ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નિરુક્ત


નિરુક્ત : વેદના શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્ત અને જ્યોતિષ એ ષડ્અંગમાં અત્યંત મહત્ત્વનું અંગ છે. યાસ્કે નિરુક્તને વ્યાકરણનું પૂરક કહ્યું છે. નિરુક્ત પ્રધાન છે, વ્યાકરણ ગૌણ. વ્યાકરણ માત્ર પ્રકૃતિ અને પ્રત્યયપ્રધાન શબ્દોની જ વ્યુત્પત્તિ આપે છે, જ્યારે નિરુક્ત વેદના જે શબ્દોનો પ્રકૃતિ-પ્રત્યય વિભાગ દુર્બોધ હોય છે તેમની પણ વ્યુત્પત્તિ આપે છે. નિરુક્તમાં તેને ‘નિર્વચન’ને નામે ઓળખવામાં આવે છે. ટૂંકમાં, નિરુક્ત આપણું અતિપ્રાચીન વ્યુત્પત્તિશાસ્ત્ર (etymology) છે. નિરુક્ત ઘણાં હશે પણ હાલ તો આપણને યાસ્કનું જ નિરુક્ત મળે છે. નિરુક્ત નિઘણ્ટુ ઉપરનો વ્યાખ્યાગ્રન્થ છે. ‘નિઘણ્ટુ’ એ વૈદિકકોશ છે. અને કદાચ જગતનો સૌથી પ્રાચીન શબ્દકોશ છે. તેની વ્યાખ્યા કરતો ગ્રન્થ એ જ નિરુક્ત. પા.માં.