ (એડીપોલો) મા. અશરફખાન, છગન રોમિયો, મોતીબાઈ અને વિજયા (હવે ફિલ્મી જગતની સંધ્યા) જેવા અનેકવિધ કલાકારો-સંગીતકારો વગેરેનો ફાળો છે. ‘વીણાવેલી’ને ‘વડીલોના વાંકે’ જેવાં સંખ્યાબંધ નાટકો આપનાર આ મંડળીની વિગતવાર તવારીખ ગુજરાતી રંગભૂમિનો ઇતિહાસ જ બની રહે. આ ‘દેશી’ના નેપથ્યમાંથી જ ગુજરાતને જયંતિ દલાલ જેવા નાટ્યકાર મળ્યા એ હકીકત પોતે જ દ્યોતક છે. વિ.અ.