ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પઉમચરિય
પઉમચરિય(પદ્યચરિત) : વિમલસૂરિકૃત જૈન પુરાણસાહિત્યની પ્રાચીનતમ કૃતિ. ૧૧૮ પર્વોમાં વિભક્ત પ્રાકૃત સાહિત્યનું આ આદિકાવ્ય છે. તેની ભાષા મહારાષ્ટ્રી પ્રાકૃત છે. રામચરિતનું વર્ણન અહીં કુલ ૮૬૫૧ ગાથાઓ અને ૧૨ હજાર શ્લોકમાં વિસ્તરેલું છે. અહીં રામનું નામ પદ્મ રાખવામાં આવ્યું છે. વાલ્મીકિરામાયણની સામગ્રીને જૈન સંપ્રદાયની માન્યતાઓ અનુસાર રૂપાંતરિત કરીને અહીં રજૂ કરવામાં આવી છે. મૂળ કથાપ્રસંગો અને ભાવનિરૂપણની દૃષ્ટિએ તેમાં આમૂલ પરિવર્તન થયેલું જોવા મળે છે. કથાના અંતમાં સીતા દીક્ષા લઈને સાધ્વી બને છે. અને રામ કઠિન તપશ્ચર્યા દ્વારા નિર્વાણ પ્રાપ્ત કરે છે. ‘પઉમચરિય’માં રામચરિત્ર ઉપરાંત અન્ય કથાઓ અને અવાંતરકથાઓ પણ આપવામાં આવી છે. જૈન ધર્મના શ્વેતાંબર, દિગંબર અને યાપનીય સર્વ સંપ્રદાયો આ કૃતિને સમાનભાવે સ્વીકારે છે. મહાકાવ્યોચિત દેશ, નગરો, પર્વતો, સમુદ્રો, નદીઓ, પાત્રો પ્રસંગોનાં વિસ્તૃત વર્ણનો તથા શૃંગાર, વીર અને કરુણરસની સાથે ભયાનક બીભત્સ, અદ્ભુત, હાસ્ય વગેરે રસનું નિરૂપણ તેમાં થયેલું છે. ઉપમાદિ વિવિધ અલંકારોનું આયોજન, ભાષાનું માધુર્ય અને પ્રાસાદિકતા તથા શૈલીની પ્રવાહિતા નોંધપાત્ર છે. કાવ્યનિર્માણમાં મુખ્યત્વે ગાથા છંદની સાથે ઉપજાતિ, ઇન્દ્રવજ્રા, માલિની, વસંતતિલકા, શાર્દૂલવિક્રીડિત વગેરે સંસ્કૃત છંદોનો પણ વિનિયોગ થયો છે. નિ.વો.