ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પટ્ટણી બોલી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પટ્ટણી બોલી : પ્રાચીન ગુજરાતી ભાષાનો જ્યારે જન્મ થયો ત્યારે ઉત્તર ગુજરાત સત્તાનું કેન્દ્ર હતું. આ પ્રદેશમાં જે ભાષા બોલાતી તે આજે ઉત્તર ગુજરાતી બોલી તરીકે ઓળખાય છે. આજના સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા અને ગાંધીનગર જિલ્લામાં બોલાતી આ બોલીમાં ભીલી બોલીનાં કેટલાંક લક્ષણો પણ મળે છે. ઉચ્ચારણની લાક્ષણિકતાઓ : ૧, અનુસ્વાર સાથે જે ‘ઈ’ આવે તે ‘ઍ’ તરીકે ઉચ્ચારાય છે. જેમકે ભીંત>ભેંત, વીંટી>વૅંટી, ખીંટી>ખેંટી. વગેરે ૨, અનુનાસિક વ્યંજન પહેલાં જે ઈ આવે તે પણ ‘ઍ’ (પહોળા ઍ તરીકે) ઉચ્ચારાય છે. દાત. મીણ>મૅણ, વીણ>વૅણ, નીકળ્યો>નૅ’કળ્યો. વગેરે ૩, અનુસ્વાર સાથે જે ‘આં’ આવે તે ‘ઑં’ (પહોળા ઑં) તરીકે ઉચ્ચારાય છે. જેમકે ત્યાં>ત્યૉં, વાંચ>વૉંચ, પાંચ>પૉંચ વગેરે. ૪, અનુનાસિક વ્યંજન પહેલાં જે ‘ઑ’ આવે તે પણ (પહોળા ઑ) તરીકે ઉચ્ચારાય છે. જેમકે ગામ>ગૉમ, કામ>કૉમ, કાન>કૉન, પાણી>પૉણી, નામ>નૉમ વગેરે. ૫, શબ્દને અંતે આવતો અનુસ્વાર બોલાતો નથી. જેમકે કાપું>કાપુ, છાપું>છાપુ, સાચું>હાસુ વગેરે. ૬, શબ્દમાં આવતો ‘હ’ બોલાતો નથી. જેમકે નહીં>નંઈ, દહીં>દંઈ, રહીમ>રઈમ. ૭, શબ્દોમાં આવતા ‘સ’ને બદલે ‘હ’ બોલાય છે. જેમકે માણસ>માણહ, વરસ>વરહ, મહેસાણા>મેહૉણા. ૮, શબ્દની વચ્ચે આવતો ‘આ’ બોલાતો નથી. જેમકે મકાઈ>મકઈ, ખાઈ>ખઈ, ગાઉ>ગઉ, સગાઈ>સગઈ વગેરે. ૯, ‘ળ’ને બદલે ‘ર’ બોલાય છે. જેમકે કાળિયો>કારિયો, શાકવાળી>શાકવારી, મળી ગયો>મરી ગયો, નળ>નર વગેરે. ૧૦, બરણી, ચારણી, ગરણી, પરણીમાંનો ‘ર’ ‘ય’ તરીકે ઉચ્ચારાય છે. જેમકે બયણી, ચાયણી, ગયણી, પયણી વગેરે. ૧૧, ક્યાંક ‘ક’ને બદલે ‘ચ’ અને ‘ગ’ને બદલે ‘જ’ બોલાય છે. જેમકે કેમ>ચ્યમ, કેટલા>ચેટલા, કીધું>ચીધું, ગયો>જ્યો, ઘી>ઝી વગેરે. ૧૨, આવ્યો, લાવ્યો, પકાવીએ, જેવાં ક્રિયાપદોમાં ‘વ’ બોલાતો નથી. જેમકે આયો, લાયો, પકઈએ વગેરે. ૧૩, ‘ચ’ અને ‘છ’ બદલે ‘સ’ બોલાય છે. જેમકે ચા>સા, ચાલ્યો>સાલ્યો, છે>સે, છોકરો>સોકરો વગેરે.

વ્યાકરણી લક્ષણો : ૧, બહુવચનનો પ્રત્યય ‘ઓ’ બદલે ‘આં’ બોલાય છે. જેમકે ઘરો>ઘરાં, માણસો>માણહાં, કબૂતરો>કબૂતરાં, છછુંદરો> છછુંદરાં વગેરે. ૨, ‘હું ને બદલે ‘મું’ કે ‘મીં’ અને ‘તું’ ને બદલે ‘તીં’ વપરાય છે. જેમકે અમે ને બદલે અમીં, આપણને>આપડે, તમે ને બદલે તમં વપરાય છે. ૩, ‘નથી’ને સ્થાને નઈં વપરાય છે. જેમકે ચ્યમ બોલતો નઈં. ૪, ભવિષ્યકાળમાં ઈશ ને બદલે અ વપરાય છે. જેમકે હું બોલીશ>મું બોલ, હું ચાલીશ>મું ચાલ, હું દોડીશ>મું દોડ વગેરે. આ બોલીમાં ‘હેંડવું, આલવું, સઈ રાખવું’ જેવા ખાસ શબ્દો વપરાય છે. યો.વ્યા.