ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નાયિકા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


નાયિકા(Heroine) : કથાત્મક કે નાટ્યત્મક સાહિત્યકૃતિમાં પ્રધાન નારીપાત્ર, જેની અસાધારણ ગુણસંપત્તિ અને એનું ચરિત્ર આકર્ષક રીતે ઊપસતાં હોય છે. સ્ત્રીપુરુષના સંબંધમાં એની સ્થિતિઓ અને પ્રતિક્રિયાઓ વૈવિધ્યપૂર્ણ, જટિલ અને વિષમ હોવાને કારણે નાયિકાના ભેદ બહુસંખ્ય છે. સંસ્કૃતમાં નાયિકાભેદનું નિરૂપણ વાત્સ્યાયનના ‘કામસૂત્ર’, કક્કોલના ‘રતિરહસ્ય’, કલ્યાણમલ્લના ‘અનંગરંગ’ કે જ્યોતિરીશ્વરના ‘પંચશાયક’ જેવાં કામશાસ્ત્રોમાં ભરતના ‘નાટ્યશાસ્ત્ર’ કે ધનંજયના ‘દશરૂપક’ જેવાં નાટ્યશાસ્ત્રોમાં અને વિશ્વનાથના ‘સાહિત્યદર્પણ’ અને ભાનુદત્તના ‘રસમંજરી’ જેવા કાવ્યશાસ્ત્રોમાં જોવા મળે છે. ભારતીય કાવ્યશાસ્ત્રમાં શૃંગારસના આલંબનવિભાવ અંતર્ગત નાયિકાભેદ અને કેવળ નાયિકાભેદ એ બે પ્રકારે આધારો મળે છે. કાવ્યશાસ્ત્રના અન્ય સિદ્ધાન્તોની જેમ એનો કોઈ પૃથક્ વર્ગ કે એનું કોઈ વિશેષ મહત્ત્વ ઊભું થયું નથી. છતાં ભાનુદત્ત જેવાએ ‘રસમંજરી’ ગ્રન્થના બેતૃતીયાંશ ભાગમાં નાયિકાભેદનું સવિસ્તર અને સુવ્યવસ્થિત વિવરણ કર્યું છે. નાયિકાભેદના વિવરણમાં ભરત આદ્યપ્રવર્તક છે. પ્રારંભમાં નાટકને અનુલક્ષીને જ ભેદ થયા છે. ભરતે પ્રકૃતિ અનુસાર નાયિકાના ઉત્તમા, મધ્યમા અને અધમા એમ ત્રણ ભેદ તેમજ અવસ્થા અનુસાર વાસકસજ્જા, વિરહોત્કંઠિતા ખંડિતા, વિપ્રલબ્ધા, પ્રોષિતભર્તૃકા, કલહાંતરિતા, અભિસારિકા, આગતપતિકા એમ આઠ ભેદ કર્યા છે. ઉપરાંત કર્મ અનુસાર વેશ્યા, કુલજા અને પ્રેષ્યા એવા તરણ ભેદ પણ સૂચવ્યા છે. સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં આ પછી નાયિકાભેદનિરૂપણ ભરતની માન્યતાઓને આધાર ગણીને ચાલ્યું છે. પછીના આચાર્યોએ ભરતે નિરૂપેલા વેશ્યા, કુલજા પ્રેષ્યાને ક્રમશ : કાવ્યશાસ્ત્રમાં સામાન્યા, સ્વકીયા અને પરકીયાની સંજ્ઞાઓ આપી છે. નાયિકાભેદની સંખ્યા કાવ્યશાસ્ત્રમાં વિસ્તાર પામતી ૩૮૪ સધી પહોંચી છે. કામશાસ્ત્રમાં લજ્જાયુક્ત રૂપવતી માટે પદ્મિની, કલાવિદ ચંચલ અરોમશ માટે ચિત્રિણી, ક્રોધી અને કપટી માટે શંખિની અને કટુ તેમજ સ્થૂલ માટે હસ્તિની જેવી સંજ્ઞાઓ પ્રચલિત છે. પરંતુ કાવ્યશાસ્ત્રમાં જુદા જુદા આધારો પર નાયિકાના ભેદોપભેદો કરવામાં આવ્યા છે. સામાજિક આચરણ અનુસાર ત્રણ ભેદ છે : વિધિવત્ વિવાહિતા સ્ત્રીને સ્વકીયા, પ્રેમિકાને પરકીયા અને ગણિકાને સામાન્ય કહી છે. પહેલાં સ્વકીયા જોઈએ. સ્વકીયાના ત્રણ ભેદ છે : નવયૌવનવાળી મુગ્ધા; લજ્જા અને કામ સમાન હોય એવી મધ્યા અને કામકલાકોવિદ પ્રૌઢા કે પ્રગલ્ભા. મુગ્ધાના વળી ચાર ભેદ છે : યૌવનાગમની જાણ હોય તે જ્ઞાતયૌવના; જાણ ન હોય તે અજ્ઞાતયૌવના; અત્યંત લજ્જાને કારણે રતિસંમત ન થનારી નવોઢા અને નાયકમાં શ્રદ્ધા સાથે રતિસંમત થનારી વિશ્રબ્ધનવોઢા. મધ્યા અને પ્રગલ્ભાના, બંનેના, ધીરા, અધીરા અને ધીરાધીરા જેવા ભેદ ઉપરાંત પ્રગલ્ભાના આનંદસંમોહવતી અને રતિપ્રીતિવતી એવા ભેદ કર્યા છે. આ ઉપરાંત સ્વકીયાના અવસ્થાભેદને અનુલક્ષીને આઠ પ્રકાર દર્શાવ્યા છે. પતિ વિદેશ હોય એવી પ્રોષિતપતિકા; પતિ વિદેશથી આવવાનો હોય એવી આગતપતિકા; પરસ્ત્રી સાથેના સંબંધની જાણ થતાં ક્રુદ્ધ ખંડિતા; રીઝવતા પતિનો અનાદર કરી પશ્ચાત્તાપ કરતી કલહાંતરિતા; નિયતસ્થાન પર નાયકનું મિલન ન થતાં પોતાને અપમાનિત માનતી વિપ્રલબ્ધા; નાયકની અત્યંત પ્રતીક્ષા કરીને ક્લાન્ત વિરહોત્કંઠિતા; નાયક માટે વસ્ત્રાભૂષણથી પોતાને સજ્જ કરતી વાસકસજજા; રૂપગુણથી આકર્ષાઈને પોતાને વશ રહેતા નાયકની નાયિકા સ્વાધીનપતિકા; વ્યાકુળ થઈ સ્વયં નાયક પાસે મિલનસ્થાન તરફ જતી અભિસારિકા. અભિસારિકાના ત્રણ ભેદ છે : ચાંદની રાતે અભિસરણ કરનારી શુક્લાભિસારિકા; અંધારી રાતે અભિસરણ કરનારી કૃષ્ણાભિસારિકા અને દિનમાં અભિસરણ કરનારી દિવાભિસરિકા. હવે પરકીયા જોઈએ : પરકીયાના બે ભેદ છે : વિવાહિતા નાયિકા પરોઢા કે ઊઢા અને અવિવાહિત અનૂઢા. પરોઢાના છ ઉપભેદ છે : પરપુરુષ સાથેના સમાગમચિહ્ન છુપાવતી ગુપ્તા (ભૂતગુપ્તા, ભવિષ્યગુપ્તા, વર્તમાનગુપ્તા); હૃદયભાવને વાણી કે ક્રિયા દ્વારા પ્રગટ કરનાર વિદગ્ધા (વાગ્વિદગ્ધા કે વચનવિદગ્ધા, ક્રિયાવિદગ્ધા); પુરુષસમાગમ ચિહ્નોને છુપાવવા છતાં લક્ષિત થઈ જાય તે લક્ષિતા; અનેક નાયકોને સેવતી કુલટા; ચૌર્યરતિને અનુકૂળ અવસરથી ઉલ્લાસિત થતી મુદિતા અને પશ્ચાત્તાપ કરનારી અનુશયના. સામાન્યાના બે ભેદ છે : રક્તા અને વિરક્તા. આ ઉપરાંત નાયિકાઓની પ્રકૃતિ અનુસાર ઉત્તમા, મધ્યમા અને અધમા; મનોદશા અનુસાર અન્યસુરતિદુઃખિતા, ગર્વિતા અને માનવતી; પતિપ્રેમ અનુસાર જ્યેષ્ઠા અને કનિષ્ઠા જેવા ભેદ પણ થયા છે. ચં.ટો.