ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નાટ્યશાસ્ત્ર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


નાટ્યશાસ્ત્ર : સૂત્ર, ભાષ્ય અને કારિકા જેવાં ત્રિવિધ રૂપો અને ૩૬ અધ્યાયોમાં વિભાજિત ૬,૦૦૦ શ્લોકોમાં ભારતીય નાટ્યકલાની આમૂલ શાસ્ત્રીય મીમાંસા કરતો ભરતમુનિરચિત આકરગ્રન્થ. મુખ્યત્વે અનુષ્ટુપ છંદમાં રચાયેલા આ ગ્રન્થના છઠ્ઠા, સાતમા અને સત્યાવીસમા અધ્યાયોમાં પદ્ય ઉપરાંત ગદ્યાત્મક આખ્યાનનો ઉપયોગ પણ થયેલો છે. નાટ્યકલાની વિચારણા નિમિત્તે એમાં નાટ્યકલાની અંગભૂત એવી કાવ્ય, સંગીત, ચિત્ર અને શિલ્પાદિ લલિતકલાઓની ચર્ચા પણ થઈ છે. નાટ્યોત્પત્તિ નામના પહેલા અધ્યાયમાં ઋષિ-મુનિઓએ પૂછેલા પ્રશ્નોના, ભરતમુનિએ આપેલા ઉત્તરરૂપે, નાટ્યવેદની ઉત્પત્તિ શી રીતે થઈ તેનું વર્ણન છે. પ્રેક્ષાગૃહ લક્ષણ અધ્યાયમાં ત્રણ પ્રકારનાં નાટ્યગૃહોની રચના તેમજ એની સજાવટ વિશે વાત થઈ છે. રંગદૈવત-પૂજન અધ્યાયમાં નાટકના આરંભ પૂર્વે નાટ્યચાર્યે કરવાની કાર્યવિધિ સૂચવાઈ છે. ચોથા અધ્યાય તાંડવ-લક્ષણમાં તાંડવ નૃત્યનું વર્ણન છે. પૂર્વરંગ-વિધાનમાં નાટક પૂર્વે થતાં મંગલગાન અને નાન્દી વિષયક માહિતી છે. સાહિત્યિક ભૂમિકાએ વિશેષ મહત્ત્વ ધરાવતા છઠ્ઠા અને સાતમા, અનુક્રમે રસાધ્યાય અને ભાવવ્યંજક નામક અધ્યાયોમાં રસ, રસનિષ્પત્તિ અને વિભાવ, અનુભાવ, સ્થાયી, સંચારી અને સાત્ત્વિક ભાવોનું વિસ્તૃત વિવેચન છે. આઠમો અધ્યાય ઉપાંગવિધાન છે. તેમાં ચાર પ્રકારના અભિનયની વ્યાખ્યા ઉપરાંત આંગિક અભિનયની તલસ્પર્શી ચર્ચા છે. નવમો હસ્તાભિનય અધ્યાય નૃત્યની હસ્તમુદ્રાઓ વિશે વિચારણા કરે છે તો, દસમો શારીરાભિનય વક્ષ, પીઠ, કમર, જાંઘ અને પદાઘાત દ્વારા થતી અભિનય મુદ્રાઓ નિરૂપે છે. અગિયાર, બાર અને તેરમા અધ્યાયોમાં રંગભૂમિ પર નટાદિ રંગકર્મીઓ દ્વારા થતી ગતિવિધિનું વર્ણન છે. ચૌદમો અધ્યાય વિવિધ પ્રદેશોની નાટ્યપ્રવૃત્તિ અને પરંપરાઓ વર્ણવે છે. પંદર, સોળ, સત્તર, અઢાર અને ઓગણીસમા અધ્યાયોમાં વાચિક અભિનય અન્તગર્ત છંદવિધાન, વ્યાકરણ, ભાષાશાસ્ત્ર ઉપરાંત કાવ્ય-લક્ષણ, ગુણ-દોષ, અલંકાર અને કાકુ-કલા વિશે સવિસ્તાર વિવેચન છે. વીસમા અધ્યાયમાં નાટકાદિ દસ રૂપકો અને લાસ્યાંગની વ્યાખ્યા છે. એકવીસમા અધ્યાયમાં નાટ્યસંધિઓ અને તેનાં વિવિધ અંગો વિશેની ચર્ચા છે. બાવીસમા અધ્યાયમાં ભારતી, સાત્ત્વતી, આરભટ્ટી અને કૈશીકી જેવી વૃત્તિઓની વ્યાખ્યા તથા વિવિધ અંગોપાંગોનું વર્ણન છે. ત્રેવીસ અને ચોવીસમા અધ્યાયોમાં ચતુર્વિધ નેપથ્ય, તેને આનુષંગિક અન્ય વીગતો તથા સાત્ત્વિક અભિનયમાં સમાહિત ભાવ, હાવ અને હેલા અંગેની ચર્ચાઓ છે. પચ્ચીસમા અધ્યાયમાં વારાંગનાઓ વિશેની ચર્ચા છે જે નાટ્યશાસ્ત્રની તુલનાએ કામશાસ્ત્રની જોડે વિશેષ સંબંધિત જણાય છે. છવ્વીસમા અધ્યાયમાં આહાર્ય, વાચિક, આંગિક વગેરે અભિનય સંદર્ભે પૂર્વે ન નિરૂપાયેલી સઘળી વીગતો નિરૂપાઈ છે. સત્યાવીસમા અધ્યાયમાં નાટકની સફળતા-નિષ્ફળતા તથા નટમંડળ અંગેની ચર્ચા છે. અઠ્યાાવીસથી તેત્રીસ સુધીના છ અધ્યાયોમાં ચતુર્વિધ વાદ્યો તથા સ્વરોનો પ્રાથમિક પરિચય; વીણા વગેરે તંતુવાદ્યો અને તેનું વાદન, વાંસળી અને તેનું વાદન; લય, તાલ, મતિ વગેરે વિશેની વિસ્તૃત સમજ; ધુવા અને ગીતોનું વિવેચન તેમજ મૃદંગાદિ વાદ્યો અને તેના વાદન વિશેની વિચારણા છે. ચોત્રીસમા અધ્યાયમાં નાટકનાં વિવિધ પ્રકારનાં ચરિત્રો વિશે તો, પાંત્રીસમા અધ્યાયમાં નાટકનાં ચરિત્રો અને તેને ભજવનારા નટગણ વિશેની વિસ્તૃત વિવેચના છે. છેલ્લા છત્રીસમા અધ્યાયમાં નાટ્યકલાના અવતરણ વિશેની કથા કહેવાઈ છે. નાટકનાં અગિયાર અંગો વિશે વાત કરતી વેળા રસ અને તેના જન્મદાતા ભાવોની મહત્તા કરતાં આદ્યરંગાચાર્ય ભરતે લખ્યું છે. ‘નહિ રસાદૃતે કશ્ચિદર્થ પ્રવર્તતે |’ આમ નાટ્ય-કાવ્યાદિ કલાઓમાં રસનિષ્પત્તિની વાતને સૌ પ્રથમ વ્યવસ્થિત અને શાસ્ત્રીય રીતે સમજાવનાર ભરતની રસમીમાંસા એવી તો સઘન અને સૂત્રાત્મક છે કે વિભાવાનુભાવવ્યભિચારિસંયોગાદ્ રસનિષ્પત્તિ જેવા શ્લોક ચરણ પર ભટ્ટ લોલટ્ટ, ઉદ્ભટ, શંકુક, અભિનવગુપ્ત, કીર્તિધર, ભટ્ટનાયક, ભટ્ટયંત્ર, નાન્હદેવ અને હર્ષ જેવા આચાર્ય, આલંકારિક અને મીમાંસકો દ્વારા વિવિધ અર્થઘટનો થતાં રહ્યાં છે. ઈસ્વીસન પૂર્વે ત્રીજી શતાબ્દીમાં થયેલા મનાતા નાટ્યચાર્ય ભરતનું નાટ્યશાસ્ત્રમાં મળતું વર્ણન એમને પૌરાણિકકાળના ઋષિ માનવા પ્રેરે છે. એ નાટ્યચાર્ય ઉપરાંત ઉત્તમ દિગ્દર્શક, કુશળ અભિનેતા તેમજ ચિત્રશિલ્પાદિ લલિતકળાઓના નિષ્ણાત હશે એવું અનુમાન થાય છે. ર.ર.દ.