ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નૈસર્ગિક ઉપનૈસર્ગિક

From Ekatra Wiki
Jump to navigation Jump to search


નૈસર્ગિક ઉપનૈસર્ગિક (Naive-Sentimental) : સૌન્દર્યશાસ્ત્રની યુરોપીય વિચારધારાના બે મહત્ત્વના પક્ષોનું સૂચન કરતી આ સંજ્ઞા જર્મન કવિ અને વિચારક ફ્રેડ્રિક શિલરે ૧૭૯૫માં સૌપ્રથમ પ્રયોજી. શિલર કાવ્યસર્જનની વાસ્તવવાદી અને આદર્શવાદી પ્રણાલીઓને અનુક્રમે નૈસર્ગિક (Naive) અને ઉપનૈસર્ગિક (Sentimental) તરીકે ઓળખાવે છે. તેના મત અનુસાર શેક્સપિયર, હોમર વગેરે કવિઓ કુદરત સાથે તાદાત્મ્ય ધરાવે છે અને કાવ્ય દ્વારા તેની વાસ્તવિકતા અભિવ્યક્ત કરે છે, જ્યારે અન્ય આધુનિક કવિઓ કુદરત સાથે સીધું અનુસન્ધાન ન ધરાવતા હોઈ કુદરતને તેમનો આદર્શ ગણી તેને પામવા, શોધવાની પ્રક્રિયાને તેમના સર્જનમાં નિરૂપે છે. પ્રથમ પ્રકારના કવિઓએ કુદરતને આત્મસાત કરેલી હોઈ કલ્પનાનું ઊર્ધ્વીકરણ (Transcendence) સાધી શકતા નથી, જ્યારે બીજા પ્રકારના કવિઓનું દર્શન ઊર્ધ્વીકૃત થયું હોય છે. શિલરની આ વિચારધારાનો પડઘો ઓગણીસમી અને વીસમી સદીની સૌન્દર્યશાસ્ત્રીય વિચારધારામાં રંગદર્શી (Romantic) અને પ્રશિષ્ટ (Classical), એપોલોનિયન અને ડાયોનિઝિયન એમ દ્વિપક્ષી વિચારધારાની વિવિધ સંજ્ઞાઓ દ્વારા થયેલ સ્વીકારમાં પડે છે. હ.ત્રિ.