ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પરંપરા અને પ્રણાલી
પરંપરા અને પ્રણાલી (Tradition and Convention) : વ્યાપક અર્થમાં પરંપરા, લેખકને ભૂતકાળમાંથી પ્રાપ્ત બધી પ્રણાલીઓ, પ્રવિધિઓ અને અભિવ્યક્તિઓને સૂચવે છે. કોઈ પણ લેખક પરંપરાથી પ્રારંભ કરે છે. એની રચનાઓમાં એણે જે વાંચ્યું હોય કે સાંભળ્યું હોય એના પડઘા ઊતર્યા વગર ન રહે. પરંપરા સાથેના લેખકના સંબંધને સમજવા માટે બે વાત ધ્યાનમાં લેવી પડે. એક વાત એ કે લેખક ભૂતકાળથી ક્યારે ય છૂટી શકતો નથી અને બીજી વાત એ કે લેખક ભૂતકાળને વર્તમાન સાથે સાંકળી શકે છે. એનો અર્થ એ કે લેખક વારસાગત મળેલાં સ્વરૂપોને નવાં સંવેદનો દ્વારા કરેલા ફેરફારો સાથે યોજે છે ત્યારે જ એક પરંપરા રચાય છે. આથી જ પરંપરાને લક્ષમાં રાખી લેખકને પ્રશંસવા માટે ‘લેખક પરંપરા સાથે સુસંગત છે’ એવું વિધાન કરવામાં આવે છે અને લેખકને વખોડવા માટે ‘લેખક પરંપરાગત છે’ એવું વિધાન કરવામાં આવે છે. પરંપરાથી હાથ આવેલી સામગ્રી પર પોતાની અંગત મુદ્રા અંકિત કરવામાંથી એક તાણ ઊભી થાય એ લેખક માટે જરૂરી છે. એટલેકે લેખક લાકડાના ટુકડા માફક પ્રવાહ પર કેવળ તરતો નથી; પ્રતિપ્રવાહે પણ પોતાનો માર્ગ કાપે છે. પરંપરા એ રીતે કલાનિયંત્રણોનાં અનેક સ્વરૂપોનું એક સ્વરૂપ છે, જે લેખકને એની ઓળખ માટે તક આપે છે. સાંપ્રત વિવેચનમાં પરંપરા, સાહિત્ય ઉપરાંત સમાજ અને સંસ્કૃતિને પણ આવરી લે છે. આ સંદર્ભમાં લેખકનો ભૂતકાળ સાથેનો સંબંધ પરસ્પરાવલંબી છે સ્થિર નથી. આથી કોઈપણ નવી સમર્થ કૃતિ, ભૂતકાળની સમર્થ કૃતિઓથી ઊભી થયેલી વ્યવસ્થામાં ફેરફાર કર્યા વિના રહેતી નથી. અનુનેયતા અને પરિવર્તન પરંપરાના અનિવાર્ય અંશો છે, જેનાથી એ સાતત્ય સાથે સજીવ ટકી રહે છે. પ્રણાલી, પરંપરાનો ભાગ છે, પરંતુ એ પ્રમાણમાં નિશ્ચિત અને સમયનિરપેક્ષ છે. એ મૃતભાષાના અપરિવર્તનશીલ વ્યાકરણ જેવી છે. માધ્યમની પરંપરાને સમજી ન શકનાર પણ પ્રણાલી શીખી શકે છે. કોઈ જ્યારે ૫, ૭, ૫ અક્ષરો જાળવીને હાઈકુ રચે છે, ત્યારે હાઈકુના પદ્યસ્વરૂપનો નિયમ પાળે છે, હાઈકુની જપાનપરંપરા સાથે એ સંયુક્ત નથી. પરંપરા નહિ, પણ પ્રણાલી શીખી શકાય છે. અને સંક્રમિત પણ કરી શકાય છે. પ્રણાલી ‘જો આમ, તો આમ’ એમ નિયમ નક્કી કરે છે. પ્રણાલી એ રીતે લેખક અને વાચક સમુદાયની વચ્ચેના નિહિત કરાર જેવી છે. વાસ્તવની પ્રસ્તુતિ સંદર્ભે કોઈ ચોક્કસ કલામાધ્યમમાં ઊભી થયેલી સમસ્યાઓના ઉકેલ માટે એ કામગીરી બજાવે છે. એક રીતે જોઈએ તો પ્રણાલીઓ વિષયવસ્તુનાં સ્વરૂપનાં કે રચનારીતિનાં સ્પષ્ટ લક્ષણો છે; જે સાહિત્યકૃતિઓમાં વારંવાર પુનરાવૃત્ત થયાં કરે છે. ટૂંકમાં, પ્રણાલી સર્વસંમતિ પર આધારિત સ્વીકૃત નિયમ કે પ્રસ્થાપિત વ્યવહાર છે. આથી પ્રણાલી દ્વારા પદ્યનું સ્વરૂપ (પંક્તિઓ, કડીઓ, વાક્યવિન્યાસ) સામગ્રી (અલંકાર, વાગ્મિત, સાહિત્યપ્રકારો, કથનપદ્ધતિઓ), યુગની સૌન્દર્યવિભાવના વગેરેનો નિર્દેશ જોઈ શકાય છે. નાટ્યક્ષેત્રે, પ્રેક્ષકસમુદાય અશ્રદ્ધાનો અભીષ્ટ નિરોધ કરવા તૈયાર થાય, રંગમંચને રસોડું કે યુદ્ધભૂમિ સ્વીકારી લે, નટોને ઐતિહાસિક રાજાઓ માની લે, પાત્રો ગદ્યને બદલે પદ્યમાં બોલે તો ચલાવી લે, સપાટ પડદા પરનાં બનાવટી દૃશ્યોને અપનાવી લે – આ બધા પ્રણાલીના નમૂના છે. હકીકતમાં માધ્યમની મર્યાદાઓની અંદર આવશ્યક રીતે અને સરલતાથી કાર્ય કરવા માટે પ્રણાલીઓ સારભૂત છે. આ કારણે સંરચનવાદી વિવેચન માને છે કે વાચક પરંપરા અને પ્રણાલિના નિશ્ચિત ગણ દ્વારા ઊભી થયેલી સ્વાભાવિકીકરણની પ્રક્રિયાથી કૃતિનું આકલન કરે છે. ચં.ટો.