ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પત્રકાવ્ય


પત્રકાવ્ય (Epistle) : કોઈ ચોક્કસ વ્યક્તિને કે મિત્રને સંબોધીને પત્રસ્વરૂપે પદ્યમાં લખાયેલું કાવ્ય. સામાન્ય કે પ્રણાલિગત પત્ર કરતાં આ પદ્યસ્વરૂપમાં લખાયેલો પત્ર, એની સભાન સાહિત્યિક રીતિને કારણે અને પ્રકાશન માટે સહેતુક આયોજિત કરાયેલો હોવાને કારણે જુદો પડે છે. મુખ્યત્વે એના બે પ્રકાર ગણાવાય છે : નૈતિક અને તાત્ત્વિક વિષયોને સ્પર્શતાં પત્રકાવ્યો અને રંગરાગી લાગણીથી આર્દ્ર, પત્રકાવ્યો. પહેલા પ્રકારમાં હોરેસનાં અને બીજા પ્રકારમાં ઓવિડના પ્રશિષ્ટ પત્રકાવ્યોના નમૂનાઓ મળી આવે છે. આપણે ત્યાં, બ. ક. ઠાકોરનું ‘વધામણી’ સૉનેટ, ઇન્દુલાલ ગાંધીનો ‘આંધળી માનો કાગળ’ કે હીરાબહેન પાઠકના ‘પરલોકે પત્ર’ – આ સ્વરૂપના નમૂનાઓ છે. ચં.ટો.